રાફેલ ડીલ: ભાજપ-કોંગ્રેસના ઝઘડામાં હવે પાકિસ્તાને ઝંપલાવ્યું, રાહુલની ટ્વિટનો કર્યો ઉપયોગ

ફ્રાન્સ સાથે થયેલી રાફેલ ડીલ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપમાં પાડોશી પાકિસ્તાન પણ કૂદી પડ્યું છે.

રાફેલ ડીલ: ભાજપ-કોંગ્રેસના ઝઘડામાં હવે પાકિસ્તાને ઝંપલાવ્યું, રાહુલની ટ્વિટનો કર્યો ઉપયોગ

નવી દિલ્હી: ફ્રાન્સ સાથે થયેલી રાફેલ ડીલ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપમાં પાડોશી પાકિસ્તાન પણ કૂદી પડ્યું છે. રાફેલ ડીલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દેના નિવેદન બાદ પાકિસ્તાને કહ્યું છે કે ભારત સરકાર આ ડીલમાં ઘેરાઈ રહી છે. આવામાં પોતાનો બચાવ કરવા માટે ભારત સરકાર પાકિસ્તાનનું નામ ઢસડી રહી છે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે ભારતમાં સત્તારૂઢ લોકો યુદ્ધ ભડકાવવાની કોશિશ કરી રહ્યાં છે. જેને અમે નકારીએ છીએ. હાલની સરકાર પીએમ નરેન્દ્ર મોદીને બચાવવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. રાફેલ ડીલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજીનામું આપવાનું દબાણ છે, આથી ભારત સરકાર આ મોટી રક્ષા ડીલથી ભારતીય જનતાનું ધ્યાન ભટકાવવા માંગે છે. 

ફવાદ ચૌધરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બે ટ્વિટને રીટ્વિટ કરી છે. સાથે લખ્યુ છે કે તેનાથી માલુમ પડે છે કે ભાજપ પાકિસ્તાન વિરુદ્ધ કેમ ઝેર ઓકી રહ્યો છે. રાફેલ ડીલ પર તમારી જંગ તમે પોતે લડો. 

— Ch Fawad Hussain (@fawadchaudhry) September 22, 2018

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો પ્રહાર
આ બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાફેલ ડીલ પર વડાપ્રધાને દેશને દગો કર્યો છે. ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાને બંધ બારણે અંગત રીતે રાફેલ ડીલ પર વાત કરી અને તેમાં ફેરફાર કરાવ્યો. ફ્રાન્સવા હોલાન્દનો આભાર, હવે અમે જાણીએ છીએ કે તેમણે દેવાળિયા અનિલ અંબાણીને અબજો ડોલરની ડીલ કરાવી. વડાપ્રધાને દેશને દગો કર્યો છે. તેમણે અમારા સૈનિકોની શહાદતનું અપમાન કર્યુ છે. 

— Ch Fawad Hussain (@fawadchaudhry) September 22, 2018

ભાજપનો રાહુલ પર પલટવાર
જેના જવાબમાં રાફેલ ડીલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવ હોલાન્દેના નિવેદન પર રાહુલના સરકાર પર પ્રહારોનો પલટવાર કરતા ભાજપે કોંગ્રેસને ભ્રષ્ટાચારની જનની ગણાવી અને આરોપ લગાવ્યો કે યુપીએના શાસન દરમિયાન બહારના કારણોસર રાફેલ ડીલને અંતિમ સ્વરૂપ નહીં આપવાનું દબાણ હતું. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યા બાદ ભાજપે વડાપ્રધાન મોદીને ઈમાનદારીનું પ્રતિક ગણાવ્યાં. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રિલાયન્સ અને દસોલ્ટે 2012માં જ એક ડીલ કરી હતી અને તે વખતે યુપીએ સત્તામાં હતી. આથી મોદી સરકારે અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપનીનો પક્ષ લીધો હતો તે આરોપ ફગાવીએ છીએ. 

આ ડીલની તપાસ એ સયુંક્ત સંસદીય સમિતિ પાસેથી કરાવવાની રાહુલ ગાંધીની માગણીને ફગાવતા તેમણે કહ્યું કે સતત એક પછી એક ખોટુ બોલનારા અહંકારી નેતાના અહમને સંતોષવા માટે આમ કરી શકાય નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news