બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 513 વખત કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘનઃ ભારતીય સેના

આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાની સરખામણીમાં પાંચથી છ ગણું વધુ નુકસાન થયું છે 

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 513 વખત કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘનઃ ભારતીય સેના

જમ્મુઃ ભારતીય સેનાએ શનિવારે જણાવ્યું કે, પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઈક પછી છેલ્લા દોઢ મહિના દરમિયાન જમ્મુ-કાશ્મીર નિયંત્રણ રેખા પર લગભગ 513 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાની સરખામણીમાં પાંચથી છ ગણું વધુ નુકસાન થયું છે. 

વ્હાઈટ નાઈટ કોરના જનરલ ઓફિસર ઈન કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહે રાજોરીમાં પત્રકારોને જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાએ સંઘર્ષ વિરામ ઉલ્લંઘન દરમિયાન 100થી વદુ વખત મોર્ટાર અને તોપ જેવા મોટા હથિયારોનો ઉપયોગ કર્યો છે અને નિવાસી વિસ્તારોને નિશાન બનાવ્યા છે. 

પાક સેનાએ મોર્ટાર-તોપનો ઉપયોગ કર્યો
જેઓસીએ જણાવ્યું કે, 'દોઢ મહિના દરમિયાન જમ્મુ-કાશ્મીર નિયંત્રણ રેખા પર લગભગ 513 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે પુંછમાં બે યુવતી સહિત ચાર નાગરિક ઘાયલ થયા છે.' ભારતીય સેના પાકિસ્તાનના આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. 

પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા તેમનાં ઘાયલ કે મૃતકોની સંખ્યાની જાહેરાત કરાઈ નથી. લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહે જણાવ્યું કે, 'આપણા સૂત્રો અનુસાર પાકિસ્તાની સેનાને ભારતીય સેનાની સરખામણીમાં પાંચથી છ ગણું વધુ નુકસાન થયું છે.'

આ સાથે જ તેમણે જણાવ્યું કે, સ્નાઈપર હુમલાની ઘટનાઓમાં છેલ્લા મહિના દરમિયાન સંપૂર્ણ ઘટાડો થયો છે અને હવે લગભગ બંધ થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણી દરમિયાન સૈનિકોના નામે થઈ રહેલા રાજકારણ અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, સેના આ ચર્ચામાં પડવા માગતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news