નવા વર્ષે પીએમ મોદી આ રાજ્યથી શરૂ કરશે લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 જાન્યુઆરીથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરવાના છે
Trending Photos
તિરૂવનંતપુરમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી-2019 માટે પ્રચાર અભિયાનની શરૂઆત 6 જાન્યુઆરીના રોજ કેરળના પત્તનમથિટ્ટાથી કરશે. ભારતીય જનતાપાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ગુરુવારે આ માહિતી આપી હતી. પત્રકારો સાથે વાત કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ જણાવ્યું કે, પીએમ મોદી કેરળના પત્તનમથિટ્ટા આવશે.
પત્તનમથિટ્ટા તિરૂવનંતપુરમથી 120 કિમી દૂર મધ્ય કેરળમાં આવેલું એક શહેર છે. પિલ્લઈએ જણાવ્યું કે, 'પીએમ મોદી અહીં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.'
કેરળની 140 બેઠકની વિધાનસભામાં ભાજપનો એકમાત્ર ધારાસભ્ય છે. પક્ષને લોકસભા ચૂંટણીમાં આ રાજ્યમાં સારું પ્રદર્શન કરવાની આશા છે. ભાજપ 2014ની લોકસભા ચૂંટણીમાં તિરુવનંતપુરમ સીટ પર બીજા સ્થાને રહી હતી.
પીએમ મોદીનો કૂટનૈતિક દાવ
પીએમ મોદીનો પત્તનમથિટ્ટા પ્રવાસ એક કૂટનૈતિક દાવ માનવામાં આવે છે. કેમ કે આ જિલ્લામાં જ સબરિમાલા મંદિર આવેલું છે. આ મંદિરમાં 10થી 50 વર્ષના વયજૂથની મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ દૂર કરવાનો સુપ્રીમે આદેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે 28 સપ્ટેમ્બરના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, સબરિમાલા મંદિરીમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં કેટલીક ધાર્મિક પરંપરાને કારણે 10થી 50 વર્ષના વયજૂથની મહિલાઓના મંદિરમાં પ્રવેશ અને પૂજા ઉપર વર્ષોથી પ્રતિબંધ લાગેલો છે.
સર્વોચ્ચ અદાલતના આ આદેશ સામે ભાજપે પુરાતનપંથીઓને એકઠા કરીને અનેક દિવસ સુધી અહીં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેરળના રાજ્યના ભાજપ અધ્યક્ષ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ રથયાત્રા કાઢી હતી અને નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં ભાજપને આગળ વધારવા માટે આ જ સુંદર તક છે. તેમના પર લોકોને ભડકાવવા અંગેનું નિવેદન આપવાનો કેસ પણ નોંધાયેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે