RBIના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાના સમાચાર આધારવિહોણા

સુત્રોએ ઝી બિઝનેસને જણાવ્યું કે, RBI Vs સરકારની લડાઈમાં ઉર્જિત પટેલના રાજીનામની જે અફવા ઉડી છે તે તદ્દન ખોટી છે 

RBIના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાના સમાચાર આધારવિહોણા

નવી દિલ્હીઃ સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, RBIના ગવર્નર ઉર્જિત પટેલ તેમના પદ પરથી રાજીનામું નહીં આપે. ઝી બિઝનેસના સુત્રોએ આપેલી માહિતી મુજબ, તાજેતરમાં ઉર્જિત પટેલના રાજીનામાની જે અફવા ઉડી છે તે તદ્દન ખોટી છે. 

કેન્દ્રીય બેન્કના ગવર્નરે 19 નવેમ્બરના રોજ પડતર મુદ્દાઓની ચર્ચા કરવા માટે બોર્ડની મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં RBI અને સરકાર વચ્ચે જે વાકયુદ્ધ ચાલી રહ્યું છે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. 

નાણામંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરાઈ
નાણા મંત્રાલય દ્વારા બુધવારે 'જાહેર હિત' અને 'અર્થતંત્રની જરૂરિયાત'ને બંને પક્ષો માટે નિર્ણાયક તત્વો જણાવ્યા હતા અને સાથે જ તેમણે જણાવ્યું છે કે તેમણે કેન્દ્રિય બેન્ક સાથે ક્યારેય પણ ચર્ચા-વિચારણા કરી નથી. 

નાણામંત્રાલયે પોતાના તરફથી નિવેદન આપતા જણાવાયું છે કે, "RBI કાયદા હેઠળ કેન્દ્રીય બેન્કને જે સ્વાયત્તતા આપવામાં આવી છે તે જરૂરી છે અને તેના વહીટવટ માટે સ્વીકારવામાં આવેલી છે. ભારતની સરકારો તરફથી કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતાનું સન્માન કરવામાં આવતું રહ્યું છે. કેન્દ્રીય બેન્ક અને સરકાર, બંને સંસ્થાઓ જાહેર હિત માટે કામ કરે છે અને તેઓ ભારતીય અર્થતંત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે."

નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, તેણે ક્યારેય કેન્દ્રીય બેન્કની જે મુદ્દાઓમાં સલાહ લીધી છે તેને ક્યારેય જાહેર કર્યા નથી. 

નાણા મંત્રાલયે RBI સાથે સમયાંતરે કરવામાં આવતી ચર્ચાઓ અંગે જણાવ્યું કે, "કેટલાક મુદ્દાઓ પર સમયાંતરે સરકાર અને RBI વચ્ચે ચર્ચા-વિચારણા થતી રહે છે. આ બાબત તમામ નિયામક સંસ્થાઓને લાગુ પડે છે. કેન્દ્ર સરકારે RBI પાસેથી લેવામાં આવેલી સલાહને ક્યારેય જાહેર કરી નથી. માત્ર અંતિમ નિર્ણયોને જ જાહેર કરવામાં આવ્યા છે. RBI પાસેથી લેવામાં આવતી આ પ્રકારની સલાહોમાં સરકાર જે-તે મુદ્દે આકારણી કરતી હોય છે અને સંભવિત સમાધાન સુચવતી હોય છે. સરકાર આ પ્રકારનું કાર્ય આગળ પણ કરતી રહેશે."

RBI એક્ટની ધારા-7 
RBI એક્ટની ધારા-7 અનુસાર સરકારને કેન્દ્રીય બેન્ક પાસેથી સલાહ લેવાની સત્તા મળેલી છે અને ત્યાર બાદ કેટલાક મુદ્દાઓ કે જે જાહેર હિતના છે અને ગંભીર હોય તેના અંગે કેન્દ્રીય બેન્કના ગવર્નરને સલાહ-સુચન આપી શકે છે. તાજેતરમાં એવા સમાચાર વહેતા થયા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા આ ધારામાં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

વર્તમાન સંઘર્ષનું કારણ શું છે?
RBI અને સરકાર વચ્ચે તાજેતરમાં જે સંઘર્ષની સ્થિતિ ઉભી થઈ છે તેના પાછળ RBIના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા આપવામાં આવેલું એક નિવેદન છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતામાં હસ્તક્ષેપ 'સંભવિત વિનાશક' સાબિત થઈ શકે છે. તેમણે એ તરફ ઈશારો કર્યો હતો કે આવતા વર્ષે મે મહિનામાં આવેલી સામાન્ય ચૂંટણી પહેલાં સરકાર કેન્દ્રીય બેન્કને તેની સત્તાઓમાં ઘટાડો કરવા અને નીતિઓને હળવી કરવા પર દબાણ પેદા કરવામાં આવી રહ્યું છે. 

તાજેતરમાં જ નાણામંત્રી અરૂણ જેટલીએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રીય બેન્કે 2008થી 2014 દરમિયાન બેન્કોને જે ધિરાણ બંધ કર્યું હતું તેના કારણે બેન્કોને 150 બિલિયન ડોલરની ખાધનો સામનો કરવો પડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news