'સુપ્રીમ' રાહત: કાર સેવકો પર ફાયરિંગના આદેશ બદલ મુલાયમ સિંહ યાદવ પર નહીં ચાલે કેસ

અયોધ્યામાં 1990માં કાર સેવકો પર ગોળી મારવાના મામલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

'સુપ્રીમ' રાહત: કાર સેવકો પર ફાયરિંગના આદેશ બદલ મુલાયમ સિંહ યાદવ પર નહીં ચાલે કેસ

નવી દિલ્હી: અયોધ્યામાં 1990માં કાર સેવકો પર ગોળી મારવાના મામલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ મામલો નોંધવાની માગણીવાળી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અરજી પર વિચાર કરવાનો કોઈ આધાર નથી. આવામાં અરજી ફગાવવામાં આવે છે. હકીકતમાં રાણા સંગ્રામ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મુલાયમ સિંહના 2014માં એક જનસભામાં અપાયેલા નિવેદનને આધાર બનાવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે આ અપીલને ફગાવતા કહ્યું કે આ મામલે અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં ખુબ વાર લાગી છે. આથી હવે અરજી પર સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી. આ અરજી હાઈકોર્ટના ચુકાદાના 277 દિવસો વીતી ગયા બાદ દાખલ કરવામાં આવી હતી. 

અરજીમાં કહેવાયું હતું કે 6 ફેબ્રુઆરી 2014ના રોજ મેનપુરી જિલ્લામાં આયોજિત એક જનસભામાં મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે તેમના આદેશ પર 1990માં પોલીસે અયોધ્યામાં કાર સેવકો પર ગોળી ચલાવી હતી. અરજીકર્તાનું કહેવું હતું કે આ નિવેદન બાદ તેણે લખનઉ પોલીસમાં મુલાયમ સિંહ વિરુદ્ધ હત્યા અને અપરાધિક કાવતરાનો કેસ દાખલ કરવાની ગુહાર લગાવી હતી. પરંતુ પોલીસે કેસ દાખલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેમણે લખનઉની નીચલી કોર્ટમાં મુલાયમ સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે અરજી કરી હતી. પરંતુ નીચલી કોર્ટે  પણ અરજી ફગાવી હતી. 

ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે પણ 3 મે 2016ના રોજ અરજી ફગાવી હતી. હાઈકોર્ટમાંથી અરજી ફગાવાયા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 

અત્રે જણાવવાનું કે 30 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે હજારો કાર સેવકો ત્યાં જમા થયા હતાં. ત્યારબાદ પોલીસે ભીડ પર ફાયરિંગ કર્યું. જેમાં અનેક કારસેવકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ પણ થયા હતાં. 

ઈનપુટ - મહેશ ગુપ્તા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news