VIDEO મમતા બેનરજીની રેલીમાં શરદ યાદવે માર્યો મસમોટો લોચો, ભાજપે કહ્યું- આભાર શરદજી!
આગામી લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષીદળોને સાથે લાવવાની કવાયતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કોલકાતામાં વિશાળ રેલીનું આયોજન કર્યું જેમાં એક ડઝન કરતા પણ વધુ વિપક્ષી દળના નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યાં અને તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે હુંકાર ભર્યો.
Trending Photos
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષીદળોને સાથે લાવવાની કવાયતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કોલકાતામાં વિશાળ રેલીનું આયોજન કર્યું જેમાં એક ડઝન કરતા પણ વધુ વિપક્ષી દળના નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યાં અને તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે હુંકાર ભર્યો. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા તરફથી આયોજિત આ રેલીમાં સામેલ થઈને 20થી વધુ વરિષ્ઠ નેતાઓએ એકજૂથતા પ્રદર્શિત કરી અને પોતાની વાત રજુ કરી.
આ જ ઘટનાક્રમમાં વરિષ્ઠ નેતા શરદ યાદવ પણ વર્તમાન મોદી સરકાર પર આકરા પ્રહારો કરવા માટે મંચ પર આવ્યાં પરંતુ અજાણતા જ એવી ભૂલ કરી નાખી કે હવે વિપક્ષી એકતાની જગ્યાએ તેમની આ ભૂલ વાઈરલ થઈ ગઈ છે અને ભાજપ ગેલમાં આવી ગયો છે. શરદ યાદવ રાફેલ ડીલમાં કૌભાંડની વાત કરી રહ્યાં હતાં પરંતુ તેમના મુખમાંથી વારંવાર બોફોર્સ નીકળતું હતું. જો કે તેમના ભાષણ બાદ ટીએમસી નેતા ડેરેકે તેમને જણાવ્યું કે તેમણે રાફેલ બોલવાનું હતું બોફોર્સ નહીં. ત્યારબાદ શરદ યાદવે પોતાની ભૂલ સુધારી. જો કે તે પછી તો ખુબ મોડું થઈ ગયું હતું.
શરદ યાદવે કહ્યું કે આજે ઈતિહાસની ખુબ મોટી તક છે. દેશ સંકટમાં છે. ખેડૂતો તબાહ છે, યુવાઓ બરબાદ થઈ રહ્યાં છે. નિરાશ છે. જીએસટીથી વેપારીઓ પરેશાન છે. નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા 10-12 વર્ષ પાછળ જતી રહી છે. લગભગ 7 કરોડ લોકો બેરોજગાર થયા છે. ત્યારબાદ તેઓ રાફેલની વાત કરવા લાગ્યાં પરંતુ તેમણે બોફોર્સનું નામ લીધુ. શરદ યાદવે કહ્યું કે બોફોર્સની લૂટ, સેનાના હથિયાર, સેનાના જહાજ અહીં લાવવાનું કામ થયું. ડકેતી નાખવાનું કામ બોફોર્સમાં થયું છે. લૂંટ થઈ છે. શરદ યાદવ પોતાની વાત કહેતા રહ્યાં અને તેમનું ભાષણ ખતમ પણ થઈ ગયું પરંતુ આમ છતાં તેમને ભૂલનો અહેસાસ થયો નહતો.
Thank you Sharad ji for having the courage to speak about Bofors! pic.twitter.com/4NreAmPQJX
— BJP (@BJP4India) January 19, 2019
ભાષણના અંતમાં ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયન તેમની પાસે આવ્યાં અને કહ્યું કે રાફેલ બોલવાની જગ્યાએ તમે બોફોર્સ કહી નાખ્યું. ત્યારબાદ શરદ યાદવે કહ્યું કે માફ કરજો હું રાફેલની વાત કરતો હતો પરંતુ બોફોર્સ બોલાઈ ગયું. તેમણે પોતાનું ભાષણ રાફેલ, રાફેલ અને રાફેલ કહીને ખતમ કર્યું. શરદ યાદવની આ ભૂલ પર મમતા બેનરજીએ કહ્યું કે શરદજીએ ભૂલ સુધારી લીધી છે. ક્યારેક ક્યારેક આપણા મોઢામાંથી જૂની વાતો બહાર આવે છે, પરંતુ ઠીક છે. શરદજીએ ભૂલ સુધારી લીધી છે તેઓ રાફેલની વાત કરી રહ્યાં હતાં.
ભાજપ ગેલમાં
જો કે શરદ યાદવની આ ભૂલથી ભાજપ જાણે ગેલમાં આવી ગયો છે. ભાજપના ટ્વિટર હેન્ડલથી શરદ યાદવના ભાષણનો તે ભાગ ટ્વિટ કરવામાં આવ્યો. જેના પર હવે પૂર્વ જેડીયુ નેતાએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે જીભ લપસી ગઈ હતી. ભાજપે આ મુદ્દે તેમના પર નિશાન સાધ્યું. વડાપ્રધાને પણ કહ્યું હતું કે જે મંચ પરથી લોકો દેશ અને લોકસભા બચાવવાની વાતો કરી રહ્યાં હતાં તે જ મંચ પરથી એક નેતાએ બોફોર્સ કૌભાંડની વાત યાદ કરાવી દીધી.
ભાજપ તરફથી કરાયેલી એક ટ્વિટમાં કહેવાયુ્ં કે બોફોર્સનું સત્ય આ મંચ પરથી બોલવાનું સાહસ દર્શાવવા માટે તમારો આભાર શરદજી!.
શરદ યાદવે આપ્યો જવાબ
આ ઘટનાને મુદ્દો બનાવવાના ભાજપના વલણને શરદ યાદવે હાસ્યાસ્પદ ગણાવી દીધો. તેમણે કહ્યું કે આ જીભ લપસી જવાનો મામલો છે. પરંતુ તે લોકો હવે કઈ કરી શકતા નથી તો આને જ મુદ્દો બનાવી રહ્યાં છે. જે હાસ્યાસ્પદ છે. અત્રે જણાવવાનું કે રેલીમાં શરદ યાદવે રાફેલની જગ્યાએ બોફોર્સમાં લૂંટ બોલી નાખ્યું હતું. જો કે ત્યારબાદ ભૂલ સુધારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે