સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ પર પ્રહાર- "સોનિયાની આગેવાનીવાળા યુપીએના સમયમાં બેન્કોની હાલત કફોડી થઈ"

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએના સ્વરૂપમાં જે મહાસંકટ ઊભું થયું છે તેના માટે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર જવાબદાર છે 

સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ પર પ્રહાર- "સોનિયાની આગેવાનીવાળા યુપીએના સમયમાં બેન્કોની હાલત કફોડી થઈ"

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએના સ્વરૂપમાં આવેલા મહાસંકટ માટે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર જવાબદાર છે. ઈરાનીએ આ માટે સોનિયા ગાંધીને પણ આડે હાથ લીધા અને જણાવ્યું કે, તેમણે બેન્કિંગ વ્યવસ્થાના પાયા હચમચાવી નાખ્યા હતા. પોતાની વાતના સમર્થનમાં તેમણે રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. 

ઈરાનીએ જણાવ્યું કે, "યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળની સરકારે ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના પાયા હચમચાવી નાખ્યા હતા. રઘુરામ રાજમે જણાવ્યું છે કે, 2006-08 દરમિયાન યુપીએના લોકોએ ભારતીય બેન્કિંગ સ્ટ્રક્ચરમાં એનપીએને વધવા દીધો હતો." 

રઘુરાજમ રાજનના જણાવ્યા અનુસાર, "બેન્કર્સ ઉપરાંત આર્થિક મંદીની સાથે નિર્ણયો લેવામાં સરકારની લાપરવાહી જવાબદાર હતી. સાથે જ એનપીએમાં જે વધારો થયો છે, તેના માટે પૂર્વ યુપીએ સરકારમાં થેયલા કૌભાંડો પણ જવાબદાર રહ્યા છે. રઘુરામ રાજને સંસદીય સમિતિને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ એનપીએ યુપીએ સરકારના કાર્યકાળ 2006-2008માં રહ્યો હતો."

સંસદીય સમિતિની એસ્ટિમેટ સમિતિના ચેરમેન મુરલી મનોહર જોશીને રઘુરામ રાજને પોતાની નોટ મોકલી છે. જેમાં તેમણે લખ્યું છે કે, કોલસાની ખાણોની શંકાસ્પદ વહેંચણી અને તપાસના ભય જેવી સમસ્યાઓને કારણે યુપીએ અને ત્યાર બાદ એનડીએ સરકારે નિર્ણયો લેવામાં મોડું કર્યું હતું. આ કારણે જ દેણદારો માટે લોન ચુકવવું મુશ્કેલ બનતું ગયું. 

ચોકસીના મુદ્દે મૌન રહ્યા સ્મૃતિ
મેહુલ ચોકસીના નિવેદન મુદ્દે તેમણે જણાવ્યું કે, 'આ સવાલ તપાસ એજન્સીઓને પુછવો જોઈએ. એક કેબિનેટ મંત્રી તરીકે મારે આવા આરોપોનો જવાબ ન આપવો જોઈએ.' ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસીએ એન્ટિગુઆથી એક વીડિયો બહાર પાડીને જણાવ્યું છે કે, તપાસ એજન્સીઓ તેને જાણીજોઈને ફસાવી રહી છે. 

સ્મૃતિ ઈરાનીએ નેશનલ હેરાલ્ડ કેસ અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધી ઈન્કમ ટેક્સથી બચવા માટે કોર્ટમાં ગયા હતા. તેનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news