નક્સલીઓ-વિરપ્પનનો ખાતમો કરનારા આ બે અધિકારીઓ હવે કાશ્મીરના મિશન પર

જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ દેશના કેટલાક ચર્ચિત અધિકારીઓને રાજ્યમાં બહાલ કરવામાં આવ્યાં છે.

નક્સલીઓ-વિરપ્પનનો ખાતમો કરનારા આ બે અધિકારીઓ હવે કાશ્મીરના મિશન પર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ દેશના કેટલાક ચર્ચિત અધિકારીઓને રાજ્યમાં બહાલ કરવામાં આવ્યાં છે. છત્તીસગઢના એડિશનલ ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમને રાજ્યપાલે મુખ્ય સચિવ અને પૂર્વ આઈપીએસ અધિકારી વિજયકુમારને રાજ્યપાલના સલાહકાર તરીકે નિયુક્ત કરાયા છે. સુબ્રમણ્યમની ગણતરી દેશના કાબેલ ઓફિસરોમાં થાય છે અને તેઓ નક્સલી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ બહાલ કરવા માટે ખાસ જાણીતા છે. કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પન ઓક્ટોબર 2004માં એક અથડામણમાં માર્યો ગયો હતો. વિજયકુમારે જ આ ટીમનું નેતૃત્વ કર્યું હતું.  

નક્સલીઓને ધોળે દિવસે તારા બતાવ્યા હતાં સુબ્રમણ્યમે
મનમોહન સિંહના ખાસ અધિકારીઓમાં સુબ્રમણ્યમનું પણ નામ હતું જેમને યુપીએ-1માં મનમોહને પોતાના અંગત સચિવ તરીકે નિયુક્ત કર્યાં હતાં. મનમોહન સિંહે જ્યારે યુપીએ-2ની કમાન સંભાળી હતી ત્યારે તેમણે 2012માં ફરીથી સયુંક્ત સચિવ પદે તેમને બહાલ કર્યા હતાં. 3 વર્ષ સુધી વર્લ્ડ બેંક સાથે સફળતાપૂર્વક કામ કર્યા બાદ સુબ્રમણ્યમ જ્યારે પાછા ફર્યા ત્યારે એકવાર ફરીથી મનમોહને તેમના પર ભરોસો બતાવ્યો અને તેમને જોઈન્ટ સેક્રેટરીનું પદ આપ્યું. સુબ્રમણ્યમે મોદી સરકાર સાથે પણ જોઈન્ટ સેક્રેટરીના પદે કામ કર્યું અને ત્યારબાદ તેમની વાપસી પોતાના કેડર છત્તીસગઢમાં થઈ.

છત્તીસગઢના ગૃહ સચિવના પદ પર હતાં ત્યારે તેમણે નક્સલી પ્રભાવિત વિસ્તારોમાં ઉલ્લેખનીય કામ કર્યું. ખાસ કરીને છત્તીસગઢના નક્સલી પ્રભાવિત વિસ્તારોમાં તેમણે વિકાસ કાર્યોને સફળતાપૂર્વક અંજામ આપ્યો અને તેના માટે તેઓ જાણીતા છે. બસ્તર વિસ્તારમાં બીવીઆર સુબ્રમણ્યમ મુખ્ય સચિવ હતાં ત્યારે યોગ્ય રણનીતિ અને ઈચ્છાશક્તિ દ્વારા તેમણે 700 કિમી લાંબો રસ્તો બનાવવામાં સફળતા મેળવી. 2017માં આ વિસ્તારમાં 300થી વધુ નક્સલીઓ માર્યા ગયા અને 1000થી વધુ નક્સલીઓએ સરન્ડર કર્યું.

વિરપ્પનના ખાતમામાં વિજયકુમારની મહત્વની ભૂમિકા
બીજી બાજુ રાજ્યપાલના સલાહકાર તરીકે નિયુક્ત કરાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી વિજયકુમાર જંગલમાં ઉગ્રવાદ વિરોધી અભિયાન ચલાવવામાં માહિર ગણાય છે. તામિલનાડુ કેડરના 1975 બેચના આઈપીએસ અધિકારી એવા વિજયકુમાર 1998-2001માં બીએસએફના આઈજી તરીકે કાશ્મીર ઘાટીમાં સેવા આપી ચૂક્યા છે. તે સમયે બીએસએફ ઘાટીમાં આતંકવાદી વિરોધી અભિયાનોમાં ખુબ સક્રિય હતી. વર્ષ 2010માં છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં સીઆરપીએફના 75 જવાનો શહીદ થયા બાદ કુમારને બીએસએફના ડીજી બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓમાં ઘારે ઘટાડો જોવા મળ્યો હતો. કુખ્યાત ચંદન દાણચોર વિરપ્પનને ઓક્ટોબર 2004માં એક અથડામણમાં ઠાર કરાયો હતો, વિજયકુમારે જ તે ટીમનું નેતૃત્વ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news