ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર, કોંગ્રેસ સહિત વિપક્ષોનો વોકઆઉટ
લોકસભામાંથી વોકઆઉટ કરતા પહેલા વિરોધ પક્ષોએ માગ કરી હતી કે આ બિલને પસાર કરતાં પહેલાં સંસદની સિલેક્ટ કમિટીને સમીક્ષા માટે મોકલવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ 'ધ મુસ્લિમ વૂમન બિલ-2018' કે જેમાં ટ્રિપલ તલાકને દંડનિય અપરાધ ઠેરવવામાં આવ્યો છે તે ગુરૂવારે લોકસભામાં પસાર થઈ ગયું છે. કોંગ્રેસ, એઆઈએડીએમકે અને સમાજવાદી પાર્ટી જેવા વિરોધ પક્ષો દ્વારા આ બિલનું મતદાન શરૂ થાય એ પહેલા લોકસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું.
લોકસભામાંથી વોકઆઉટ કરતા પહેલા કોંગ્રેસના સંસદમાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ બિલ પસાર થતાં પહેલાં સંયુક્ત પસંદગી સમિતિની રચનાની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ મુદ્દો બંધારણિય છે એટલે તેના માટે એક સંયુક્ત પસંદગી સમિતિની રચના કરવી જોઈએ અને તેના દ્વારા 15 દિવસના અંદર આ બીલની સમીક્ષાનો રિપોર્ટ રજૂ કરવો જોઈએ.
કોંગ્રેસ ઉપરાંત અન્ય વિરોધ પક્ષો દ્વારા પણ લોકસભામાં આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તહાદુલ-મુસ્લેમિનના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, ભારતી જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનટીએ સરકાર હોમોસેક્સ્યુઆલિટી અને પરિણિત મહિલાના ગેરકાયદે સંબંધોનો વિરોધ કરતી નથી, પરંતુ તેણે ટ્રિપલ તલાકને એક દંડનીય અપરાધ જણાવ્યો છે.
સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ જણાવ્યું કે, "જ્યારે સબરિમાલા અંગે સુપ્રીમ કોર્ટમાંથી ચૂકાદો આવે છે ત્યારે તમે તેને શ્રદ્ધાનો વિષય બનાવો છો, પરંતુ જ્યારે ટ્રિપલ તલાકનો મુદ્દો આવે છે તો તેમાં તમને શ્રદ્ધાનો વિષય દેખાતો નથી."
લોકસભામાં આ બિલ મુદ્દે ચર્ચા દરમિયાન સરકાર તરફથી જવાબ આપતા કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, 'દરેક લોકો પતિને જેલમાં નાખવા અને પીડિતને આવા કિસ્સામાં ન્યાય કેવી રીતે મળશે તેની વાત કરી રહ્યું છે. હું ગૃહને જણાવવા માગું છું કે, પતિને તો દહેજ આપવાના કાયદાના સંદર્ભમાં પણ જેલમાં નાખવાની જોગવાઈ થઈ હતી. પરંતુ એ બિલ પસાર થયું ત્યારે તો કોઈએ આ સવાલ ઉઠાવ્યો ન હતો.'
લોકસભામાં જ્યારે ધ્વનિ મત સાથે આ બિલ પસાર થયું ત્યારે વિરોધપક્ષમાં ભાગલા પડેલા જોવા મળ્યા હતા. આ બિલની તરફેણમાં 245 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 11 મત પડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે