INDvsAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી જોવા મળેલા પાંચ સૌથી મોટા વિવાદ
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે જલ્દી ચાર ટેસ્ટ મેચોની બોર્ડ ગાવસ્કર સિરીઝનો પ્રારંભ થવાનો છે. બંન્ને દેશોના ખેલ પ્રેમીઓની સાથે સાથે દુનિયાભરના દિગ્ગજ પણ ઉત્સુકતા સાથે આ ટેસ્ટ સિરીઝની રાહ જોઈ રહ્યાં છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ ગુરૂવાર, 6 ડિસેમ્બરથી સોમવાર 10 ડિસેમ્બર વચ્ચે એડિલેડના ઓવલ મેદાન પર રમાશે. ટી20 શ્રેણી ડ્રો થયા બાદ બંન્ને ટીમોની નજરમાં હવે ટેસ્ટ સિરીઝમાં મેદાની જંગ પણ જોવા મળશે. તો આવો જાણીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મોટા વિવાદ
સિડની ટેસ્ટ 2008 (મંકીગેટ વિવાદ)
આ વાત 2008ની છે. તે સમયે ભારતીય ટીમ અનિલ કુંબલેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતી. બંન્ને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર શ્રેણીની બીજી ટેસ્ટ મેચ સિડનીના મેદાન પર રમાઇ હતી. આ ટેસ્ટ મેદ દરમિયાન એક એવો વિવાદ જોવા મળ્યો, જેની યાદો ક્રિકેટપ્રેમીઓમાં આજેપણ તાજી છે.
આ ટેસ્ટ મેચને મંકીગેટ વિવાદના નામથી ઓળખવામાં આવી છે. આ વિવાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિન બોલર હરભજન સિંહ અને એંડ્રયૂ સાઇમન્ડસ વચ્ચે થયો હતો. આ મેચ દરમિયાન સાયમન્ડસે હરભજન પર વંશીય ટિપ્પણી (વાંદરો કહેવાનો) કરવાનો સંઘીન આપોર લગાવ્યો હતો. આ આરોપ બાદ ભજ્જી લેવલ 3નો દોષી સાબિત થયો અને તેના પર ત્રણ મેચનો પ્રતિબંધ અને 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
દિલ્હી ટેસ્ટ, 2008 (ગંભીર-વોટસન વિવાદ)
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આ ટેસ્ટ મેચ વર્ષ 2008માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો હતો. આ ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન ગંભીર સાથે ઝઘડી પડ્યો હતો.
આ મેચમાં ગૌતમ ગંભીરે એક શોટ રમ્યો અને રન લેવા માટે દોડ્યો, ગંભીર જ્યારે તેનો પ્રથમ રન પૂરો કરી રહ્યો હતો ત્યારે વોટસને ગંભીર પર કોઈ ટિપ્પણી કરી અને જ્યારે ગંભીર પોતાનો બીજો રન લેવા માટે દોડ્યો ત્યારે તેણે વોટસનને કોણી મારી હતી. ત્યારબાદ આઈસીસીએ ગંભીર પર એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવી દીધો હતો.
જ્યારે સચિન અને દ્રવિડ સાથે ટકરાયો સ્લેટર
આ વાત 2001ની છે, આ દિવસોમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે આવી હતી. બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની સિરીઝનો પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈમાં રમાયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 10 વિકેટે પરાજય આપ્યો હતો.
આ મુકાબલા દરમિયાન આવું કંઈ થયું જે આજે પણ ક્રિકેટ જગતના જાણીતા વિવાદોમાંથી એક ગણવામાં આવે છે. આ મેચમાં રાહુલ દ્રવિડે એક પુલ શોટ રમ્યો અને બોલ મિસ્ટાઇમ થઈને હવામાં ગયો, જેને માઇકલ સ્લેટરે એક શાનદાર ડાઇવ લગાવીને પકડી લીધો. કેચ તો ઝડપી લીધો પરંતુ દ્રવિડ આ કેચથી સંતુષ્ઠ ન દેખાયો અને મેદાન પર હાજર અમ્પાયરોએ તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.
અમ્પાયરના નિર્ણય બાદ માઇકલ સ્લેટર રાહુલ દ્રવિડની સાથે સચિન તેંડુલકર સાથે પણ ઝઘડવા લાગ્યો. એટલું જ નહીં સ્લેટરે દ્રવિડની સાથે ગાળો પણ બોલી, ત્યારબાદ માઇકલ સ્લેટર પર દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે કોહલીએ દેખાડી મિડલ ફિંગર
આ ઘટના ભારતીટ ટીમના વર્ષ 2011-12ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની છે. આ પ્રવાસ ભારતીય ટીમ માટે ખરાબ સપના સમાન હતો. ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતનો 4-0થી કારમો પરાજય થયો હતો. સિરીઝ દરમિયાન કોહલીએ પણ કંઇક એવું કર્યું કે, આ પ્રવાસ કાયમ માટે ઇતિહાસના પેજમાં નોંધાઈ ગયો.
મહત્વનું છે કે, સિરીઝના બીજા ટેસ્ટ મેચ વિરાટ કોહલીએ મેદાન પર એવી હરકત કરી, જેનાથી ભારત શરમથી ઝુકી ગયું હતું. વિરાટ કોહલીએ આ મેચમાં દર્શકોને મિડલ ફિંગર દેખાડી. આ ખરાબ વ્યવહારને કારણે તેને 50 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાદમાં કોહલીએ પોતાના વાત વિશ્વ સામે રાખવા માટે સોશિયલ મીડિયાનો પ્રયોગ કર્યો અને એક ટ્વીટ કરતા લખ્યું હતું કે, હું માનું છે કે ક્રિકેટ ખેલાડીઓએ આ પ્રકારની પ્રતિક્રિયાઓ ન આપવી જોઈએ, પરંતુ જ્યારે દર્શક મેદાન પર અપશબ્દોનો પ્રયોગ કરે ત્યારે શું કરવું ?
જ્યારે પોન્ટિંગ સાથે ટકરાયો ઝહીર (2010)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુચર્ચિત વિવાદોની વાત થઈ રહી હોય અને રિકી પોન્ટિંગની સાથે ઝહીર ખાન જેવા દિગ્ગજોના નામનો ઉલ્લેખ ન થાય તે કેમ સંભવ છે. આ વાત 2010ની છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ રિકી પોન્ટિંગની આવેગાનીમાં ભારતના પ્રવાસે આવી હતી.
આ શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મોહાલીના મેદાન પર રમાયો હતો, જ્યાં રિકી પોન્ટિંગ એક રનઆઉટનો શિકાર થયો હતો. રનઆઉટ થયા બાદ પોન્ટિંગ ડ્રેસિંગ રૂમ તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે ઝહીર ખાન અને તેના વચ્ચે બોલાચાલી થઈ. આ ઘટનામાં જ્યારે પોન્ટિંગ પેવેલિયન પરત આવતો હતો ત્યારે ઝહીર ખાને તેના પર ટિપ્પણી કરી હતી.
જેને સાંભળ્યા બાદ રિકી પોન્ટિંગ ગુસ્સામાં પાછળ ફર્યો અને ઝહીર ખાનને કંઇક કહેવા લાગ્યો. થોડા સમય સુધી આ ઝઘડો ચાલ્યો હતો. ત્યારબાદ મેદાની અમ્પાયરોએ મામલાને સંભાળી લીધો હતો.
Trending Photos