ગુજરાતના એ મુખ્યમંત્રીની વાત જે બે ઓરડાના મકાનમાં રહેતા, જ્યા બાથરૂમ પણ ન હતું

ચિંતન ભોગાયતા/અમદાવાદ :કોઈ મુખ્યમંત્રીની વાત આવે એટલે નજર સામે વૈભવી બંગલો, મોંઘી ગાડીઓ, સુરક્ષા બંદોબસ્ત દેખાઈ આવે. ઠાઠમાઠ ન હોય તો તે મુખ્યમંત્રી ન હોય એવી છબી આપણા મગજમાં બની ગઈ છે. તેમાં પણ આજકાલનો સામાન્ય પાર્ટી કાર્યકરનો પણ રાજકીય ઠસ્સો અલગ હોય છે. આવામાં આજે વાત કરીશું ગુજરાતના એક એવા મુખ્યમંત્રીની જે બે ઓરડાના મકાનમાં રહેતા હતા. જેઓ લાઈમલાઈટ અને પબ્લિસિટીથી કોસો દૂર રહેતા હતા. આઝાદી પછી રચાયેલી સૌરાષ્ટ્ર વિધાનસભાની આ રસપ્રદ કહાની છે.

1/7
image

2/7
image

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાજન નહોતું થયું. ગુજરાત એ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતું. ભારતને આઝાદી મળી તે પછી ગુજરાતની પૂર્વ સૌરાષ્ટ્ર વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી અને તેના પહેલા મુખ્યમંત્રી હતા ઉછંગરાય ઢેબર. જેઓ ઢેબરભાઈના લાડીલા નામે પણ જાણીતા હતા. વ્યવસાયે વકીલ એવા ઢેબરભાઈ ગાંધીવાદી હતા. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી તેમણે વકીલાત છોડી દીધી.

3/7
image

એ સમયે સૌરાષ્ટ્ર 25,000 ચોરસ માઈલના વિસ્તારમાં પથરાયેલું અને 40 લાખની વસ્તી ધરાવતું હતું. તેમાં 222 રજવાડાંઓનું ભિન્ન તંત્ર હતું. તમામ રાજવીઓને પ્રેમથી સમજાવીને સૌરાષ્ટ્ર રાજ્યના નેજા હેઠળ લાવવાનું કામ સરદાર સાહેબની સૂચના પ્રમાણે ઢેબરભાઈએ પાર પાડ્યું હતું. અને ધન્ય છે એ રાજવીઓને પણ જેમણે પોતાના રાજપાઠ હસતા મોંઢે સોંપી દીધા. તારીખ 19 મે, 1948ના મહારાજા જામ દિગ્વિજયસિંહને સૌરાષ્ટ્રના પ્રથમ રાજપ્રમુખ નિમવામાં આવ્યા હતા અને તારીખ 16 ફેબ્રુઆરીએ તેમણે ઉછંગરાય ઢેબરને સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી તરીકે સોગંધ અપાવ્યા હતા.   

4/7
image

ઢેબરભાઈ કેટલા જમીન સાથે જોડાયેલા અને સાદગી ધરાવતા વ્યક્તિ હતા એના માટે તો આખુ પુસ્તક લખવુ પણ નાનુ પડે. મુખ્યમંત્રી બન્યા પછી ઢેબરભાઈ રાજકોટમાં કોઈ પણ જાતના ફર્નિચર વગરના ઓરડાના મકાનમાં રહેવા ગયા. ખરેખર તો આ સ્થળ રાજકોટના આ તે વખતના ડોક્ટર કેશુભાઈનું જૂનું અને જર્જરીત સેનેટોરિયમ હતું. એ તો ઠીક તે જ્યાં રહેતા ત્યાં અંદર બાથરૂમ પણ નહોતું. બાથરૂમ પણ ઘરની બહાર હતું, પણ તેમાં નળ નહોતો. પાણીની ડોલ ઊંચકીને ન્હાવા જવું પડતું. તેમના સુવાના ઓરડામાં પાટીનો ખાટલો હતો. વિધુર હોવાના કારણે ઢેબરભાઈ એકલા જ રહેતા હતા. મુલાકાતી કોઈ આવે તો તેમના બેસવા માટે સોફા કે ખુરશી પણ ઘરમાં ન હતા. સાદી શેતરંજી પાથરીને મહેમાનોને બેસાડવા પડતા હતા. 

5/7
image

રોજ સવાર પડે એટલે મુખ્યમંત્રી ઢેબરભાઈની કચેરી પ્રાંગણમાં એક વૃક્ષ નીચે જ શરૂ થઈ જાય. તે ખુદ શેતરજી ઉપર બેસતા અને પાછળ એક નાનો તકીયો રાખતા. લોકોને એમને મળવા જવું હોય તો કોઈ રોકટોક નહિ. આજના નેતાઓની જેમ તેઓ મુલાકાતીઓને કાર્યાલયની બહાર બેસાડી ન રાખતા. મુલાકાતી પોતાની તકલીફ વર્ણવે અને ઢેબરભાઈ ત્યાં ને ત્યાં જ અધિકારીને નિયમ બનાવીને સૂચના આપે. ઘણી વાર તો એવું થતું કે કોઈ પહેરણ માગવા પણ આવી જતું, તે પણ આપતા.

6/7
image

સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે ખાસ નાણાં ન હોવાથી સરકારને નાનજીભાઈ નામની એક વ્યક્તિ પાસેથી લોન લેવી પડી હતી. એમાં પણ ઉપરાઉપરી બે દુકાળ પડ્યા. ખુદ ચર્ચિલે પણ સૌરાષ્ટ્રના દુષ્કાળમાં ઢેબરભાઈની કામગીરી વખાણી હતી. ઢેબરભાઈ, પંડિત જવાહરલાલ નેહરૂના પ્રીતિપાત્ર હતા. 20 ડિસેમ્બર, 1954ના રોજ ઢેબરભાઈ મુખ્યમંત્રી પદેથી નિવૃત્ત થયા હતા. જેટલો સમય મુખ્યમંત્રી રહ્યા, તેટલો સમય સાદગીથી રહ્યાં અને સાદગીથી જીવ્યા.

7/7
image

‘ખેડે તેની જમીન’ આ સૂત્ર આપનાર ઢેબરભાઈને આજે કોઈ યાદ નથી કરતું. વિસરાયેલા ગુજરાતના આ મુખ્યમંત્રી રાજનીતિનો નવો પાઠ ભણાવે છે. આજના નેતાઓએ તેમની જિંદગીમાંથી ઘણુ શીખવા જેવુ છે.