World Cup 2019: 5 દિગ્ગજ ખેલાડી જેના માટે આખરી વિશ્વ કપ હોઈ શકે છે

વિશ્વભરમાં રમાતી વિવિધ રમતોમાં ફુટબોલ બાદ ક્રિકેટ બીજી સૌથી લોકપ્રિય રમત છે. ટી-20 ફોર્મેટને ક્રિકેટમાં સામેલ કર્યા બાદ આ રમતની લોકપ્રિયતા નવી ઉંચાઈઓ પર પહોંચી ગઈ છે. પરંતુ તેને કારણે ટેસ્ટની સાથે સાથે વનડે ફોર્મેટ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે હવે બધાની નજર આગામી વિશ્વકપ પર ટકેલી છે. લગભગ છ સપ્તાહ ચાલનારી આ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ટીમ વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ હાસિલ કરશે. 

ઈંગ્લેન્ડમાં રમાનારા આ વિશ્વકપમાં હવે વધુ સમય બાકી રહ્યો નથી અને તમામ ટીમો તૈયારીમાં લાગી છે. પરંતુ ભાગ લેનારી ટીમોમાં કેટલાક ખેલાડી એવા છે જેના માટે આ અંતિમ વિશ્વકપ સાબિત થઈ શકે છે. 

તો આવો નજર કરીએ એવા 5 દિગ્ગજ ખેલાડીઓ પર જેના માટે આગામી વિશ્વ કપ અંતિમ હોય શકે છે. 
 

મહેન્દ્ર સિંહ ધોની

1/5
image

સંભવતઃ પોતાની પેઢીના સૌથી મહાન વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની ઈંગ્લેન્ડમાં પોતાનો અંતિમ વિશ્વકપ રમશે. ધોનીએ વિશ્વકપ 2011માં વિજયી સિક્સ ફટકારીને કરોડો દેશવાસિઓનું દિલ જીતી લીધું અને તેની સાથે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ સૂવર્ણ અક્ષરે લખી દીધું હતું. 

મેદાન પર પોતાના શાંત સ્વભાવને કારણે કેપ્ટન કુલના ઉપનામથી જાણીતા ધોનીએ પોતાની ખેલ ભાવનાથી ક્રિકેટ જગતમાં અપાસ સન્માન મેળવ્યું છે. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર પહોંચાડવામાં તેનું યોગદાન અતુલનીય રહ્યું છે. 

37 વર્ષા ધોનીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 333 મેચોમાં 50.12ની એવરેજથી 87.61ની સ્ટ્રાઇક રેટ સાથે 10224 રન બનાવ્યા છે. પોતાની આગેવાની દરમિયાન તેણે ભારતને ટી20 વિશ્વકપ, એકદિવસીય વિશ્વ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી હતી. આ વખતે ફરી ભારતીય ટીમને વિશ્વકપ અપાવવા પ્રયત્ન કરશે. 

ક્રિસ ગેલ

2/5
image

ઘણા મોટા સંઘર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝ વિશ્વકપ 2019માં ક્વોલિફાઇ કરવામાં સફળ રહ્યું હતું. પરંતુ જો યુનિવર્સ બોસ ક્રિસ ગેલનું બેટ ચાલે તો કેરેબિયન પ્રશંસકોને 40 વર્ષ બાદ ફરી જશ્ન મનાવવાની તક મળી શકે છે. 

22 માર્ચ, 2018ના પોતાના એક ઈન્ટરવ્યૂમાં ગેલે વિશ્વકપ બાદ ક્રિકેટમાંથી નિવૃતી લેવાની વાત કરી હતી. ટીમની અંદર-બહાર થતા રહેવા છતાં પોતાના એકદિવસીય કરિયરમાં જે રેકોર્ડ તેણે બનાવ્યા તે અભૂતપુર્વ છે. 

39 વર્ષીય ગેલે 284 એકદિવસીય મેચમાં 37.10ની શાનદાર એવરેજથી કુલ 9727 રન બનાવ્યા છે જેમાં 23 સદી અને 49 અડધી સદી સામેલ છે. પોતાના છેલ્લા વિશ્વકપમાં ક્રિસ ગેલ ટીમને વિશ્વકપ અપાવવાના ઈરાદા સાથે ઉતરશે.   

ડેલ સ્ટેન

3/5
image

આધુનિક ક્રિકેટમાં સૌથી પ્રભાવશાળી ફાસ્ટ બોલરોમાંથી એક દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન માટે વિશ્વકપ 2019 છેલ્લો સાબિત થઈ શકે છે. 

હાલમાં તેણે ઈજામાંથી વાપસી કરી છે અને આ સમયે શાનદાર ફોર્મમાં છે. તેણે વનડે કરિયરમાં અત્યાર સુધી 121 મેચોમાં 192 વિકેટ ઝડપી છે. 

તે વધારે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપે છે, જેના કારણે તે સિમીત ઓવરમાં વધારે રમતો નથી. 35 વર્ષીય સ્ટેન માટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ કપની સેમીફાઇનલ એક ખરાબ સપના સમાન હતી જ્યારે ગ્રાન્ડ ઈલિયટે સિક્સ ફટકારીને કીવી ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. 

આફ્રિકાએ અત્યાર સુધી કોઈપણ વિશ્વકપના ફાઇનલમાં પ્રવેશ કર્યો નથી અને સ્ટેન જેવા દિગ્ગજ ખેલાડી માટે આ એક મોટી તક છે કે તે પોતાના અંતિમ વિશ્વકપમાં આફ્રિકાને વિશ્વ વિજેતા બનાવે. 

હાશિમ અમલા

4/5
image

પોતાના શાંત સ્વભાવ અને એકાગ્રતા માટે જાણીતા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલા માટે 2019નો વિશ્વકપ છેલ્લો હોય શકે છે. 

35 વર્ષીય અમલાએ છેલ્લા એક દાયકામાં આફ્રિકી ક્રિકેટના સ્તરને ઉંચુ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે તમામ ફોર્મેટમાં આફ્રિકન ટીમનો મજબૂત બેટ્સમેન છે. 

અમલાએ અત્યાર સુધી પોતાના કરિયરમાં 169 વનડે મેચ રમી છે. જેમાં 49.65ની એવરેજથી 7696 રન બનાવ્યા છે. તેણે 26 સદી અને 36 અડધી સદી ફટકારી છે. 

આ સિવાય અમલા એકદિવસીય ક્રિકેટમાં 2000-7000 રન સુધી સૌથી ઝડપી પહોંચનાર ખેલાડી છે. તેનું સાતત્યપૂર્ણ પ્રદર્શન અને શાનદાર ટેકનિક તેને વર્તમાન સમયના મહાન ક્રિકેટરોમાંથી એક બનાવે છે. 

ઈંગ્લેન્ડમાં રમાનારો આગામી વિશ્વ કપમાં તે આફ્રિકન ટીમને પ્રથમ વિશ્વકપ અપાવવાના સપના સાથે મેદાને ઉતરશે. 

રોસ ટેલર

5/5
image

રોસ ટેલર સંભવતઃ સદીનો સૌથી અન્ડરરેટેડ એકદિવસીય ખેલાડી છે. તે કોઈપણ શંકા વિના માર્ટિન ક્રો બાદ ન્યૂઝીલેન્ડનો સૌથી મહાન બેટ્સમેન છે. 

34 વર્ષીય ટેલરે અત્યાર સુધી 210 એકદિવસીય મેચ રમી છે, જેમાં તેણે 47.88ની એવરેજ અને 83.12ની સ્ટ્રાઇક રેટની સાથે કુલ 7709 રન બનાવ્યા છે. જેમાં 20 સદી અને 45 અડધી સદી સામેલ છે. હાલમાં તેણે સતત 5 ઈનિંગમાં 50થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્ો હતો. આ પહેલા સચિન અને વિરાટે પોતાના 4 ઈનિંગમાં સતત 50થી વધુ રનનો સ્કોર કર્યો હતો. 

2018મા ટેલરે 91.29ની શાનદાર એવરેજ અને 88થી વધુની સ્ટ્રાઇક રેટની સાથે 639 રન બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડ સામે એક વનડે મેચમાં 181 રનની ઈનિંગ રમી હતી. 

2015માં ન્યૂઝીલેન્ડ વિશ્વકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આગામી વિશ્વ કપ ટેલરનો અંતિમ વિશ્વ કપ હોય શકે છે તેથી તે પોતાની ટીમને વિજયી બનાવવા માટે પ્રયાસ કરશે. (Photo - PTI)