YEAR ENDER 2018: આ દિગ્ગજ ક્રિકેટરોએ ક્રિકેટને કહ્યું 'અલવિદા'

વર્ષ 2018મા ઘણા ક્રિકેટના નામચીન ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને હંમેશા માટે બાય કહી દીધું. અમે અહીં પસંદગીના દિગ્ગજ ક્રિકેટરોની ચર્ચા કરી રહ્યાં છીએ, જેણે પોતાના એક થી દોઢ દશકના કરિયરમાં આ ખેલ પર પોતાની છાપ છોડી છે. 
 

વર્ષ 2018મા ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની કિટ બેગ હંમેશા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પેક કરી લીધી. વર્ષો સુધી પોતાની રમતથી પ્રભાવ પાડનાર આ દિગ્ગજ ખેલાડીઓની ધાક હવે આંકરરાષ્ટ્રીય ક્રિકેટમાં દેખાશે નહીં. તેમાંથી ઘણા ક્રિકેટરો તમને વિશ્વભરમાં રમાનારી પ્રોફેશનલ્સ ટી20 લીગમાં જરૂર દેખાઈ શકે છે. જાણો આ વર્ષે ક્યા-ક્યા ક્રિકેટરોએ ક્રિકેટને કહ્યું અલવિદા... 

એબી ડિ વિલિયર્સ (સાઉથ આફ્રિકા)

1/5
image

સાઉથ આફ્રિકાના આ દિગ્ગજ બેટ્સમેને મેમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. 34 વર્ષીય ડિ વિલિયર્સ (મિસ્ટર 360°)વિશ્વના ટોપ ફિટ ખેલાડીઓમાં સામેલ છે. કોઈને કલ્પના પણ ન હતી કે એબી વર્લ્ડ કપ 2019 પહેલા ક્રિકેટમાંથી સંન્યાસ લેવા વિશે વિચારશે. પરંતુ તમામને ચોંકાવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી. પોતાના 14 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં તેણે 114 ટેસ્ટ મેચમાં 22 સદી સહિત 50.66ની એવરેજથી 8765 રન બનાવ્યા. તો 220 વનડેમાં તેણે 53.5ની એવરેજથી 9577 રન બનાવ્યા. 78 ટી20 રમીને આ ખેલાડીના નામે 10 અડધી સદી સહિત 1672 રન નોંધાયેલા છે. 

એલિસ્ટર કૂક (ઈંગ્લેન્ડ)

2/5
image

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુક લાંબા સમયથી માત્ર ટેસ્ટ ક્રિકેટમાં રમી રહ્યો હતો. પરંતુ આ વર્ષે તેનું ફોર્મ સારૂ ન રહ્યું. વર્ષનો અંત આવતા-આવતા કુકે સપ્ટેમ્બરમાં ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર ભારત વિરુદ્ધ પોતાની અંતિમ ટેસ્ટને કુકે યાદગાર બનાવી દીધી હતી. આ ટેસ્ટમાં પોતાના અંતિમ ઈનિંગ રમી રહેલા કુકે (147) શાનદાર સદી ફટકારી હતી. હવે તે પોતાના કરિયરના પ્રથમ અને છેલ્લા ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો હતો. તે પણ સંયોગ છે કે કુકે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ અને અંતિમ સદી ભારત વિરુદ્ધ બનાવી હતી. આ તેના કરિયરની 33મી ટેસ્ટ સદી હતી. 

ગૌતમ ગંભીર (ભારત)

3/5
image

ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ડાબોડીએ કરિયરનો અંતિમ મેચ વર્ષ 2016મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી ન કરી શક્યો. 37 વર્ષના ગંભીરે હાલમાં તમામ પ્રકારના ક્રિકેટથી સંન્યાસનું એલાન કરી દીધું હતું. હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટ કે ડોમેસ્ટિક ક્રિકેટ કે ટી20 લીગમાં દેખાશે નહીં. ગૌતમ ગંભીરે પોતાના કરિયરમાં 58 ટેસ્ટ મેચ રમીને 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા હતા. તો 147 વનડે મેચ રમીને 11 સદી સહિત 5238 રન બનાવ્યા. તે ભારતની બે વિશ્વ કપ વિજેતા ટીમો (વર્લ્ડ ટી20 2007 અને વર્લ્ડ કપ 2011)નો ભાગ રહ્યો. તેણે પોતાના કરિયરમાં કુલ 37 ટી20I મેચ રમી હતી. 

મોર્ને મોર્કલ (સાઉથ આફ્રિકા)

4/5
image

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કલે આ વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની અંતિમ સિરીઝ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (ફેબ્રુઆરી-માર્ચ) રમી અને આ સિરીઝ પહેલા જ પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. મોર્કલે પોતાના સંન્યાસ લેવાના નિર્ણય પાછળ પરિવારની સાથે વ્યસ્તતા જણાવી હતી. તેણે કહ્યું, મેં હાલમાં નવા પરિવારની શરૂઆત કરી છે. મારી પત્ની બીજા દેશમાં છે. વ્યસ્ત કાર્યક્રમને કારમે પરિવાર સાથે સમય પસાર કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. આ કારણે મેં નિવૃતી લેવાનો નિર્ણય લીધો છે. પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં મોર્કલે કુલ 86 ટેસ્ટ (309 વિકેટ), 117 વનડે (188 વિકેટ) અને 44 ટી20 આંતરરાષ્ટ્રીય (47 વિકેટ) મેચ રમી હતી. 

ડ્વેન બ્રાવો (વેસ્ટ ઈન્ડિઝ)

5/5
image

આ વર્ષે ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ તે ડિવિલિયર્સની જેમ વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી ટી20 ક્રિકેટ રમતો રહેશે. 35 વર્ષીય બ્રાવો 14 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો. 2004મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ માટે 40 ટેસ્ટ, 164 વનડે અને 66 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. પરંતુ તેણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ બે વર્ષ પહેલા સપ્ટેમ્બર 2016મા પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. બ્રાવો વર્લ્ડ ટી20 (ટી20) વિજેતા કેરેબિયન ટીમનો સભ્ય હતો. આ ટૂર્નામેન્ટમાં તે બોલ અને બેટથી ઉપયોગી ખેલાડી સાબિત થયો હતો.