એશિઝઃ ઓસ્ટ્રેલિયા જીતથી 8 વિકેટ દૂર, ઈંગ્લેન્ડની સામે મેચ બચાવવાનો પડકાર

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડે 383 રનનો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ ઈંગ્લેન્ડે 18 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને જીત માટે 8 વિકેટની જરૂર છે, તો ઈંગ્લેન્ડ સામે મેચ ડ્રો કરાવવાનો પડકાર છે. 

એશિઝઃ ઓસ્ટ્રેલિયા જીતથી 8 વિકેટ દૂર, ઈંગ્લેન્ડની સામે મેચ બચાવવાનો પડકાર

માન્ચેસ્ટરઃ ઓસ્ટ્રેલિયાએ ઓલ્ડ ટ્રેફર્ડમાં ચાલી રહેલી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની સામે 383 રનનો પડકાર રાખ્યો છે, પરંતુ દિવસની રમત પૂરી થવા સુધી ઈંગ્લેન્ડે 18 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. તે હજુ લક્ષ્યથી 365 રન દૂર છે. અંતિમ દિવસે જ્યાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 8 વિકેટ જોઈએ તો ઈંગ્લેન્ડનો પ્રયત્ન મેચ ડ્રો કરાવવા પર હશે. 

ઓસ્ટ્રેલિયાને આ સ્થિતિમાં પહોંચાડવામાં સ્ટીવ સ્મિથનો મોટો હાથ છે. ઓસ્ટ્રેલિયાના સ્મિથે પ્રથમ ઈનિંગમાં બેવડી સદી (211)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 497 રન પર દાવ ડિકલેર કર્યો હતો. સ્મિથ બાદ ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી ઈંગ્લેન્ડને 301 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 196 રનની લીડ સાથે ઉતર્યું હતું અને ઈંગ્લેન્ડનો પ્રયત્ન હતો કે તેને વધુ રન ન બનાવવા દે. 

ઈંગ્લેન્ડે આવી શરૂઆત કરી અને 24ના કુલ સ્કોર સુધી ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ ઝડપી હતી, પરંતુ એકવાર ફરી સ્મિથ ઉભો રહ્યો અને તેણે 92 બોલ પર 11 ચોગ્ગાની મદદથી 82 રન બનાવી ઓસ્ટ્રેલિયાને સંભાળ્યું હતું. તેમાં મેથ્યૂ વેડે 34 રન બનાવી સારો સાથ આપ્યો હતો. બંન્ને આઉટ થઈ ગયા હતા. કેપ્ટન ટિમ પેન (અણનમ 23)એ દિવસના છેલ્લા સત્રમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 6 વિકેટના નુકસાન પર 186 રન પર ડિકલેર કરી ઈંગ્લેન્ડને વિશાળ સ્કોર આપ્યો હતો. 

પોતાની બીજી ઈનિંગ રમવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ દબાવમાં હતી. પેટ કમિન્સે ઈનિંગના ત્રીજા અને ચોથા બોલ પર સતત બે વિકેટ ઝડપીને તેને વધુ મુશ્કેલીમાં મુકી દીધું હતું. કમિન્સે પહેલા રોરી બર્ન્સને આઉટ કર્યો ત્યારબાદ કેપ્ટન જો રૂટને બોલ્ડ કર્યો હતો. આ બંન્નેએ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. 

આ પહેલા ઈંગ્લેન્ડે દિવસની શરૂઆત પોતાની પ્રથમ ઈનિંગના સ્કોર 5 વિકેટ પર 200 રનની સાથે કરી હતી. તેના પર ફોલોઓનનો ખતરો હતો પરંતુ જોસ બટલરે 41 રન બનાવી ફોલોઓન ટાળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news