Australian Open 2022 ની ચેમ્પિયન બની એશ્લે બાર્ટી, દેશ માટે રચ્યો ઈતિહાસ

ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ કરિયરમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ કબજે કરી લીધું છે. તેણે ફાઇનલમાં અમેરિકાની ખેલાડી કોલિન્સને પરાજય આપી જીત મેળવી છે. 

Australian Open 2022 ની ચેમ્પિયન બની એશ્લે બાર્ટી, દેશ માટે રચ્યો ઈતિહાસ

મેલબોર્નઃ Australian Open 2022: વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન-2022નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. મેલબોર્નમાં રમાયેલી ફાઇનલમાં એશ્લે બાર્ટીએ અમેરિકાની ડેનિયલ કોલિન્સને હરાવીને ટાઇટલ પર કબજો કર્યો છે. આ સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટાઇટલના દુકાળને પણ બાર્ટીએ સમાપ્ત કર્યો છે. એશ્લે બાર્ટીનું આ ઓસ્ટ્રેલિયન ઓપનનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે, જ્યારે તે આ પહેલાં બે અન્ય ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકી છે. 

મેલબોર્નના રોડ લેવર એરેનામાં રમાયેલી આ મેચમાં વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ વિશ્વની નંબર 30 ખેલાડી ડેનિયલ કોલિન્સને 6-3 અને 7-6થી હરાવીને પોતાનું ત્રીજુ ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. આ મુકાબલો ખુબ રસપ્રદ રહ્યો અને એક સમયે લાગ્યું કે ડેનિયલ કોલિન્સ વાપસી કરી લેશે, પરંતુ બાર્ટીએ દમદાર રમત દાખવી વાપસી કરી હતી. 

તમે જાણીને ચોંકી જશો કે વર્ષ 1980 બાદ પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સમાં કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી પહોંચી હતી. એશ્લે બાર્ટી પહેલા વેન્ડી ટર્નબુલે પોતાના ઘરેલૂ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ તે ટાઇટલ જીતી શકી નહીં. ત્યાં સુધી કે ઓસ્ટ્રેલિયાનો કોઈ ખેલાડી 1978 બાદ પોતાના દેશમાં આયોજીત થનાર ગ્રાન્ડ સ્લેમને જીતી શક્યો નથી. છેલ્લે 1978માં ક્રિસ ઓ નીલે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું, જ્યારે એશ્લે બાર્ટીએ 2022માં દેશને આ ટાઇટલ અપાવ્યું છે. 

25 વર્ષીય એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયન ઓપન 2022ની વિજેતા બન્યા પહેલા 2019માં ફ્રેન્ચ ઓપન અને 2021માં વિમ્બલ્ડન પોતાના નામે કરી ચુકી છે અને આ સમયે તે રેન્કિંગમાં નંબર-1 મહિલા ખેલાડી છે. તો અમેરિકાની 28 વર્ષીય ડેનિયલ કોલિન્સ પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. તેની રેન્કિંગ આ સમયે 30 છે. એશ્લે બાર્ટી અત્યાર સુધી કોઈ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હારી નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news