END vs IND: એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય, રેકોર્ડ રનચેઝ કરી ભારતને 7 વિકેટે હરાવ્યું

જોની બેયરસ્ટો અને જો રૂટની રેકોર્ડ ભાગીદારીની મદદથી ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને વિકેટે પરાજય આપી સિરીઝ 2-2થી બરોબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે 378 રનનો મોટો લક્ષ્ય હાસિલ કરી અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. 

END vs IND: એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય, રેકોર્ડ રનચેઝ કરી ભારતને 7 વિકેટે હરાવ્યું

બર્મિંઘમઃ બર્મિંઘમના એજબેસ્ટ મેદાન પર ઈંગ્લેન્ડે ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટમાં રેકોર્ડબ્રેક રન ચેઝ કરી ભારતને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ સામે આ પહેલા ક્યારેય કોઈ ટીમ આટલો મોટો રનચેઝ કરી શકી નથી. તો ઈંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પણ આ સૌથી મોટો સફળ રનચેઝ છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે શાનદાર સદી ફટકારી હતી. જો રૂટ 142 અને જોની બેયરસ્ટો 114 રન બનાવી અણનમ રહ્યા હતા. ઈંગ્લેન્ડે 378 રનનો લક્ષ્ય 3 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. આ સાથે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ 2-2થી બરોબર રહી છે. 

જો રૂટ અને બેયરસ્ટોની રેકોર્ડ ભાગીદારી
જો રૂટ અને જોની બેયરસ્ટોએ ચોથી વિકેટ માટે 269 રનની ભાગીદારી કરી હતી. જો રૂટ 173 બોલમાં 19 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 142 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે જોની બેયરસ્ટો 114 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં એલેક્સ લીસ અને ઝેક ક્રાઉલીએ પ્રથમ વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. ક્રાઉલી 46 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ઓલી પોપ શૂન્ય રને બુમરાહનો શિકાર બન્યો હતો. એલેક્સ લીસ 65 બોલમાં 8 ચોગ્ગા સાથે 56 રન બનાવી રનઆઉટ થયો હતો. 

ભારત સામે સૌથી મોટો રનચેઝ
ભારતીય ટીમના ટેસ્ટ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા સામે આ સૌથી મોટો સફળ રનચેઝ છે. ચોથી ઈનિંગમાં ભારતીય ટીમ સામે અત્યાર સુધી કોઈ ટીમ આટલા રન કરીને જીત મેળવી શકી નથી. પરંતુ ઈંગ્લેન્ડે 378 રનનો લક્ષ્ય હાસિલ કરીને ઈતિહાસ રચી દીધો છે. તો ઈંગ્લેન્ડે પણ પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કર્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડે 2019માં ઓસ્ટ્રેલિયા સામે 359 રન ચેઝ કર્યા હતા. પરંતુ હવે ભારત સામે ઈંગ્લેન્ડે આ રેકોર્ડ તોડી દીધો છે. 

ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઈનિંગમાં સૌથી સફળ રનચેઝ
ટીમ                રન     વર્ષ       વિરોધી ટીમ
વેસ્ટ ઈન્ડિઝ       418/7  2003    ઓસ્ટ્રેલિયા
સાઉથ આફ્રિકા    414/4  2008    ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા         404/3  1948    ઈંગ્લેન્ડ
ઈન્ડિયા             406/4  1976    વેસ્ટ ઈન્ડિઝ
વેસ્ટ ઈન્ડિઝ       395/7   2021    બાંગ્લાદેશ
ઈંગ્લેન્ડ             378/3   2022   ભારત 

બીજી ઈનિંગમાં ભારત 245 રનમાં ઓલઆઉટ
બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 245 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ 66 અને રિષભ પંતે 57 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ ભારતીય બેટર ફ્લોપ રહ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં કેપ્ટન બેન સ્ટોક્સે 33 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. 

બેયરસ્ટોની સદી, ઈંગ્લેન્ડ 284 રનમાં ઓલઆઉટ
પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડે 78 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જોની બેયરસ્ટોએ ફટકાર્યા હતા. બેયરસ્ટોએ 140 બોલમાં 106 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 284 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 

ભારતની પ્રથમ ઈનિંગનો રોમાંચ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ એક સમયે 98 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ 200થી વધુ રનની ભાગીદારી કરી હતી. રિષભ પંતે 111 બોલમાં ચાર સિક્સ અને 20 ચોગ્ગાની મદદથી 146 રન ફટકાર્યા હતા. જ્યારે જાડેજાએ 194 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 4 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 16 બોલમાં 31 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને 60 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news