ગૌતમ ગંભીરે રાજનીતિમાં આવવાના સવાલ પર આપ્યો આ જવાબ- તક મળી તો
ગૌતમ ગંભીરે પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂના પાકિસ્તાન જવાને લઈને પણ પોતાની વાત રાખી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાં આવવાના સવાલ પર ગંભીર જવાબ આપ્યો છે. ગૌતમે કહ્યું કે, જો કોઈને તક મળે તો દેશની સેવા કરવી જોઈએ. ટીમ ઈન્ડિયા માટે 58 ટેસ્ટ અને 147 વનડે રમનાર ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. ગૌતમે કોઈ ખેલાડીના સંન્યાસ પર ફેરવેલ મેચ આયોજીત કરવા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂના પાકિસ્તાન જવાને લઈને પોતાની વાત રાખી છે. મહત્વનું છે કે, ગંભીર આજથી (6 ડિસેમ્બર) દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં આંધ્ર પ્રદેશ વિરુદ્ધ પોતાની છેલ્લી રણજી મેચ રમશે.
ધોનીની સાથે નથી કોઈ વિવાદ
ગૌતમ ગંભીરે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં એક ખેલાડી માટે અંતિમ મેચ સન્માનજનક વિદાયને લઈને કરેલા સવાલના જવાબમાં કહ્યું, કોઈપણ ખેલાડી માટે ફેરવેલ મેચનું આયોજન ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે વિવાદને લઈને પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, તેનો ધોની સાથે કોઈ વિવાદ નથી.
સિદ્ધૂનું પાકિસ્તાન જવું અયોગ્ય
ગૌતમ ગંભીરે પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂના પાકિસ્તાન જવાને લઈને કહ્યું કે, સિદ્ધૂએ પાકિસ્તાન ન જવું જોઈએ. ગૌતમે કહ્યું કે, કોઈપણ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવી ન જોઈએ.
રાજનીતિમાં આવવાના સવાલ પર શું બોલ્યો ગંભીર
નિવૃતી બાદ રાજનીતિમાં આવવાના સવાલ પર ટીમ ઈન્ડિયાના આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, જો દેશ સેવાની તક મળે છે તો સારૂ છે કે રાજનીતિમાં જવું જોઈએ. તેણે કહ્યું કે, જો મને તક મળે તો હું રબ્બર સ્ટેમ્પ નહીં બનું.
કેજરીવાલ પર સાધ્યું નિશાન
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા ગંભીરે કહ્યું કે, કેજરીવાલ સરકારને જનતાનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું પરંતુ તે સરકાર જનતાની આશા પર યોગ્ય રહી નથી.
મહત્વનું છે કે, ગૌતમ ગંભીરે થોડા દિવસ પહેલા 37 વર્ષ પૂરા કર્યા હતા. ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવાને કારણે તેના ક્રિકેટ ભવિષ્ય પર સવાલ ઉઠતા હતા, પરંતુ તેણે તમામ આશંકાઓ પર વિરામ લગાવી દીધો હતો. ગંભીરે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ગંભીરે 58 ટેસ્ટ મેચોમાં 41.96ની એવરેજથી 4154 રન બનાવ્યા છે, જેમાં નવ સદી સામેલ છે.
ગંભીરે વનડેમાં 11 સદીની મદદથી 5238 રન બનાવ્યા હતા. ટી20માં તેણે 932 રન બનાવ્યા હતા. ગંભીર ટી20 વિશ્વકપ અને 2011ના વર્લ્ડ કપનો હીરો રહ્યો હતો. તેણે બંન્ને ફાઇનલમાં શાનદાર બેટિંગ કરીને ટીમને ટ્રોફી અપાવવામાં મબત્વનું યોગદાન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે