IND vs NZ: ઈન્દોરમાં ગિલ-રોહિતનો ધમાકો, ઓપનરોની સદીની મદદથી ભારતે 50 ઓવરમાં ફટકાર્યા 385 રન

India vs New Zealand: પ્રથમ બે વનડે જીતીને સિરીઝ કબજે કરી ચુકેલી ભારતીય ટીમે ઈન્દોરમાં બેટિંગ વિકેટ પર રનનો ઢગલો કર્યો છે. બંને ઓપનરોની સદી અને હાર્દિક પંડ્યાની અડધી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન ફટકારી દીધા છે. 
 

IND vs NZ: ઈન્દોરમાં ગિલ-રોહિતનો ધમાકો, ઓપનરોની સદીની મદદથી ભારતે 50 ઓવરમાં ફટકાર્યા 385 રન

ઈન્દોરઃ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન ફટકારી દીધા છે અને મહેમાન ટીમને જીત માટે 386 રનનો લક્ષ્ય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે 25 ઓવરમાં ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડી દીધો હતો. બંને ઓપનરોએ સદી ફટકારતા પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી કરી હતી. 

ગિલ અને રોહિતની સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બંને ઓપનરોએ સદી ફટકારી હતી. રોહિત શર્માએ ત્રણ વર્ષ બાદ વનડે ક્રિકેટમાં સદી ફટકારતા 101 રન બનાવ્યા હતા. રોહિત 85 બોલમાં 9 ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી આઉટ થયો હતો. શુભમન ગિલે 78 બોલમાં 13 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 112 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી કરી હતી. ગિલે પોતાના કરિયરની ચોથી અને રોહિતે 30મી વનડે સદી ફટકારી હતી. 

હાર્દિક પંડ્યાની અડધી સદી
ઈશાન કિશન માત્ર 17 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 27 બોલમાં 36 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 38 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 54 રન ફટકાર્યા હતા. વોશિંગટન સુંદર 9, શાર્દુલ ઠાકુર 25 રન બનાવી આઉટ થયા હતા. કુલદીપ યાદવે 3 રનનું યોગદાન આપ્યું હતું. 

રોહિત શર્માએ પોન્ટિંગની કરી બરોબરી
આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે 49 વનડે સદી છે. ત્યારબાદ વિરાટ કોહલીના નામે 46 વનડે સગી છે. રોહિત શર્માએ પોતાના કરિયરની 30મી વનડે સદી ફટકારી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી છે. પોન્ટિંગે પોતાના વનડે કરિયરમાં 30 સદી ફટકારી હતી. 

ગિલે વર્લ્ડ રેકોર્ડની કરી બરોબરી
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારી હતી. ગિલે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડે મેચની સિરીઝમાં કુલ 360 રન ફટકાર્યા છે. આ સાથે તેણે બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. બાબર આઝમે 2016માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3 મેચમાં 360 રન બનાવ્યા હતા. બાબરે ત્યારે ત્રણ મેચમાં ત્રણ સદી ફટકારી હતી. જ્યારે ગિલે પ્રથમ મેચમાં 208 રન, બીજી વનડેમાં 40 રન અણનમ અને ત્રીજી વનડેમાં 112 રન બનાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news