INDvsSA: ટીમ વિરાટ આજે દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસ રચવા મેદાને ઉતરશે

વર્ષ 2013-14 દરમિયાન રમાયેલી શ્રેણીમાં ભારતને દક્ષિણ આફ્રિકાના હાથે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

INDvsSA: ટીમ વિરાટ આજે દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસ રચવા મેદાને ઉતરશે

અમદાવાદ : ચોથી વનડેમાં હારનો સામનો કરનાર ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકામાં નવો ઇતિહાસ રચવા મેદાને ઉતરશે. છેલ્લા બે દાયકાથી ભારત દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતી શક્યું નથી, જ્યારે આ વખતની છ વનડે મેચની શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે. જો આજની મેચ ભારત જીતી જાય તો વર્ષો બાદ નવો ઇતિહાસ સર્જાશે. 

કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં 13 ફેબ્રુઆરીને મંગળવારે પોર્ટ એલિઝાબેથમાં પાંચમી વનડે મેચ રમાનાર છે. છ મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં ભારતે સ્ફોટક રમત બતાવી જીત મેળવી હતી. જ્યારે ચોથી વનડેમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. 

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમનો દેખાવ દક્ષિણ આફ્રિકામાં એકંદરે ખરાબ રહ્યો છે. પરંતુ ટીમ વિરાટ આ વખતે પોતાની ઉત્કૃષ્ઠ રમત બતાવી રહી છે અને હારનો સિલસિલો તોડવાના ઉંબરે આવી પહોંચી છે. 

વર્ષ 2013-14 દરમિયાન રમાયેલી વનડે મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાના હાથે 0-2થી ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. 2010-11માં રમાયેલી શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને ટક્કર આપી હતી.જોકે છેવટે ભારતીય ટીમ 2-3થી શ્રેણી હારી ગયું હતું. 

કોહલીનું વિરાટ પ્રદર્શન
આ છ વનડે મેચની શ્રેણીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શ વિરાટ રહ્યું છે. તે રમાયેલી ચાર વનડેમાં 393 રન બનાવી ચૂક્યો છે. જેમાં બે સદી ફટકારી છે. કેપ્ટન કોહલી ઉપરાંત ઓપનર શિખર ધવન પણ સારા ફોર્મમાં છે. આજની મેચમાં પણ તે સારો દેખાવ કરે એવી આશા છે. 

રોહિત શર્માનો ફ્લોપ શો
દક્ષિણ આફ્રિકા સામેની છ મેચની શ્રેણીમાં ઓપનર રોહિત શર્માનો ફ્લોપ શો જોવા મળી રહ્યો છે. રમાયેલી પ્રથમ ચાર વન ડેમાં રોહિત શર્માએ માત્ર 40 રન જ બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news