ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને જાણો છો? લોહીની ઉલટીઓ થતી હતી છતાં જીતાડ્યો હતો વર્લ્ડ કપ

2011નો વર્લ્ડ કપ આ ખેલાડી  માટે ખુબ દુખદાયક રહ્યો હતો. તેણે ટીમને ચેમ્પિયન જરૂર બનાવી પરંતુ તેની હાલત ખુબ ખરાબ થઈ હતી. તેણે લોહીની ઉલટીઓ કરતા કરતા બેટિંગ કરી હતી. પરંતુ આમ છતાં તે મેદાન પર ડટી રહ્યો અને ચોગ્ગા છગ્ગા મારીને ભારતીય ટીમને આ ખિતાબ સુધી પહોંચાડી. 

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને જાણો છો? લોહીની ઉલટીઓ થતી હતી છતાં જીતાડ્યો હતો વર્લ્ડ કપ

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો આજે જન્મ દિવસ છે. યુવરાજ સિંહ આજે 42 વર્ષના થયા. સિક્સર કિંગ તરીકે ઓળખાતા યુવરાજ સિંહે પોતાના દમ પર ભારતીય ટીમને અનેક મેચો જીતાડી છે. ભારતીય ટીમે 2007ના ટી20 વર્લ્ડ કપ અને 2011નો વનડે વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ બંને વર્લ્ડ કપમાં યુવરાજનું મહત્વનું યોગદાન હતું. 

2007ના ટી20 વર્લ્ડ કપ વખતે યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 6 સિક્સર મારી હતી. જ્યારે 2011ના વર્લ્ડ  કપમાં યુવી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર થયા હતા. 

બે વર્લ્ડ કપ જીત્યા તેમાં યુવીનો સિંહફાળો
2011ના વર્લ્ડ કપમાં યુવીએ 362 રન કર્યા હતા અને 15 મહત્વની વિકેટ પણ લીધી હતી. પરંતુ આ વર્લ્ડ કપ યુવી માટે ખુબ દુખદાયક રહ્યો હતો. તેણે ટીમને ચેમ્પિયન જરૂર બનાવી પરંતુ તેની હાલત ખુબ ખરાબ થઈ હતી. તેણે લોહીની ઉલટીઓ કરતા કરતા બેટિંગ કરી હતી. પરંતુ આમ છતાં તે મેદાન પર ડટી રહ્યો અને ચોગ્ગા છગ્ગા મારીને ભારતીય ટીમને આ ખિતાબ સુધી પહોંચાડી. 

અત્રે જણાવવાનું કે 2011ના વર્લ્ડ કપ વખતે યુવરાજ સિંહ કેન્સરની ઝપેટમાં આવ્યા હતા. પરંતુ તેમણે પોતાની બીમારી છૂપાવીને ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તે વર્લ્ડ કપમાં એક બાજુ યુવરાજ બોલરોની ધોલાઈ કરતા હતા અને બીજી બાજુ લોહીની ઉલટીઓ કરતા હતા. 

મોઢામાંથી લોહી નીકળવા છતાં રમી મેચવિનિંગ ઈનિંગ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોર્ટર ફાઈનલ મેચમાં યુવરાજ સિંહના મોઢામાંથી લોહી નીકળતું હતું. કોઈને ગંધ સુદ્ધા ન આવી કે યુવરાજ સિંહને કેન્સર છે. મોંઢામાંથી લોહી નીકળવા છતાં યુવીએ આ ક્વોર્ટર ફાઈનલમાં 65 બોલમાં 57 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સાથે જ 44 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. જેના કારણે યુવીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. આ મેચ ભારત 5 વિકેટથી જીત્યું હતું. 

યુવીએ કેન્સરની સારવાર માટે બોસ્ટન જવું પડ્યું હતું. એક વર્ષથી વધુ સમય સુધી કેન્સર સામેની જંગ લડ્યા બાદ આખરે યુવીને તેમાં જીત મળી હતી. ક્રિકેટના જાણકારોનું માનવું હતું કે યુવરાજ હવે કદાચ ક્યારેય ક્રિકેટના મેદાન પર વાપસી કરી નહીં શકે. પરંતુ યુવીએ હાર ન માની અને તેમણે કેન્સરને માત આપતા જબરદસ્ત વાપસી કરી. ત્યારબાદ યુવીએ જૂન 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવીદા કરી દીધું. 

યુવરાજ સિંહે 304 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં તેમણે 8701 રન કર્યા. તેમના નામ પર વનડે ઈન્ટરનેશનલમાં કુલ 14 સદી અને 52 અડધી સદી છે. 40 ટેસ્ટ મેચમાં યુવરાજે કુલ 1900 રન કર્યા. જેમાં 3 સદી અને 11 અડધી સદી સામેલ છે. જ્યારે 58 ટી20 ઈન્ટરનેશનલમાં યુવરાજે 1177 રન કર્યા. યુવીએ ટી20 વર્લ્ડ કપ 2007માં સ્ટુઅર્ટ બ્રોડને સતત 6 છગ્ગા માર્યા હતા. જે ફેન્સને આજે પણ યાદ છે. ડાબોડી સ્પીનર યુવરાજ સિંહે ટેસ્ટમાં 9, વનડેમાં 111 અને ટી20 ઈન્ટરનેશનલમાં 28 વિકેટ પોતાના નામે કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news