INDvsAUS: વિશ્વકપ પહેલા અંતિમ વનડે રમશે ભારત, સિરીઝ દાવ પર

વિશ્વકપ મિશનની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાની પાસે આજે (13 માર્ચ) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી આ છેલ્લી મેચ બાકી છે. બંન્ને ટીમો 2-2ની બરોબરી પર છે. 

INDvsAUS: વિશ્વકપ પહેલા અંતિમ વનડે રમશે ભારત, સિરીઝ દાવ પર

નવી દિલ્હીઃ છેલ્લા 4 મેચોમાં વિશ્વકપ માટે ટીમ સંયોજનના સમીકરણ બનવાની જગ્યાએ બગાડ્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે (13 માર્ચ) રમાનારા પાંચમાં અને અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સિરીઝ જીતવાના લક્ષ્યની સાથે ફિરોઝશાહ કોટલા મેદાનમાં ઉતરશે. 

ભારતે જ્યારે આ સિરીઝમાં પગ મુક્યો ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડ તથા વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપ માટે તેણે માત્ર 2 સ્થાન નક્કી કરવા છે પરંતુ છેલ્લા 4 મેચોમાં ટીમના કેટલાક નબળા પાસાં ઉભરીને સામે આવ્યા, જેથી વિશ્વકપ સંયોજનને લઈને થોડી અસ્પષ્ટતા બનેલી છે. પરંતુ તે સારૂ છે કે યોગ્ય સમય પર ટીમ મેનેજમેન્ટને તમામ પાસાંઓ પર મંથન કરવાનો સમય મળશે. 

ભારતની પાસે પ્રથમ 2 મેચ જીત્યા બાદ પ્રયોગ કરવાની તક હતી પરંતુ તેણે ત્યારબાદ બંન્ને મેચ ગુમાવી દીધા, જેથી 5મો મેચ નિર્ણાયક બની ગયો છે. તેવામાં વિરાટ તથા ટીમનું મુખ્ય લક્ષ્ય સિરીઝ જીતવાનું બની ગયું છે, કારણ કે તે છેલ્લા ત્રણ વર્ષોના પોતાના શાનદાર રેકોર્ડને યથાવત રાખવાનો પ્રયત્ન કરશે. ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં જે 13 દ્વિપક્ષીય સિરીઝ રમી છે, તેમાંથી 12 જીતી છે. મોહાલીમાં 359 રનના વિશાળ લક્ષ્યને હાસિલ કરીને રેકોર્ડ બનાવનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ 5 મેચોની સિરીઝ જીતનારી ટીમની વિશિષ્ટ શ્રેણીમાં સામેલ થવા પ્રયત્ન કરશે. 

રાંચી અને વિશેષકરીને મોહાલીની જીતથી તેનું મનોબળ વધ્યું હતું પરંતુ સ્પિનરો માટે અનુકૂળ મનાતી કોટલાની પિચ પર તેના બેટ્સમેનોની આકરી કસોટી થશે. સિરીઝ પહેલા લાગી રહ્યું હતું કે, ભારતની  વિશ્વકપની ટીમના 13 સ્થાન પાક્કા છે અને હવે માત્ર બીજો ઓનપર અને એક બોલર નક્કી કરવાનો છે, પરંતુ અંબાતી રાયડૂની નિષ્ફળતા, રિષભ પંતની ખરાબ વિકેટકીપિંગ, રાહુલમાં સાતત્યતાનો અભાવ અને ચહલની બોલિંગની અસર ઓછી થવી જેવી બાબતોએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે. 

કોહલી મોહાલી વનડેમાં ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ નિર્ણાયક મેચનું મહત્વ જોતા તે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ત્રીજા સ્થાને ઉતરી શકે છે. રાહુલને વધુ એક તક મળવાની સંભાવના છે અને મેચની પરિસ્થિતિ પ્રમાણે તેનો બેટિંગ ક્રમ નક્કી કરાશે. ટીમ મેનેજમેન્ટ પરંતુ વિશ્વકપ પહેલા આ અંતિમ મેચમાં સતત સારૂ પ્રદર્શન કરતા વિજય શંકરને ચોથા નંબર પર અજમાવી શકે છે. 

શિખર ધવનનું ફોર્મમાં આવવું ભારત માટે સારા સમાચાર છે. આમ તો ધવનને લઈને ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ ચિંતામાં નથી. પોતાના ઘરેલૂ મેદાન પર અત્યાર સુધી માત્ર એકવાર (ટી20, વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ)માં પોતાના બેટથી કમાલ કરનાર આ બેટ્સમેન મોહાલીનું ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે. દિલ્હીના દર્શકોને કોહલી પાસે પણ મોટી ઈનિંગની આશા રહેશે, જેણે કોટલા પર વનડે અને ટેસ્ટમાં એ-એક સદી ફટકારી છે. 

પંત પ્રથમવાર પોતાના હોમગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ઉતરશે અને તે તેને યાદગાર બનાવવા અને વિકેટ પાછળ ભૂલ સુધારવા ઈચ્છશે. ભુવીએ ગત મેચમાં નિરાશ કર્યા હતા. શમી ફીટ હશે તો ટીમ મેનેજમેન્ટ તેને સ્થાન આપી શકે છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન ચડાવ-ઉતારવાળું રહ્યું છે પરંતુ વિશ્વકપ પહેલા તે સારી ટીમ લાગવા લાગી છે. ટોપના ક્રમમાં કેપ્ટન એરોન ફિન્ચ અને શોન માર્શનું અનિયમિત ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય હશે પરંતુ મધ્યમ ક્રમ અને નિચલા મધ્યમક્રમમાં પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ અને એશ્ટન ટર્નરની સકારાત્મક બેટિંગથી તેનું મનોબળ વધ્યું છે. કોટલાની વિકેટ પર જો સ્પિનરોને મદદ મળે છે કે લેગ સ્પિનર એડમ ઝમ્પા અને ઓફ સ્પિનર નાથન લાયનને ટીમમાં જગ્યા મળી શકે છે. 

આ મેદાન પર અત્યાર સુધી બંન્ને ટીમો વચ્ચે ચાર મેચ રમી છે, જેમાં ભારતે ત્રણમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ એકમાત્ર જીત 1998માં હાસિલ કરી હતી. હવામાન વિભાગે બુધવારે સામાન્ય વરસાદની આગાહી કરી છે. જો આકાશ સાફ રહે તો ઝાકળ પોતાની ભૂમિકા નિભાવી શકે છે. આ બંન્ને કારણ ટીમ સંયોજનને પ્રભાવિત કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news