World Cup 2019: ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી એકપણ મેચ જીતી શક્યું નથી ભારત

બંન્ને ટીમો અત્યાર સુધી આ વિશ્વકપમાં કોઈ મેચ હારી નથી. પરંતુ વાત જો ઈંગ્લેન્ડની આવે તો ભારતીય ટીમ ત્યાં ન્યૂઝીલેન્ડને ક્યારેય હરાવી શકી નથી. 

  World Cup 2019: ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી એકપણ મેચ જીતી શક્યું નથી ભારત

નોટિંઘમઃ ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની ધરતી પર જે ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, તે તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે અને વિરાટ કોહલીની ટીમ ગુરૂવારે અહીં રમાનારી મેચમાં આ ક્રમને તોડવાનો પ્રયત્ન કરશે. સંયોગથી આ બંન્ને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડની ધરતી પર ત્રણેય મેચ વિશ્વકપ દરમિયાન રમાઇ છે અને આ તમામમાં કીવી ટીમનું પલડું ભારે રહ્યું છે. આમ તો આ બંન્ને ટીમો વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધી કુલ સાત મેચ રમાઇ છે જેમાંથી ન્યૂઝીલેન્ડે ચારમાં અને ભારતે ત્રણમાં જીત મેળવી છે. 

વિશ્વ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ મુકાબલો 2003માં સેન્ચુરિયનમાં રમાયો હતો, જેમાં સૌરવ ગાંગુલીની આગેવાની વાળી ટીમે સાત વિકેટથી જીત મેળવી હતી. ઈંગ્લેન્ડમાં આ પહેલા રમાયેલા ચાર વિશ્વ કપ ટૂર્નામેન્ટમાંથી ત્રણમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. ભારતે જ્યારે 1983નો વિશ્વ કપ જીત્યો ત્યારે તેનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો નહતો. 

સંયોગથી ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અત્યાર સુધી પોતાના ત્રણ મુકાબલો 12થી 14 જૂન વચ્ચે રમાયા છે અને આ વખતે પણ તેનો મુકાબલો 13 જૂને છે. આ બંન્ને વચ્ચે વિશ્વ કપની પ્રથમ મેચ 1975માં 14 જૂને માનચેસ્ટરમાં રમાઇ હતી જેમાં ન્યૂઝીલેન્ડે ગ્લેન ટર્નર (અણનમ 114)ની સદીની મદદથી ચાર વિકેટથી જીત હાસિલ કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 60 ઓવરોમાં 230 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડે 58.5 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ભારત તરફથી ઓલરાઉન્ડર એસ આબિદ અલીએ પહેલા 98 બોલ પર 70 રન બનાવ્યા અને 12 ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેના ચાર વર્ષ બાદ 1979માં 13 જૂને લીડ્સમાં આ બંન્ને ટીમ ફરી આમને-સામને હતી પરંતુ એસ વેંકટરાઘવનની આગેવાની વાળી ભારતીય ટીમ 55.5 ઓવરમાં 182 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સર્વાધિક 55 રન બનાવ્યા હતા, જે માટે તેમણે 144 બોલનો સામનો કર્યો હતો. 

ન્યૂઝીલેન્ડે બ્રૂસ એડગરના 84 રનની મદદથી 57 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડમાં 1999માં રમાયેલા વિશ્વ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 12 જૂને નોટિંઘમમાં મુકાબલો હતો. મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાનીમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરોમાં 251 રન બનાવ્યા જેમાં અજય જાડેજા (76)ની અડધી સદી સામેલ હતા. 

ન્યૂઝીલેન્ડે 48.5 ઓવરમાં પાંચ વિકેટ પર 253 રન બનાવીને પાંચ વિકેટથી જીત મેળવી હતી. તેના તરફથી મૈટ હોર્ન (74) અને રોજર ટૂજ (અણનમ 60)એ અડધી સદી ફટકારી હતી. હવે ફરી મુકાબલો 13 જૂને નોટિંઘમમાં હશે અને તે જોવાનું રસપ્રદ રહેશે કે કોહલીની ટીમ હારનો ક્રમ તોડે છે કે કેન વિલિયમસનની ટીમ પોતાના શાનદાર રેકોર્ડને જાળવી રાખવામાં સફળ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news