INDvsAUS: મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર જીતી દ્વિપક્ષીય વનડે શ્રેણી

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા અંતિમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રણ મેચોની વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ સાથે જ ભારતે ટેસ્ટ બાદ વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. છેલ્લી બે વન-ડેમાં શાનદાર પ્રદર્શન દ્વારા મેચ વિનીંગ ઈનિંગ્સ રમનારા મહેન્દ્ર સિંહ ધોનીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો, જ્યારે યુજવેન્દ્ર ચહલને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો

 INDvsAUS: મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર જીતી દ્વિપક્ષીય વનડે શ્રેણી

મેલબોર્નઃ   ભારતે અંતિમ અને નિર્ણયક વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રણ મેચોની વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ સાથે ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર દ્વિપક્ષીય સિરીઝ જીત્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમને જીતવા માટે 231 રનનો લક્ષ્ય મળ્યો હતો. ભારતે 49.2 ઓવરમાં 234 રન બનાવી મેચ જીતી લીધી હતી. ભારતે મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવની અડધી સદી અને વિરાટ કોહલીના 46 રનની મદદથી ભારતીય ટીમે ચાર બોલ બાકી રાખીને મેચ સાત વિકેટે જીતી લીધી હતી. મહેન્દ્ર સિંહ ધોની 114 બોલમાં 6 બાઉન્ડ્રી સાથે 87 રન બનાવી અણનમ રહ્યો હતો. તો જાધવ 57 બોવમાં 61 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. 

મહેન્દ્ર સિંહ ધોનીને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરાયો હતો, જ્યારે 10 ઓવરમાં માત્ર 42 રન આપીને ઓસ્ટ્રેલિયાના 6 બેટ્સમેનને પેવેલિયન ભેગા કરનારા યુજવેન્દ્ર ચહલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કોહલીએ ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચ્યો છે.

રોહિત અને ધવન આઉટ થયા બાદ કેપ્ટન કોહલી અને ધોનીએ ભારતની ઈનિંગને આગળ વધારી હતી. બંન્નેએ 54 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી 46 રન બનાવી રિચર્ડસનનો શિકાર બન્યો હતો. 62 બોલની ઈનિંગમાં કોહલીએ ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. કોહલી આઉટ થયા બાદ કેદાર જાધવ ક્રિઝ પર આવ્યો હતો. તેણે ધોની સાથે મળીને ભારતનું સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. આ દરમિયાન ધોનીએ કરિયરની 70મી અને શ્રેણીમાં સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી. 

ત્યારબાદ કેદાર જાધવ અને ધોનીએ ચોથી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરીને ભારતને 6 વિકેટે જીત અપાવી હતી. આ દરમિયાન કેદારે પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગનો રોમાંચ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોએ શાનાદર પ્રદર્શન કર્યું હતું. 

ભુવનેશ્વરની શાનદાર બોલિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 8 રનના સ્કોર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે ભુવનેશ્વર કુમારે ઈનિંગની ત્રીજી ઓવરમાં એલેક્સ કેરી (5)ને વિરાટ કોહલીના હાથે આઉટ કર્યો હતો. કેરીએ 11 બોલમાં એક બાઉન્ડ્રી ફટકારી હતી. 

કાંગારૂ ટીમ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા ભુવનેશ્વરે ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. તેણે કેપ્ટન એરોન ફિન્ચ (14)ને 9મી ઓવરમાં LBW આઉટ કર્યો હતો. ફિન્ચે પોતાની ઈનિંગમાં 24 બોલનો સામનો કર્યો, જ્યારે એક બાઉન્ડ્રી ફટકારી હતી. આ સિરીઝના ત્રણેય મેચોમાં ભુવીએ ફિન્ચને પોતાનો શિકાર બનાવ્યો હતો. 

ચહલની ઘાતક બોલિંગ
49 રન પર બે વિકેટ પડ્યા બાદ ઉસ્માન ખ્વાજા અને શોન માર્શે ત્રીજી વિકેટ માટે શાનદાર 73 રનની ભાગીદારી કરી હતી. પરંતુ 24મી ઓવરમાં બંન્ને બેટ્સમેનો આઉટ થયા બાદ કાંગારૂ ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. ફેરફારના રૂપમાં વિરાટે સિરીઝનો પ્રથમ મેચ રમી રહેલા ચહલને બોલ ઓપ્યો હતો. તેણે પહેલા બોલ પર શોન માર્શને ધોનીના હાથે સ્ટંપ આઉટ કરાવ્યો હતો. તેણે 54 બોલમાં 3 ફોરની મદદથી 39 રન બનાવ્યા હતા. આ ઓવરમાં ઉસ્માન ખ્વાજા (34)ને ચહલે પોતાની બોલિંગમાં કેચ ઝડપીને પેવેલિયન મોકલી આપ્યો હતો. તેણે 51 બોલમાં 2 બાઉન્ડ્રી ફટકારી હતી. 

ખ્વાજા આઉટ થયા બાદ યજમાન ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. માર્કસ સ્ટોઇનિસ (10)ને ચહલે આઉટ કર્યો હતો. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ (26)ને શમીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જ્યાં એકતરફ વિકેટ પડતી હતી, તો બીજીતરફ પીટર હૈંડ્સકોમ્બે રન બનાવવાનું ચાલું રાખ્યું હતું. તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ ચહલે ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો આપતા રિચર્ડસન (16)ને આઉટ કર્યો હતો. ત્યારબાદ ચહલે હૈંડ્સકોમ્બને આઉટ કરીને પોતાની પાંચમી વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ 228ના સ્કોરે પોતાની નવમી વિકેટ ગુમાવી હતી. ચહલે ઝમ્પાને આઉટ કરીને પોતાની છઠ્ઠી વિકેટ પૂરી કરી હતી. શમીએ 49મી ઓવરમાં સ્ટેનલેકને બોલ્ડ કર્યો હતો. 

યુજવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. તો શમી અને ભુવનેશ્વરને બે-બે સફળતા મળી હતી. 

ચહલની છ વિકેટ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ચહલને પ્રથમ વખત રમવાની તક મળી હતી. તેનો ફાયદો ઉઠાવતા મેલબોર્નની સ્પિન પિચ પર ચહલે ઓસ્ટ્રેલિયાના 6 બેટ્સમેનોને આઉટ કર્યો હતો. તેણે 10 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ લીધી હતી. 

ભારતે ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. વિરાટે ટીમમાં ત્રણ ફેરફાર કર્યાં છે. ઓલરાઉન્ડર વિજય શંકર વનડે ક્રિકેટમાં પર્દાપણ કરશે. તો અંબાતી રાયડૂના સ્થાને કેદાર જાધવને તક આપવામાં આવી છે. કુલદીપ યાદવના સ્થાને યુજવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું છે. ગત મેચમાં ખર્ચાળ સાબિત થનાર મોહમ્મદ સિરાજને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. 

બંન્ને ટીમ હાલ શ્રેણીમાં 1-1ની બરોબરી પર છે. પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને વિજય મેળવ્યો હતો. તો બીજી વનડેમાં ભારતીય ટીમનો 6 વિકેટે વિજય થયો હતો. 

ભારતઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેદાર જાધવ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી.  

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, એલેક્સ કેરી, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, પીટર સિડલ, ઝાયે રિચર્ડસન, એડમ ઝમ્પા, બિલી સ્ટેનલેડ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news