WWT20: ભારતીય મહિલા ટીમનો સતત બીજો વિજય, પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ટીમે ટી-20 વિશ્વકપમાં શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યા બાદ પાકિસ્તાનને પણ સાત વિકેટે પરાજય આપ્યો છે. 
 

 WWT20: ભારતીય મહિલા ટીમનો સતત બીજો વિજય, પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

ગુયાનાઃ મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતે સતત બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાને આપેલા 134 રનના લક્ષ્યને ભારતે 19 ઓવરમાં પાર પાડ્યો હતો. ભારત તરફથી પૂર્વ કેપ્ટન મિતાલી રાજે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌર 14 અને વેદા કૃષ્ણામૂર્તિ 8 રન બનાવી અણનમ રહ્યાં હતા. આ ભારતની ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત છે. પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 34 રને પરાજય આપ્યો હતો. 

મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 9.3 ઓવરમાં 73 રન જોડ્યા હતા, આ સ્કોર પર મંધાનાના રૂપમાં ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. મંધાનાને મારૂફે ઓમૈમા સોહેલના હાથે કેચઆઉટ કરાવી હતી. ભારતીય બેટ્સમેને 28 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. મિતાલી રાજ 47 બોલમાં સાત બાઉન્ડ્રી સાથે 56 રન બનાવી આઉટ થઈ હતી. 

ત્યારબાદ જેમિમા રોડ્રિગેજ અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજે મળીને બીજી વિકેટ માટે 28 રન જોડતા ભારતનો સ્કોર 100ને પાર કરાવ્યો હતો. પરંતુ 101 રનના ટીમ સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી હતી. જેમિમા 16 રન બનાવી આઉટ થઈ હતી. આ દરમિયાન મિતાલી રાજે પોતાના ટી-20 કરિયરની 16મી અડધી સદી  પૂરી કરી હતી. 

પાકિસ્તાનની ઈનિંગનો રોમાંચ
આ પહેલા અનુભવી બિસ્માહ મારૂફ અને નિદા દારે ભારતીય ફિલ્ડિંગનો ભરપૂર ફાયદો ઉઠાવતા અડધી સદી ફટકારી, જેનાથી પાકિસ્તાન શરૂઆતી ઝટકા બાદ 7 વિકેટ પર 133 રનનો પડકારજનલ લક્ષ્ય આપવમાં સફળ રહ્યું હતું. પાકિસ્તાન પર વિકેટને નુકસાન પહોંચાડવાના કારણે બે વાર પાંચ-પાંચ રનોની પેનલ્ટી લગાવવામાં આવી અને આ રીતે ભારતીય ટીમને ઈનિંગ શરૂ થતા પહેલા 10 રન મળ્યા હતા. 

બિસ્માહ અને નિદા વચ્ચે 94 રનની ભાગીદારી
બિસ્માહે 49 બોલમાં 54 અને નિદાએ 35 બોલમાં 52 રન ફટકાર્યા હતા. આ બંન્નેએ ચોથી વિકેટ માટે 94 રનની મહત્વપૂર્મ ભાગીદારી કરી, જેનાથી પાકિસ્તાની ટીમ ભારત વિરુદ્ધ પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ભારત તરફથી પૂનમ યાદવ અને દયાલન હેમલતાને બે-બે સફળતા મળી હતી. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ પર 34 રનથી ધમાકેદાર જીત કરનારી ભારતીય ટીમે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 

આયશા ખાતું ખોલાવ્યા વિના આઉટ 
મધ્યમ ગતિની ફાસ્ટ બોલર અરૂધંતિ રેડ્ડીએ પ્રથમ ઓવરમાં આયશા જફર (શૂન્ય)એ પોતાની વિકેટ ઈનામમાં આવી, જ્યારે તેનું સ્થાન લેવા માટે આવેલી ઉમૈમા સોહેલ (3)ને જેમિમા રોડ્રિગેજના સીધા થ્રો પર રનઆઉટ કરી હતી. હવે પાકિસ્તાનના બે અનુભવી બેટ્સમેન કેપ્ટન જાવરિયા ખાન અને બિસ્માહ મારૂફ ક્રીઝ પર હતા. જાવરિયા આક્રમક રમવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ બિસ્માહની સાથે રન લેવાના ચક્કરમાં રનઆઉટ થઈ ગઈ હતી. 

નિદાને મળ્યું જીવનદાન
પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટ પર 30 રન થઈ ગયો હતો. ત્યાબાદ બિસ્માહ અને નિદા દારે જવાબદારી સંભાળી હતી. 
બંન્નેએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. પરંતુ આ બંન્નેએ ભારતની ખરાબ ફિલ્ડિંગનો પણ લાભ ઉઠાવ્યો હતો. નિદાને 15 અને 29 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. પહેલા વેદા કૃષ્ણામૂર્તિ અને પછી પૂનમ યાદવે આસાન કેચ છોડ્યા હતા. 

બિસ્માહને પણ જીવનદાન
પૂનમે બિસ્માહનો કેચ છોડ્યો હતો. ત્યારે તે 28 રને બેટિંગ કરી રહી હતી. તેનો ફાયદો ઉઠાવતા 44 બોલમાં કરિયરની સાતમી અડધી સદી પૂરી કરી હતી. તેને હેમલતાએ 19મી ઓવરમાં આઉટ કરી હતી. બિસ્માહે ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. નિદાએ આગામી બોલને મિડવિકેટ પર છ રન માટે મોકલીને પોતાની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. હરમનપ્રીતે તેના પછીના બોલે કેચ પકડવામાં કોઈ ભૂલ ન કરી. નિદાની ઈનિંગમાં પાંચ ફોર અને બે સિક્સ સામેલ છે. પૂનમે પણ પોતાની બંન્ને વિકેટ ઈનિંગની અંતિમ ઓવરમાં ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news