મહિલા ક્રિકેટઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં ભારતની નજર વિશ્વકપની તૈયારી પર

ભારતીય મહિલા ટીમે હાલમાં વનડે ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ રમતના આ ફોર્મેટમાં તેણે ઘણો વિચાર કરવાનો છે કારણ કે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ટીમનો 0-3થી પરાજય થયો હતો.

 મહિલા ક્રિકેટઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં ભારતની નજર વિશ્વકપની તૈયારી પર

ગુવાહાટીઃ ભારતીય મહિલા ટીમ સોમવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 ક્રિકેટ સિરીઝથી આગામી વર્ષે યોજાનારા આ ફોર્મેટના વિશ્વકપ માટે ખેલાડીઓનું કોર ગ્રુપ તૈયાર કરવા ઈચ્છશે. ભારતીય ટીમે હાલમાં 50 ઓવરના ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ રમતના આ ફોર્મેટમાં તેણે ઘણો વિચાર કરવાનો છે કારણ કે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ટીમે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં ટી20માં સૂપડા સાફ થયા પહેલા ટીમે વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. 

ભારતે મુંબઈમાં રમાયેલા ત્રણ મેચોની વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ઈજામાંથી બહાર આવી નથી અને તેની ગેરહાજરીમાં શાનદાર ફોર્મમાં રહેલી ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના ટીમની આગેવાની કરશે જ્યાં તેની પાસે નેતૃત્વ ક્ષમતાને સાબિત કરવાની તક હશે. 

હરમનપ્રીતની ગેરહાજરીમાં સીનિયર ખેલાડી અને એકદિવસીય ટીમની કેપ્ટન મિતાલી રાજે ત્રણ મેચોની આ સિરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવવી પડશે. ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પ્રથમ બે ટી20 મેચોમાં મિતાલીને ટીમમાં સ્થાન ન મળ્યું અને ત્રીજી ટી20માં 24 રનની અણનમ ઈનિંગ ટીમને જીત અપાવવામાં અસફળ રહી હતી. 

ટીમમાં વાપસી કરી રહેલી વેદા કૃષ્ણામૂર્તિના પ્રદર્શન પર તમામની નજર રહેશે જેને 2018 ટી20 વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન બાદથી બહાર કરી દેવામાં આવી હતી. 

પ્રિયા પૂનિયા અને ડી હેમલતાની જગ્યાએ ટીમમાં સામેલ હરલીન દેઓલ અને ભારતી ફુલમાલી પણ પોતાને સાબિત કરવા ઈચ્છશે. માનસી જોશીના સ્થાને ફાસ્ટ બોલર કોમલ જનજાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરી શકે છે. ફાસ્ટ બોલિંગની આગેવાની શિખા પાંડે કરશે. ટીમમાં પાંચ નિષ્ણાંત સ્પિનરોને સ્થાન મળ્યું છે. 

ટીમ આ પ્રકારે છેઃ
ભારતીય ટીમઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), મિતાલી રાજ, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા, ભારતી ફુલમાલી, અનુજા પાટિલ, શિખા પાંડે, કોમલ જાંઝડ, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ, વેદા કૃષ્ણામૂર્તિ, હરલીન દેઓલ. 

ઈંગ્લેન્ડ મહિલા ટીમઃ
હીથર નાઇટ (કેપ્ટન), ટૈમી બ્યૂમોન્ટ, કૈથરીન બ્રન્ટ, કેટ ક્રાસ, સોફિયા ડંકલે, ફ્રેયા ડેવિસ, જાર્જિયા એલ્વિસ, એમી જોન્સ, લૌરા માર્શ, નતાલી સ્કિવર, આન્ય શ્રબસોલ, લિંસે સ્મિથ, લારેન વિનફીલ્ડ, ડૈની વાટ અને એલેક્સ હાર્ટલે. 

આ મેચ સવારે 11 કલાકે શરૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news