શમીની પત્નીનો પહેલો પતિ આવ્યો સામે, કર્યા ચોંકાવનારા ખુલાસા

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેનો વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે.

શમીની પત્નીનો પહેલો પતિ આવ્યો સામે, કર્યા ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેનો વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ હસીન જહાંએ શમી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. શમીની વિરુદ્ધ પત્નીને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરવાનો મામલો નોંધાયો છે. પોલીસે કહ્યું કે શમી (27)ની પત્ની હસીન જહાંએ શમી વિરુદ્ધ શારીરિક અને માનસિક અત્યાચાર અને લગ્નેત્તર સંબંધ રાખવાની ફરિયાદ દાખલ કરી છે. જાધવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઈઆર મુજબ શમી અને અન્ય ચાર લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસ, રેપ, અપરાધિક ધમકી, અને ઝેર દ્વારા ચોટ પહોંચાડવાના પ્રયત્નો સહિત ઈન્ડિયન પીનલ કોડની વિભિન્ન કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

આ તમામ આરોપો વચ્ચે મોહમ્મદ શમીનું કહેવું છે કે તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે. તેને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યો છે. જો કે શમી તેની પત્ની વિરુદ્ધ કશું કહેતો નથી. તેનું ફક્ત એટલું જ કહેવું છે આ તેના ઘરનો મામલો છે અને તે ઘરમાં જ ઉકેલવા માંગે છે. શમીનું એ પણ કહેવું છે કે કેટલાક બહારના લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

હસીન જહાંનો પહેલો પતિ આવ્યો સામે
આ બધા આરોપો વચ્ચે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંનો પહેલો પતિ સામે આવ્યો છે. અત્રે જણાવવાનું કે હસીન જહાં મોહમ્મદ શમીની પહેલી પત્ની છે, પરંતુ હસીન જહાંના આ બીજા લગ્ન છે. મોહમ્મદ શમી અને હસીન જહાંના લગ્ન વર્ષ 2014માં થયા હતાં. હસીન જહાં ત્યારે પહેલીવાર શમીને મળી હતી. જો કે એ પહેલા તેના પ્રથમ લગ્ન તૂટી ચૂક્યા હતાં અને તે બે બાળકીઓની માતા હતીં.

હસીન જહાંના પહેલા લગ્ન સૈફુદ્દીન નામના વ્યક્તિ સાથે થયા હતાં. જેનાથી તેને બે બાળકીઓ થઈ. તેમાંથી એક બાળકી 10માં અને બીજી છઠ્ઠા ધોરણમાં ભણે છે. હસીન અને સૈફુદ્દીનના લગ્ન 2002માં થયા હતાં અને 2010માં બંનેના ડિવોર્સ થઈ ગયાં. શમી અને હસીન જહાંના વિવાદ વચ્ચે સૈફુદ્દીને એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યું આપ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે હસીન એક મહત્વકાંક્ષી મહિલા છે. તેની ઈચ્છાઓ ખુબ છે. તેણે મને કેમ છોડી દીધો તે મને ખબર નથી. તલાક બાદ હસીન સાથે મારો કોઈ સંપર્ક રહ્યો નથી. પરંતુ બંને પુત્રીઓ હંમેશા તેમની માતા સાથે વાતો કરે છે. અત્રે જણાવવાનું કે સૈફુદ્દીનની બીરભૂમ જિલ્લાના સૂરી બજાર વિસ્તારમાં બાબુ સ્ટોર નામની એક નાનકડી દૂકાન છે.

શમી પર હત્યાની કોશિશનો મામલો નોંધાયો
કોલકાતાના સયુંક્ત પોલીસ આયુક્ત (અપરાધ) પ્રવીણ ત્રિપાઠીએ કહ્યું કે આ મામલો બિન જામીનપાત્ર કલમ 307(હત્યાનો પ્રયત્ન), કલમ 498-એ (એક મહિલા પ્રત્યે ક્રુરતા દાખવવી) અને કલમ 376 (બળાત્કાર માટે સજા) અંતર્ગત નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ચાર અન્ય ઉપર પણ જામીન પાત્ર કલમો 323 (ઈજા પહોંચાડવી), 506 (ધમકી આપવાનો ગુનો) હેઠળ મામલો નોંધાયો છે. ત્રિપાઠીએ કહ્યું કે હસીન જહાંની લેખિત ફરિયાદના આધારે મોહમ્મદ શમી અને અન્ય ચાર પર જાધવપુર પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાયો છે. પોલીસે જો કે ચાર અન્ય અંગે જાણકારી આપવાની ના પાડી દીધી.

હસીન જહાંએ શમી પર લગાવ્યો અનેક આરોપ
હસીન જહાંનો આરોપ છે કે શમી છેલ્લા 2 વર્ષથી તેને શારીરિક અને માનસિક રીતે સતામણી કરી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ હસીને શમી પર તેની હત્યાના ષડયંત્ર રચવાનો અને મેચ ફિક્સિંગના પણ આરોપ લગાવ્યાં છે. ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં હસીને શમી પર તેની હત્યાના ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યું કે શમીએ તેના ભાઈને કહ્યું કે હસીનની હત્યા કરીને લાશ જંગલમાં દફનાવી દે.

હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગનો પણ લગાવ્યો આરોપ
હસીન જહાંએ કહ્યું કે શમી તેની પાસે અનેકવાર તલાક માંગી ચૂક્યો છે. હસીનનું કહેવું છે કે શમી તેને કહે છે કે તારે જેની સાથે રહેવું હોય તેની સાથે રહે, મને તેની સાથે કોઈ મતલબ નથી. તે કહે છે કે તારું બાળક લઈ લે અને આ ઘરમાંથી નિકળી જા. જો નહીં જાય તો ધક્કા મારીને કાઢી મૂકવામાં આવશે. હસીને વધુમાં કહ્યું કે ના જાણે કેટલીય વાર શમીએ તેને ધક્કા મારીને ઘરના દરવાજાની બહાર કાઢી મૂકેલી છે.

હસીને શમી પર આરોપ લગાવતા કહ્યું કે શમીને તેના ફોઈની નણંદની પુત્રી (તુબા ખાન) સાથે 5 વર્ષથી પ્રેમ છે અને તેની સાથે લગ્ન કરવા માટે શમી આત્મહત્યાની કોશિશ પણ કરી ચૂક્યો છે. હસીન જહાંનું કહેવું છે કે તેમના સંબંધમાં શરૂઆતથી જ કડવાહટ હતી પરંતુ તેણે ક્યારેય તે વ્યક્ત થવા દીધી નથી. હસીને શમી પર અનૈતિક સંબંધો, મારપીટ, હત્યાના ષડયંત્ર તથા મેચ ફિક્સિંગના આરોપ લગાવ્યાં છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news