PBKS vs MI: આશુતોષ શર્માની લડાયક ઈનિંગ પાણીમાં, મુંબઈ ઈન્ડિયન્સનો 9 રને વિજય

IPL 2024: સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી બાદ જસપ્રીત બુમરાહના ઘાતક બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવી સીઝનમાં ત્રીજી જીત મેળવી છે. 

PBKS vs MI: આશુતોષ શર્માની લડાયક ઈનિંગ પાણીમાં, મુંબઈ ઈન્ડિયન્સનો 9 રને વિજય

મુલ્લાંનપુરઃ મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રને પરાજય આપી આઈપીએલ-2024માં પોતાની ત્રીજી જીત મેળવી છે. મુંબઈએ રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં જીત મેળવી હતી. આ જીતની સાથે મુંબઈને પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો અને તે સાતમાં સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 192 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સ 19.1 ઓવરમાં 183 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સનો ધબડકો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆતી વિકેટ જલ્દી પડી ગઈ હતી. પ્રભસિમરન સિંહ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. સેમ કરન માત્ર 6 રન બનાવી શક્યો હતો. રિલી રોસો અને લિયામ લિવિંગસ્ટોન પણ 1-1 રન બનાવી આઉટ થયા હતા. પંજાબ કિંગ્સે 14 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાજ જીતેશ શર્મા પણ 9 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

આશુતોષ અને શશાંક સિંહની લડાયક બેટિંગ
પંજાબ કિંગ્સે 59 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પંજાબ કિંગ્સ તરફથી આશુતોષ શર્માએ કમાલની બેટિંગ કરી હતી. આશુતોષે 28 બોલમાં 2 ફોર અને 7 સિક્સની મદદથી 61 રન બનાવી આઉટ થયો હતો. શશાંક સિંહે 25 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 41 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી બુમરાહ અને જેરાલ્ડ કોએત્ઝીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. 

સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક  ઈનિંગ
સૂર્યકુમાર યાદવે પંજાબ કિંગ્સ સામે કમાલની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે આઈપીએલ-2024ની બીજી અડધી સદી ફટકારી હતી. સૂર્યાએ પોતાની ઈનિંગ દરમિયાન કેટલાક આકર્ષક શોટ્સ પણ ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ 53 બોલમાં 7 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 78 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય મુંબઈ તરફથી તિલક વર્માએ 18 બોલમાં 2 ફોર અને બે સિક્સ ફટકારી હતી. 

રોહિત શર્માએ 25 બોલમાં 2 ફોર અને ત્રણ સિક્સ સાથે 36 રન ફટકાર્યા હતા. જ્યારે અન્ય ઓપનર ઈશાન કિશન માત્ર 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યા આજે પણ ફ્લોપ રહ્યો અને માત્ર 10 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 14 રન અને રોમારિયો શેફર્ડ 1 રન બનાવી આઉટ થયા હતા. પંજાબ તરફથી હર્ષલ પટેલે 31 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય સેમ કરનને બે તથા એક વિકેટ રબાડાને મળી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news