INDvsNZ: સુપર ઓવરમાં કીવીને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડમાં પ્રથમવાર જીતી દ્વિપક્ષીય ટી-20 સિરીઝ

NZvIND 3rd T20I LIVE: હેમિલ્ટનમાં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝની ત્રીજી મેચમાં ભારતે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. 
 

INDvsNZ: સુપર ઓવરમાં કીવીને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડમાં પ્રથમવાર જીતી દ્વિપક્ષીય ટી-20 સિરીઝ

હેમિલ્ટનઃ ભારતીય ટીમે અહીં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પાંચ મેચોની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારત ન્યૂઝીલેન્ડની ધરતી પર પ્રથમ વખત કોઈ દ્વિપક્ષીય સિરીઝ કબજે કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ કેપ્ટન કેન વિલિયમસનના 95 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવતા મેચ ટાઈમાં પરિણમી હતી. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 17 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 18 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતને સુપર ઓવરમાં અંતિમ બે બોલમાં 10 રનની જરૂર હતી ત્યારે રોહિત શર્માએ બે છગ્ગા ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. 

ભારતે રચ્ચો ઈતિહાસ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલની ટી20 સિરીઝ પહેલા માત્ર બે દ્વિપક્ષીય ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઇ છે. આ બંન્ને ટી20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. એક દ્વિપક્ષીય ટી20 સિરીઝ વર્ષ 2008-2009માં રમાઇ હતી. બે મેચોની આ ટી20 સિરીઝમાં ભારતે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતને 2018-2019માં રમાયેલી ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડે 2-1થી પરાજય આપ્યો હતો. 

મહત્વનું છે કે હાલની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપ્યો હતો. ત્યારબાદ બીજી ટી20 મેચ પણ સાત વિકેટે જીતીને ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. હવે સુપર ઓવરમાં વિજય મેળવીને ભારતે સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 

સુપર ઓવરનો રોમાંચ

ન્યૂઝીલેન્ડ- બેટ્મસમેન કેન વિલિયમસન અને ગુપ્ટિલ, બોલર બુમરાહ

પ્રથમ બોલઃ કેન વિલિયમસને એક રન લીધો

બીજો બોલઃ માર્ટિન ગુપ્ટિલે એક રન લીધો

ત્રીજો બોલઃ કેન વિલિયમસને છગ્ગો ફટકાર્યો

ચોથો બોલઃ વિલિયમ્સને ચોગ્ગો ફટકાર્યો

પાંચમો બોલઃ બાયનો એક રન

છઠ્ઠો બોલઃ ગુપ્ટિલે ચોગ્ગો ફટકાર્યો.

ભારતની ઈનિંગઃ બેટ્સમેન- રોહિત શર્મા-કેએલ રાહુલ, બોલર- ટિમ સાઉદી

પ્રથમ બોલઃ રોહિત શર્માએ 2 રન લીધા

બીજો બોલઃ રોહિત શર્માએ એક રન લીધો

ત્રીજો બોલઃ રાહુલે બાઉન્ડ્રી ફટકારી

ચોથો બોલઃ રાહુલને એક રન મળ્યો

પાંચમો બોલઃ રોહિતે છગ્ગો ફટકાર્યો

છઠ્ઠો બોલઃ રોહિતની સિક્સ, ભારતનો વિજય

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલમયમ્સને 95 રનની ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ શમીએ માત્ર 8 રન આપ્યા હતા. તેણે અંતિમ બોલ પર રોસ ટેલરને આઉટ કરીને મેચ ટાઈ કરાવી હતી.

ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 21 રન આપીને બે તથા જાડેજા, શમી અને ચહલને એક-એક સફળતા મળી હતી. 

ન્યૂઝીલેન્ડની ઈનિંગ
માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડને આક્રમક શરૂઆત અપાવી હતી. 5.4 ઓવરમાં બંન્નેએ મળીને 47 રન જોડ્યા હતા. શાર્દુલ ઠાકુરે આ જોડીને તોડી અને ગુપ્ટિલને સબ્સટ્યૂટ ફીલ્ડર સંજૂ સેમસનના હાથે કેચ કરાવ્યો હતો. ગુપ્ટિલે 21 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. ત્યારબાદ જાડેજાએ પોતાની પહેલી ઓવરમાં જ કોલિન મુનરો (14)ને આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે ચોથા સ્થાને મિશેલ સેન્ટનર બેટિંગ કરવા આવ્યો હતો. સેન્ટનર (9)ને ચહલે બોલ્ડ કરીને કીવીને ત્રીજો ઝટકો આપ્યો હતો. 

કોલિન ડી ગ્રાન્ડહોમ માટે આ સિરીઝ ખરાબ રહી છે. પ્રથમ મેચમાં શૂન્ય અને બીજી મેચમાં 3 રને આઉટ થનાર કોલિન ડી ગ્રાન્ડહોમ આજે માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. તેણે 12 બોલનો સામનો કર્યો હતો. 

ભારતની ઈનિંગ, રોહિતની અડધી સદી
ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શાનદાર શરૂઆત મેળવી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે પાવરપ્લેમાં 69 રન બનાવ્યા હતા. આ વચ્ચે રોહિત શર્માએ માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના ટી20 કરિયરની 20મી અડધી સદી હતી. રોહિત શર્મા 40 બોલમાં 65 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 

ભારતને પ્રથમ ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રાહુલને કોલિન ડી ગ્રાન્ડહોમે કોલિન મુનરોના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. રાહુલ 19 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી હતી.

શિવમ દુબે 3 રન નબાવી આઉટ થયો હતો. તેને કોહલીના સ્થાને ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ 96 રન સુધી ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી (38) અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલ શ્રેયસ અય્યર (17)એ ચોથી વિકેટ માટે 46 રન જોડીને ભારતને સ્થિરતા અપાવી હતી. અય્યર ટીમના 142ના સ્કોર પર ચોથી વિકેટના રૂપમાં જ્યારે કોહલી 160ના સ્કોર પર પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. કોહલીએ 27 બોલ પર બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

અંતમાં મનીષ પાંડેએ છ બોલ પર એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 14 અને જાડેજાએ પાંચ બોલ પર એક સિક્સની મદદથી અણનમ 10 રન નબાવીને ભારતને 179 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ભારતે અંતિમ ઓવરમાં 18 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે હામિશ બેનેટે પોતાની ચાર ઓવરમાં 54 રન આપીને ત્રણ તથા કોલિન ડી ગ્રાન્ડહોમ તથા મિશેલ સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news