ENG vs PAK Highlights: અંતિમ મેચમાં પણ પાકિસ્તાનનો કારમો પરાજય, ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ

England vs Pakistan: પાકિસ્તાનની ટીમ વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવાનું સપનું લઈને ઈંગ્લેન્ડ સામે ઉતરી હતી. પરંતુ કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં તેણે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે પાકિસ્તાનની સફર વિશ્વકપમાં સમાપ્ત થઈ ગઈ છે. 

ENG vs PAK Highlights: અંતિમ મેચમાં પણ પાકિસ્તાનનો કારમો પરાજય, ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ

કોલકત્તાઃ પાકિસ્તાને વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવાનું હતું. પરંતુ પાકિસ્તાનની ટીમ મેચમાં 287 રન બનાવી પણ શકી નહીં. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ પર 337 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની બેટિંગ ફ્લોપ રહી અને તેની ઈનિંગ 244 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાને 93 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. 

ઈંગ્લેન્ડના ત્રણ બેટરોની અડધી સદી
ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ (76 બોલમાં 84 રન), જોની બેયરસ્ટો (61 બોલમાં 59 રન) અને જો રૂટ (72 બોલમાં 60 રન) એ અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર હારિસ રઉફે 64 રનમાં ત્રણ જ્યારે શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમે બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે 6.4 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરવાનો હતો. તે સંભવ ન થઈ શક્યું પરંતુ પાકિસ્તાનની સાથે જીતની સાથે સફર સમાપ્ત કરવાની તક હતી, પરંતુ તે નિષ્ફળ રહી. 

અંતિમ 10 ઓવરમાં બનાવ્યા 97 રન
ઈંગ્લેન્ડનો સ્કોર 40 ઓવર બાદ બે વિકેટ પર 240 રન હતો. તેણે અંતિમ 10 ઓવરમાં 97 રન બનાવ્યા પરંતુ સાત વિકેટ પણ ગુમાવી હતી. શાહીને સ્ટોક્સને રિવર્સ સ્વિંગ પર બોલ્ડ કરી તેને સદી બનાવવા દીધી નહીં. તેણે જો રૂટની સાથે ત્રીજી વિકેટ માટે મહત્વપૂર્ણ 132 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા બેયરસ્ટો અને મલાન (31 રન) એ પ્રથમ વિકેટ માટે 82 રન જોડી ઈંગ્લેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. ઈંગ્લેન્ડ પાવરપ્લેમાં 72 રન બનાવવામાં સફળ રહ્યું હતું. મલાન આઉટ થતાં આ ભાગીદારી તૂટી હતી. જ્યારે જોસ બટલર 27 અને બ્રૂક 30 રન બનાવી આઉટ થયા હતા. 

પાકિસ્તાનની બેટિંગ રહી ફેલ
પાકિસ્તાનની બેટિંગમાં પણ શરૂઆત ખરાબ રહી હતી. પોતાની અંતિમ વનડે રમી રહેલા ડેવિડ વિલીએ બીજા બોલ પર અબ્દુલ્લા શફીકને આઉટ કર્યો હતો. જ્યારે ફખર ઝમાન 1 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન બાબર આઝમ (38) અને મોહમ્મદ રિઝવાન (36) રન બનાવી આઉટ થયા હતા. સાઉદ શકીલે 29 રનનું યોગદાન આપ્યું હતું. આગા સલમાન અડધી સદી ફટકારી આઉટ થયો હતો. આગા સલમાને 45 બોલમાં 51 રન ફટકાર્યા હતા.  

191 રન પર 9 વિકેટ પડ્યા બાદ મોહમ્મદ વસીમ જૂનિયર અને હારિસ રઉફે આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ 53 રનની ભાગીદારી કરી હતી. ટીમની ઈનિંગ 44મી ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે ડેવિડ વિલીએ 3, જ્યારે આદિલ રાશિદ અને મોઈન અલીએ બે-બે વિકેટ ઝડપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news