શેલ્ડન કોટરેલે બનાવ્યો World Cup ઈતિહાસનો અનોખો રેકોર્ડ, બંન્ને ઓપનરોને કર્યાં શૂન્ય પર આઉટ

વિશ્વ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ એક બોલરે એક ઓવરમાં સામેની ટીમના બંન્ને ઓપનરોને શૂન્ય પર આઉટ કરી દીધા હોય.

 શેલ્ડન કોટરેલે બનાવ્યો World Cup ઈતિહાસનો અનોખો રેકોર્ડ, બંન્ને ઓપનરોને કર્યાં શૂન્ય પર આઉટ

નવી દિલ્હીઃ ICC Cricket World Cup 2019 New Zealand vs West Indies Match: વિશ્વકપ 2019ની 29મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટૂર્નામેન્ટમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શેલ્ડન કોટરેલે ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેનોને પ્રથમ ઓવરમાં આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. 

આ મુકાબલામાં શેલ્ડન કોટરેલે ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને શૂન્ય પર LBW આઉટ કર્યો હતો. આ ઓવરમાં જ્યારે તેની સામે બીજો ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો આવ્યો તો કોટરેલે પ્રથમ બોલ પર તેને બોલ્ડ કરીને ઈતિહાસ રચી દીધો હતો. 

વિશ્વ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ એક બોલરે એક ઓવરમાં સામેની ટીમના બંન્ને ઓપનરોને શૂન્ય પર આઉટ કરી દીધા હોય. આ પહેલા 2015ના વિશ્વકપમાં અફઘાનિસ્તાનના બોલરોએ શ્રીલંકન ટીમના બંન્ને ઓપનિંગ બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કર્યાં હતા. પરંતુ બંન્ને બેટ્સમેનોને બે અલગ-અલગ બોલરોએ આઉટ કર્યાં હતા. 

જો વનડે ક્રિકેટની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ત્રણ વાર બંન્ને ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા છે. વર્ષ 2006મા ઝિમ્બાબ્વેના બંન્ને ઓપનિંગ બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શૂન્ય પર આઉટ થયા હતા. ફિડલ એડવર્ડ્ઝે ઝિમ્બાબ્વેના ઓપનિંગ બેટ્સમેન પેટ રિંકેને પ્રથમ ઓવરમાં અને બીજી ઓવરમાં ટેરી ડફિનને શૂન્ય પર આઉટ કર્યાં હતા. 

જ્યારે બંન્ને ઓપનર શૂન્ય પર થયા આઉટ

ઝિમ્બાબ્વે વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, જ્યોર્જ ટાઉન 2006

શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન, દુનેદિન 2015 વિશ્વકપ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, માનચેસ્ટર 2019 વિશ્વકપ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news