વિરાટ 60 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર, તોડ્યા અનેક રેકોર્ડ

વિરાટ કોહલીના 347 ઈન્ટરનેશનલ મેચોમાં 55.95ની એવરેજથી 18352 રન બનાવ્યા છે. તેમાં 60 સદી અને 85 અડધી સદી સામેલ છે. 

 વિરાટ 60 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર, તોડ્યા અનેક રેકોર્ડ

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં 140 રન ફટકાર્યા હતા. તેણે આ સદી ફટકારવાની સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ સાથે તે વિશ્વનો માત્ર પાંચમો બેટ્સમેન બની ગયો છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 60થી વધુ સદી ફટકારી છે. 29 વર્ષના વિરાટે વનડે ક્રિકેટમાં 36 અને ટેસ્ટમાં 24 સદી ફટકારી છે. ટી20 મેચોમાં તેના નામે 18 અડધી સદી નોંધાયેલી છે. 

ઈંન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં ચાર ક્રિકેટર સચિન તેંડુલકર (100), રિકી પોન્ટિંગ (71), કુમાર સાંગાકારા (63) અને જેક કાલિસ (62) જ વિરાટ કરતા આગળ છે. પરંતુ વિરાટ કોહલીએ ઓછી ઉંમરમાં આ ચારેય બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. વિરાટની ઉંમર અત્યારે 29 વર્ષની છે. જ્યારે સચિન, પોન્ટિંગ, સાંગાકારા અને કાલિસે જ્યારે કેરિયરની 60 સદી ફટકારી ત્યારે તેમની ઉંમર 32થી વધુ હતી. 

વિરાટની 56ની એવરેજ, બાકીનાની 50થી નીચે
વિરાટ કોહલીની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ એવરેજ 55.96 છે. વિરાટ સિવાય વિશ્વનો એકપણ ખેલાડી તેવો નથી, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 સદી ફટકારી હોય અને તેની એવરેજ 50ની હોય. વિરાટથી વધુ સદી ફટકારનાર ચાર બેટ્સમેનોની એવરેજ 50થી ઓછી છે. ત્રણેય ફોર્મેટમાં સચિનની એવરેજ 48.52 છે. પોન્ટિંગની 45.95, સાંગાકારાની 46.77, કાલિસની 49.10ની એવરેજથી રન બનાવ્યા છે. 

વિરાટે 204, સચિને 311 ઈનિંગમાં ફટકારી 36મી સદી
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં સદી ફટકારી હતી. આ તેના કેરિયરની 36મી સદી છે. વિરાટે 204 ઈનિંગમાં 36મી સદી ફટકારી હતી. જ્યારે સૌથી વધુ સદી ફટકારનાર સચિને 36 સદી બનાવવા માટે 311 ઈનિંગ રમી હતી. 

કેપ્ટન તરીકે ડિવિલિયર્સને છોડ્યો પાછળ, માત્ર પોન્ટિંગ આગળ
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 14મી સદી ફટકારી છે. આ સાથે તેણે એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો હતો. એબીએ કેપ્ટન તરીકે 103 મેચમાં 13 સદી ફટકારી હતી. આ મામલામાં વિશ્વ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે કેપ્ટન તરીકે 22 સદી ફટકારી છે. પોન્ટિંગે આ માટે 230 વનડે મેચ રમી હતી. જ્યારે કોહલીએ હજુ 53 મેચમાં આગેવાની કરી છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ
બેટ્સમેન                  સદી
સચિન તેંડુલકર         100
રિકી પોન્ટિંગ              71 
કુમાર સાંગાકારા         63
જેક કાલિસ                 62 
વિરાટ કોહલી             60
હાસિમ અમલા            54 
માહેલા જયવર્ધને       54
બ્રાયન લારા              53
રાહુલ દ્રવિડ              48
એબી ડિવિલિયર્સ       47
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news