અમારૂ ધ્યાન પ્રદર્શન પર, ભારત વિરુદ્ધ રેકોર્ડ બચાવવા પર નહિ: પેન


ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું કે, તેની ટીમનું ધ્યાન તે વાત પર છે કે, તે સિડની ટેસ્ટમાં ભારત વિરુદ્ધ પડકાર આપે ન કે ભારત વિરુદ્ધ પોતાનો રેકોર્ડ બચાવે. ભારતીય ટીમ સિડનીમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ટેસ્ટમાં કાંગારૂની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવા માટે ઉતરશે. 


 

અમારૂ ધ્યાન પ્રદર્શન પર, ભારત વિરુદ્ધ રેકોર્ડ બચાવવા પર નહિ: પેન

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને બુધવારે કહ્યું કે, તેની ટીમ ભારત વિરુદ્ધ પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવવાની આશંકાથી પરેશાન નથી અને અહીં ચોથી ટેસ્ટમાં તેનું ધ્યાન ટક્કર આપવા પર હશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી પરંતુ હાલની સિરીઝમાં પ્રવાસી ટીમ 2-1થી આગળ છે અને ઈતિહાસ રચવા માટે ગુરૂવારથી શરૂ થઈ રહેલા ટેસ્ટમાં વિરાટની ટીમને યજમાન વિરુદ્ધ માત્ર ડ્રોની જરૂર છે. પેને મેચ પૂર્વે પત્રકાર પરિષદમાં સ્વીકાર કર્યો, મારૂ ધ્યાન તેના પર છે કે, અમે અમારા પ્રદર્શનમાં સુધારો કરીએ અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ. અમે ગમે તે ટેસ્ટ રમ્યા તેમાં જીતવા ઈચ્છતા હતા. ક્યારેક-ક્યારેક આમ કરવું સંભવ થતું નથી. અમે અત્યારે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ વિરુદ્ધ રમી રહ્યાં છીએ જે સારૂ પ્રદર્શન કરી રહી છે. 

ઓસ્ટ્રેલિયાએ મોલબોર્નમાં ત્રીજી ટેસ્ટમાં 137 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, મેં સિરીઝ ગુમાવવા વિશે વધુ વિચાર્યું નથી. અલગ-અલગ ખેલાડીઓ પ્રેરણા માટે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરે છે. મારી પ્રેરણા તે નક્કી કરવાની છે કે, અમારા પ્રદર્શનમાં સુધારો થાય, અમે ટક્કર આપી શકીએ. પેને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાનો અનુભવ વગરનો બેટિંગ ક્રમ મેલબોર્નમાં નિષ્ફળ રહ્યો પરંતુ ધીરે ધીરે ખેલાડીઓ ભૂલમાંથી શીખી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાનો કોઈપણ બેટ્સમેન આ સિરીઝમાં સદી ફટકારી શક્યો નથી અને કેપ્ટનને આશા છે કે અંતિમ મેચમાં ટીમ તેની ભરપાઈ કરશે. 

ટિમ પેને કહ્યું, મેં પહેલા પણ કહ્યું હતું કે, અમે સતત કામ કરી રહ્યાં છીએ. મને લાગે છે કે, અમે સારૂ કરવાના સંકેત આપી રહ્યાં છીએ. પેને કહ્યું, મને લાગે છે કે, છેલ્લી ટેસ્ટમાં અમારા બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન ન કર્યું પરંતુ ઘણા ખેલાડીઓએ સારી શરૂઆત કરી જે દર્શાવે છે કે અમે આ સ્તર પર સફળ થઈ શકીએ. તેથી આ ટેસ્ટમાં અમારૂ મુખ્ય ધ્યાન બેટિંગ પર હશે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરનો પ્રતિબંધ માર્ચમાં પૂરો થઈ રહ્યો છે. કેપ્ટન પેને સીધો તેનો ઉલ્લેખ ન કર્યો પરંતુ ટીમમાં અનુભવની વાત કરી હી. 

તેણે કહ્યું, અમને ખ્યાલ છે કે, સદી ફટકાર્યા વિના અમે તમામ મેચ જીતી શકીશું નહીં અને અમે આ વિશે વાત પણ કરી છે. અમે સુધારને લઈને ઉત્સુક છીએ. પેને કહ્યું, સારી વાત છે કે થોડા મેચ બાદ કેટલાક વિશ્વ સ્તરીય બેટ્સમેન ઉપલબ્ધ થશે અને અમારી પાસે કેટલાક યુવા ખેલાડીઓ પણ છે. આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે શાનદાર હશે. પેને તે સૂચનને નકાર્યું કે, તે અંતિમ ટેસ્ટમાં બેટિંગ ક્રમમાં ઉપર જઈ શકે છે. 

ઓસ્ટ્રેલિયા પિચ જોયા બાદ લેગ સ્પિનર ઓલરાઉન્ડર માર્નસ લાબુશેનને પર્દાપણની તક આપી શકે છે. પેને કહ્યું, મને લાગે છે કે, અમારા કેટલાક બેટ્સમેન આ સમાચાર (અશ્વિન લગભગ નહીં રમે) સાંભળીને ખુશ હશે. પરંતુ અમને ખ્યાલ છે કે, તેની પાસે બીજા સ્પિનર છે, કુલદીય યુવા છે પરંતુ પ્રતિભાવાન છે અને જાડેજાએ મેલબોર્નમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. તેણે કહ્યું, અમે આજે એકવાર ફરી વિકેટને જોશું અને સંભાવના છે કે, બપોર સુધીમાં નિર્ણય કરશું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news