IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ICC ઈવેન્ટમાં 20 વર્ષથી નથી જીત્યું ભારત, કાલે ધર્મશાલામાં થશે ટક્કર

IND vs NZ: આઈસીસી વિશ્વકપમાં રવિવારે જોરદાર ટક્કર જોવા મળશે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહેલી ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાશે. બંને ટીમ ચાર-ચાર મેચ જીતીને ધર્મશાલા પહોંચી ચુકી છે. 

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ICC ઈવેન્ટમાં 20 વર્ષથી નથી જીત્યું ભારત, કાલે ધર્મશાલામાં થશે ટક્કર

ધર્મશાલાઃ આઈસીસી વિશ્વકપ 2023માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો ધર્મશાલાના મેદાનમાં આમને-સામને હશે. ભારત અને ન્યૂઝીલેન્ડ ટૂર્નામેન્ટમાં જીતના રથ પર સવાર છે. બંને ટીમો પોત-પોતાની ચાર-ચાર મેચ જીતી છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને પરાજય આપ્યો છે. તો ન્યૂઝીલેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે. ક્રિકેટ ફેન્સની નજર તે વાત પર છે કે ધર્મશાલામાં કઈ ટીમ મેદાન મારશે? ચાલો બંને ટીમોના વનડે હેડ-ટૂ-હેડથી લઈને આઈસીસી મેચના આંકડા વિશે જાણીએ. 

ભારતનો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈસીસી મેચોમાં રેકોર્ડ સારો રહ્યો નથી. ન્યૂઝીલેન્ડે આઈસીસી ઈવેન્ટમાં ભારતને 10 વખત પરાજય આપ્યો છે. તો ભારતીય ટીમ કીવી સામે માત્ર ત્રણવાર જીત મેળવી શકી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લા 20 વર્ષથી ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી ઈવેન્ટમાં મેચ જીતી નથી. ભારતે આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને છેલ્લે 2003ના વિશ્વકપમાં હરાવ્યું હતું. ભારતે ત્યારે સૌરવ ગાંગુલીની આગેવાનીમાં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડે ત્યારબાદ ભારતને ટી20 વિશ્વકપ 2007 અને ટી20 વિશ્વકપ 2016 સહિત વનડે વિશ્વકપ 2019ના સેમીફાઈનલમાં પરાજય આપ્યો હતો. ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2021 અને ટી20 વિશ્વકપ 2021માં પણ ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કર્યો હતો. શું રોહિત બ્રિગેડ આઈસીસી ઈવેન્ટમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા કલંકને મિટાવવામાં સફળ થશે?

આમ તો ભારતનું ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં પલ્ડું ભારે છે. બંને ટીમો વચ્ચે કુલ 116 વનડે મુકાબલા રમાયા છે. ભારતે આ દરમિયાન 58 અને ન્યૂઝીલેન્ડે 50 જીત પોતાના નામે કરી છે. સાત મેચનું પરિણામ આવ્યું નથી. એક મેચ ટાઈ રહી હતી. ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરમાં 29 મેચમાં જીત મેળવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ જાન્યુઆરી-2023માં આમને-સામને આવી હતી. ત્યારે ભારતે ઘર પર ત્રણ મેચની વનડે સિરીઝમાં કીવી ટીમને હરાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ સિરીઝમાં એક સદી  ફટકારી હતી. જ્યારે ગિલે એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news