ઉ.કોરિયામાં મહિલા સૈનિકોનું નરક જેવું જીવન, જાણીને રૂવાંડા ઊભા થઈ જશે

 મહિલા સૈનિકો સાથે રેપની વાત એ અહીં સામાન્ય ગણાય છે.

ઉ.કોરિયામાં મહિલા સૈનિકોનું નરક જેવું જીવન, જાણીને રૂવાંડા ઊભા થઈ જશે

નવી દિલ્હી:  નોર્થ કોરિયા ભલે પરમાણુ હથિયારો અને સેનાના દમ પર સમગ્ર દુનિયાને પડકાર ફેંકીને એક મહાશક્તિ હોવાનો દાવો કરતું હોય, અહીંની સેનાને દુનિયાની ચોથી સૌથી મોટી સેના તરીકે દર્શાવાય છે પરંતુ અંદરની હકિકત તો કઈંક અલગ જ છે. નોર્થ કોરિયાની સેનાની હાલત ખરાબ છે. અહીંના સૈનિકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ અહીંની મહિલા સૈનિકોએ નરક જેવું જીવન જીવતા તમામ યાતનાઓ સહન કરવી પડે છે. મહિલાઓનું એ હદે શોષણ થાય છે કે તેમના માસિક પીરિયર્ડ્સ પણ ક્યારેક તો રોકાઈ જાય છે. મહિલા સૈનિકો સાથે રેપની વાત એ અહીં સામાન્ય ગણાય છે. 

એક પૂર્વ મહિલા સૈનિકે પોતાનું દુ:ખ વર્ણવતા કહ્યું કે મહિલા સૈનિકોનું ખુબ શોષણ થાય છે. સેનામાં તેમની પર દુષ્કર્મ થાય છે પરિણામ એ થાય છે કે મહિલાઓનાં માસિક ચક્ર અકાળે જ બંધ થઈ જાય છે. સૈનિક અધિકારી તેમનું છાશવારે શોષણ કરતા રહે છે. તેમને રહેવા માટે ખુબ સાંકડી જગ્યા આપવામાં આવે છે. ખાવા માટે પણ બસ એક જ સમયનું ભોજન મળે છે. 

વિભિન્ન મીડિયા હાઉસ દ્વારા આવતા અહેવાલો મુજબ નોર્થ કોરિયામાંથી સૈનિકો જીવ બચાવીને દક્ષિણ કોરિયા કે અન્ય દેશોમાં શરણ લઈ રહ્યાં છે. આવામાં એક પૂર્વ મહિલા સૈનિક લી સો યોને જણાવ્યું કે તે નોર્થ કોરિયાની સેનામાં 10 વર્ષ રહી. 17 વર્ષની લી સો યોન સેનામાં ભરતી થઈ હતી. તેણે જણાવ્યું કે તેના ઘરના અનેક સભ્યો સેનામાં હતાં, જેમને જોઈને તે પણ સેનામાં જોડાઈ હતી. 1990ની વાત હશે, જ્યારે તેણે સેના જોઈન કરી હતી. તે સમયે તેને અને તેના સાથીઓને એક સમયનું ભોજન આપવામાં આવતું હતું. રહેવા માટે એક નાનો રૂમ હતો. જેમાં તે અન્ય 10-12 મહિલાઓ સૈનિકો સાથે રહેતી હતી. સામાન રાખવા માટે એક નાની રેક હતી. રેક ઉપર નોર્થ કોરિયાના શાસકોના ફોટા લગાવેલા રહેતા હતાં. 

લી સો યોને જણાવ્યું કે આખો દિવસ ખુબ કામ કરાવવામાં આવતું હતું. સૈનિકો માટે ભોજન બનાવવાનું અને સફાઈ કરવાનું કામ મહિલાઓએ કરવાના રહેતા હતાં. પીવા માટે ગંદુ પાણી મળતું હતું. રાતે સોવા માટે ચોખાના ભૂસાવાળા ગાદલા આપવામાં આવતા. જેમાંથી દુર્ગંધ આવતી રહેતી. પોતાની વાત રજુ કરતી વખતે પૂર્વ મહિલા સૈનિકના મોં પર ડર સ્પષ્ટપણે દેખાતો હતો. તેણે જણાવ્યું કે મહિલાઓ પાસે મજુરો જેવું કામ કરાવવામાં આવતું. તેમની ઉપર વારંવાર હિંસા અને રેપ પણ કરાતો હતો. સેનામાં મહિલાઓની હાલત એટલી ખરાબ હતી કે પીરિયડ્સ દરમિયાન તેમણે ઉપયોગમાં લેવાયેલા સેનેટરી નેપ્કિન ફરીથી વપરાશમાં લેવા પડતા હતાં. 

કુપોષણના કારણે મહિલાઓના પીરિયર્ડ્સ અકાળે બંધ થઈ જતા હતાં. આમ થવા પર મહિલાઓ હાશકારો અનુભવતી હતી કારણ કે તેમણે દર મહિને ભોગવવી પડતી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળતો હતો. લીએ જણાવ્યું કે માત્ર છ મહિનાની નોકરી બાદ જ તેના પીરિયર્ડ્સ બંધ થઈ ગયા હતાં. તેણે જણાવ્યું કે 10 વર્ષની નોકરીમાં તે ક્યારેય બરાબર ન્હાઈ શકી નથી. કારણ કે તેમને ન્હાવા માટે બરફનું ઠંડુ પાણી મળતું જે સીધુ પહાડોમાંથી આવતું. આ પાણીમાં સાંપ અને દેડકા પણ આવતા હતાં. 

લી સો યોને જણાવ્યું કે હંમેશા એવું બનતું કે તેમના અધિકારી મહિલા સૈનિકોને પોતાના રૂમમાં બોલાવીને તેમનો બળાત્કાર કરતા હતાં. તેણે જણાવ્યું કે શોષણથી કંટાળીને તેણે બે વાર સેનામાંથી ભાગવાની કોશિશ કરી હતી. એકવાર તે પકડાઈ ગઈ અને એક વર્ષ માટે જેલ થઈ. બીજી કોશિશમાં તે સફળ થઈ. આખી રાત તરીને તેણે એક નદી પાર કરી અને ગમે તે રીતે ચીન પહોંચી.

આ હાલ અહીં મહિલાઓના જ નહીં પરંતુ પુરુષ સૈનિકોના પણ છે. અહીંના પુરુષ સૈનિકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. સૈનિકો સેના છોડીને ભાગી રહ્યાં છે. ગત અઠવાડિયે જ ઉત્તર કોરિયાની સેનાથી ભાગીને દક્ષિણ કોરિયા આવેલા એક જવાનને બચાવાયો. જ્યારે અન્ય બેને નોર્થ કોરિયાએ ગોળી મારી દીધી હતી. બચાવાયેલા સૈનિકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા સૈનિકના આંતરડામાંથી 11 ઈંચ લાંબો ગોળ કૃમિ સહિત અનેક પરજીવી નિકળ્યાં જે કુપોષણની નિશાની છે. 

અત્રે જણાવવાનું કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ એક ક્રુર શાસક તરીકે જાણીતા છે. તેઓ પોતાના દુશ્મનો સાથે એટલી ક્રુરતા આચરીને સજા આપે છે કે જોવાનું તો દૂર રહ્યું પરંતુ સજા અંગે જાણીને પણ લોકોના રૂવાંડા ઊભા થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news