હવે આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ બન્યા હિંસાનો ભોગ, ભારતીય દૂતાવાસે બહાર પાડી એડવાઈઝરી

કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે. ભારત અને પાકિસ્તાને શનિવારે વિદ્યાર્થીઓને 'ઘરની અંદર' રહેવાની સલાહ આપી છે. 

હવે આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ બન્યા હિંસાનો ભોગ, ભારતીય દૂતાવાસે બહાર પાડી એડવાઈઝરી

કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે. ભારત અને પકિસ્તાને શનિવારે વિદ્યાર્થીઓને 'ઘરની અંદર' રહેવાની સલાહ આપી છે. કિર્ગીસ્તાનમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને સ્થિતિને શાંત ગણાવી છે. દૂતાવાસે કહ્યું કે "અમે આપણા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. સ્થિતિ હાલ શાંત છે પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાલ ઘરની અંદર જ રહે અને કોઈ પણ સમસ્યા હોય તો દૂતાવાસનો સંપર્ક કરે. અમારો 24×7 સંપર્ક નંબર 0555710041 છે."

આ બધા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને વિદ્યાર્થીઓને દૂતાવાસ સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર નજર રાખવામાં આવી છે. એવું કહેવાય છે કે સ્થિતિ હવે શાંત છે. વિદ્યાર્થીઓને દૂતાવાસની સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ.  

— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024

કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની એમ્બેસીએ શનિવારે સોશિયલ મીડિયામાં લખ્યું કે કાલ સાંજથી બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભીડની હિંસાની અનેક ઘટનાઓ ઘટી છે. કિર્ગિઝ પ્રેસ મુજબ 13 મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઈજિપ્તના મેડિકલ સ્ટુડન્ટ વચ્ચે થયેલી લડાઈનો વીડિયો ઓનલાઈન શેર થવાથી મામલો કાલે ગરમાઈ ગયો. પાકિસ્તાની એમ્બેસીના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં, બિશ્કેકમાં મેડિકલ યુનિવર્સિટીની કેટલીક હોસ્ટેલ અને પાકિસ્તાનીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ઘરો પર હુમલો કરાયો છે. હોસ્ટેલમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ રહે છે. 

— Pakistan Embassy Kyrgyzstan (@PakinKyrgyzstan) May 18, 2024

પાકિસ્તાની એમ્બેસીએ કહ્યું કે, અનેક પાકિસ્તાની વિદ્યાર્થીઓને હળવી ઈજાઓ થઈ હોવાના સમાચાર છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓના કથિત મોત અને બળાત્કાર સંલગ્ન સોશિયલ મીડિયા પોસ્ટ છતાં અમને કોઈ કન્ફર્મ રિપોર્ટ મળ્યો નથી. ત્યારબાદ થોડા સમય પછી પાકિસ્તાની દૂતાવાસે જાણકારી આપી કે કિર્ગિઝ સરકારે પુષ્ટિ કરી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિરુદ્ધ હાલમાં થયેલી હિંસામાં કોઈ પાકિસ્તાની વિદ્યાર્થીનું મોત થયું નથી. આ ઉપરાંત કિર્ગિઝ આંતરિક મામલાઓના મંત્રાલયે પણ પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરીને કહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. 

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે બિશ્કેકમાં પાકિસ્તાની સ્ટુડન્ટ્સની સુરક્ષાને લઈને ચિંતા જાહેર કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી કે, કિર્ગિસ્તાનના બિશ્કેકમાં પાકિસ્તાની સ્ટુડન્ટ્સની સુરક્ષાને લઈને હું ખુબ ચિંતિત છું. દૂતાવાસને સ્ટુડન્ટ્સની દરેક પ્રકારે મદદ કરવાનો આદેશ અપાયો છે. મારી ઓફિસ દૂતાવાસના સંપર્કમાં છે અને સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news