US સાથે આ 'નવા યુદ્ધ' માટે ચીન એકદમ તૈયાર, કહ્યું-'કોઈ પણ સંજોગોમાં અંત સુધી લડીશું'

ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે અમેરિકા દ્વારા ચીની સામાન પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાના ઘટનાક્રમ પર નિવેદન આપતા કહ્યું કે ચીન કોઈ પણ પ્રકારના વ્યાપાર યુદ્ધમાં અંત સુધી લડશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે ચીન અમેરિકાને સચેત નિર્ણય લેવાનો આગ્રહ કરશે.
US સાથે આ 'નવા યુદ્ધ' માટે ચીન એકદમ તૈયાર, કહ્યું-'કોઈ પણ સંજોગોમાં અંત સુધી લડીશું'

બેઈજિંગ: ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે અમેરિકા દ્વારા ચીની સામાન પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાના ઘટનાક્રમ પર નિવેદન આપતા કહ્યું કે ચીન કોઈ પણ પ્રકારના વ્યાપાર યુદ્ધમાં અંત સુધી લડશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે ચીન અમેરિકાને સચેત નિર્ણય લેવાનો આગ્રહ કરશે.

અમેરિકામાં ચીનના રોકાણ ઉપર પણ મર્યાદા
સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ કારોબારી સમૂહો અને વિશેષજ્ઞો તરફથી સખત ચેતવણીઓ બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીની સામાનોની આયાત પર 60 અબજ ડોલર સુધીનો ટેક્સ લગાવવા સંબંધી મેમો પર હસ્તાક્ષર કરી દીધા. આ સાથે જ અમેરિકામાં ચીનના રોકાણ ઉપર પણ મર્યાદા લગાવી દીધી. વ્હાઈટ હાઉસના વ્યાપાર સલાહકારે પત્રકારોને જણાવ્યું કે આ જવાબી કાર્યવાહી ચીનને ભારે પડી શકે છે. જેના જવાબમાં હુઆએ કહ્યું કે આ ટિપ્પણીઓથી માલુમ પડે છે કે ચીનના પોતાના કાયદેસર અધિકારો અને હિતોની રક્ષા કરવા માટેની અમારી ક્ષમતાને ઓછી આંકવામાં આવી છે.

ટ્રમ્પે ચીનથી આયાત સામાન પર 60 અબજ ડોલર ટેક્સ લગાવ્યો
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્વારે 23 માર્ચના રોજ ચીનથી આયાત પર 60 અબજ ડોલરનો ટેરિફ લગાવ્યો. તેમણે અમેરિકાની બૌદ્ધિક 'સંપત્તિ'ને અનુચિત રીતે જપ્ત કરવા મામલે ચીનને પાઠ ભણાવવા માટે આ પગલું લીધું. અમેરિકી રાષ્ટ્રપતિના આ  પગલાથી બંને દેશો વચ્ચે જારી તણાવ વધવાની આશંકા છે. બૌદ્ધિક સંપત્તિની ચોરીના મામલાની સાત માસની તપાસ બાદ ટ્રમ્પે અમેરિકી વ્યાપાર પ્રતિનિધિને ચીનથી આયાત પર 60 અબજ ડોલરનો ટેરિફ લાગુ કરવાનું કહ્યું. ટ્રમ્પે કહ્યું કે 'અમારે બૌદ્ધિક સંપત્તિની ચોરીની મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે અમને વધુ મજબુત, અધિક સંપન્ન દેશ બનાવશે.'

વિશ્વ વ્યાપાર સંગઠન અને અમેરિકી મહેસૂલ વિભાગ પણ ચીન વિરુદ્ધ ઉઠાવશે પગલાં
આ ટેક્સ ઉપરાંત અમેરિકાએ ચીન પર નવા રોકાણ પ્રતિબંધ લગાવવાની પણ યોજના બનાવી છે. આ સાથે જ વિશ્વ વ્યાપાર સંગઠન અને મહેસૂલ વિભાગ પણ ચીન સામે પગલાં ભરશે. ટ્રમ્પે ગુરુવારે 1974ના વ્યાપાર અધિનિયમની કલમ 301નો હવાલો આપીને એક મેમો પર હસ્તાક્ષર કર્યાં.

ચીને અમેરિકાને આપી ચેતવણી
આ અગાઉ ચીને રવિવાર 4 માર્ચના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું હતું કે જો વોશિંગ્ટન વ્યાપારિક યુદ્ધ (ટ્રેડ વોર) શરૂ કરશે તો તેણે તેના પરિણામ ભોગવવા પડશે. ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રવક્તા જેંગ યેસ્યૂઈએ એક પ્રેસવાર્તામાં કહ્યું હતું કે ચીન અમેરિકા સાથે ટ્રેડ વોર ઈચ્છતુ નથી, પરંતુ પોતાના હિતોને નુક્સાન પહોંચાડનારા પગલાં પર ચીન ચૂપ બેસશે નહીં અને જરૂરી પગલાં લેશે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ જેંગે વોશિંગ્ટનને ચેતવણી આપતા કહ્યું હતું કે ખોટા નિર્ણયો અને ખોટી ધારણાઓ પર આધારીત નીતિઓ સંબંધોને નુકસાન પહોંચાડશે અને તેના એવા પરિણામ આવશે જેને બંને પક્ષો જોવા માંગતા નથી.

ચીનની આ પ્રતિક્રિયા ગુરુવારે એક ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પની જાહેરાત બાદ આવી હતી. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમનું પ્રશાસન સ્ટીલની આયાત પર 25 ટકા અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવશે. આ સાથે જ તેમણે વ્યાપાર યુદ્ધને યોગ્ય ગણાવ્યું હતું.

અમેરિકા-ચીનનો કુલ વ્યાપાર 580 અબજ ડોલર પહોંચ્યો હતો
જેંગે કહ્યું કે 2017માં બે આર્થિક શક્તિઓ વચ્ચેનો કુલ વ્યાપાર 580 અબજ ડોલરે પહોંચ્યો હતો. આથી એ સ્વાભાવિક છે કે કેટલોક ટકરાવ થાય. જો કે તેમણે ભારપૂર્વક કહ્યું કે સહયોગ જ આ મતભેદોને દૂર કરવાનો એકમાત્ર રસ્તો છે. તેમણે ચીનના ટોચના આર્થિક સલાહકાર લિયુ હી ના આ સપ્તાહ વોશિંગ્ટન પ્રવાસનું ઉદાહરણ આપ્યું. લિયુ અમેરિકાના સરકારી અધિકારીઓ સાથે બેઠક કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news