ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાય

Onion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાય

Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી આજુબાજુના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. જેનું ખાસ કારણ છે તે ડુંગળીનો દેશી અને મીઠો સ્વાદ. આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ ઉનાળા માટે શ્રેષ્ઠ છે. તેમજ ખાસ કરીને ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં વિશેષ થાય છે. આ ગામમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર શરૂ છે. ગામમાં દર વર્ષે સરેરાશ 150 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ડુંગળીની સીઝનમાં આખા ગામમાંથી 15 હજારથી 20000 ટન જેટલી ડુંગળીનું ઉત્પાદન ગામમાંથી થાય છે. 

આ ડુંગળી ખાવાથી પેટમાં બળતરા નથી થતી 
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં વર્ષોથી ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. જેમાં ગામની 150 થી 200 વીઘા જમીનમાં દર વર્ષે ડુંગળીનું વાવેતર થાય છે. જેમાં પ્રતિ પાક સારો હોય તો 200 થી 250 મણ ડુંગળીનું ઉત્પાદન એક વીઘામાંથી લઈ શકાય છે. અહીં થતી ડુંગળી દેશી ડુંગળી ગણાય છે. જેની ખાસિયત તેનું મીઠો સ્વાદ છે. આ ડુંગળી કાઠીયાવાડી ડુંગળી કરતા અલગ એ પ્રકારે છે, કારણ કે કાઠીયાવાડી ડુંગળી તીખી હોય છે. અને આ ડુંગળી સ્વાદે મીઠી હોય છે જે ખાવાથી પેટમાં બળતરા થતી નથી અને ઉનાળામાં આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 

અહીંની ડુંગળી ફટાફટ વેચાઈ જાય છે
અહીંના સ્થાનિક ખેડૂતો જણાવે છે કે જાન્યુઆરી માસમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે અને મે માસ આવે સુધી આનું વેચાણ શરૂ થઈ જાય છે. બ્રાહ્મણ વાળા ગામના ખેડૂતો પોતાના ગામના બાર જ ઊંઝા પાલનપુર હાઇવે ઉપર ટ્રેક્ટર લઈને ડુંગળીનું વેચાણ રિટેલ તેમજ હોલસેલ કરતા હોય છે અને અનેક જિલ્લાઓમાંથી લોકો બ્રહ્મણવાડાની ડુંગળી લેવા આવે છે.

અહીંના ડુંગળીની ભારે ડિમાન્ડ છે 
બ્રાહ્મણવાડા ગામના એક ખેડૂત વિજયભાઈ પટેલ જણાવે છે કે ડુંગળીની ખેતીની શરૂઆત તેમના દાદા પર દાદાના સમયેથી કરવામાં આવી હતી. સમયાંતરે બીજા ખેડૂતોને પણ આ ડુંગળીનો વાવેતર માફક આવતા ગામના લગભગ દરેક ખેડૂત ડુંગળીની ખેતી કરવા લાગ્યા. અત્યારે ગામમાં 100 થી વધારે ખેડૂતો ડુંગળીના વાવેતર સાથે જોડાયેલા છે આ વર્ષે ડુંગળીના ભાવ ઉચકાયેલા જોવા મળે છે અને ખેડૂતોને સાડા ત્રણસોથી સાડા ચારસો જેટલો ભાવ પ્રતિ 20 કિલોનો ડુંગળીનો મળી રહ્યો છે. અને આ ભાવ હજુ પણ ઉંચકાય તેવી આશાઓ ખેડૂતો સેવી રહ્યા છે. વધુમાં ખેડૂત જણાવે છે કે અહીંની ડુંગળી આજુબાજુના દરેક ગામમાં જાય છે અને બીજા જિલ્લાઓ જેવા કે સુરત, બનાસકાંઠા, અમદાવાદ ,ગાંધીનગર, પાટણમાં પણ આ ડુંગળીનું વેચાણ થતું હોય છે. ડુંગળીની સિઝનમાં આખા ગામમાંથી 15 હજારથી 20000 ટન જેટલી ડુંગળીનું ઉત્પાદન ગામમાંથી થતું હશે.

સારી ડુંગળી માટે જમીન કારણભૂત
જમીન કાળી હોવાથી ડુંગળીનું ઉત્પાદન સારું થાય છે. મહેસાણા, અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરા સુધી લોકો અહીંથી ડુંગળી લઈ જાય છે. આ વિસ્તારની જમીન કાળી હોવાથી ડુંગળીને સારી માફક આવે છે. ગામમાં 100 થી 1500 ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે. ડુંગળીનું ઉત્પાદન થતા અંદાજે પાંચ માસનો સમય લાગે છે. ગત વર્ષે અહિયાની ડુંગળી 350 રૂપિયે મણ આપતા હતા. જોકે આ સાલ પાક સારો અને ઉત્પાદન સારું મળ્યું છે, ભાવ પણ સારો મળ્યો છે. હાલમાં 450 રૂપિયે મણ ડુંગળી વેચાય છે. ગઈ સાલ વરસાદમાં આ પંથકમાં ડુંગળીનો બગાડ વધુ થયો હતો, જેથી આ સાલ ઉત્પાદન ઓછું હોવાથી ભાવ સારો મળી રહ્યો છે. 

આ સાલ આ વિસ્તારમાં અંદાજે 150 વિઘામા ડુંગળીનું વાવેતર થયું છે. અહીંયા ઉગતી ડુંગળી ખાવામાં સારી હોય છે, ગળચટ્ટી અને મીઠાશવાળી હોય છે. જેના કારણે અહીંની ડુંગળી પ્રખ્યાત છે. નવરાત્રી દરમિયાન ડુંગળી ઉગાડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે, જેમાં રોપણી બાદ એપ્રિલ મહિનામાં ડુંગળી કાઢી તેનું વેચાણ કરીયે છીએ. ડુંગળી ઉગાડવામાં વીધે 50 હજાર નો ખર્ચ પડે છે. સામે ઉત્પાદન સારું મળે છે. આ વિસ્તારમાં 50 થી 100 ટન ડુંગળી નીકળતી હશે. સૌરાષ્ટ્રની ડુંગળી ખાવામાં તીખાશ વાળી હોય છે ત્યારે મહેસાણા બાજુ ઉગતી ડુંગળી ગળચટ્ટી હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news