વાઈબ્રન્ટ સમિટના ઉદ્યોગપતિઓના લિસ્ટમાંથી ગાયબ થયા અનિલ અંબાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 5 રાષ્ટ્રોના પ્રમુખ ઉપરાંત વિવિધ દેશોના ટોચના ઉદ્યોગપતિઓ સહિત 125 મહાનુભાવો એક મંચ પર ઉપસ્થિત રહેશે. પરંતુ આ સાથે આંખે ઉડીને વળગે એવી વાત એ છે કે વાઈબ્રન્ટ સમિટની ઉ્દ્યોગપતિની આ યાદીમાં અનિલ અંબાણીનું નામ નથી.
Trending Photos
ગુજરાત : 18 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવાની છે. વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 5 રાષ્ટ્રોના પ્રમુખ ઉપરાંત વિવિધ દેશોના ટોચના ઉદ્યોગપતિઓ સહિત 125 મહાનુભાવો એક મંચ પર ઉપસ્થિત રહેશે. પરંતુ આ સાથે આંખે ઉડીને વળગે એવી વાત એ છે કે વાઈબ્રન્ટ સમિટની ઉ્દ્યોગપતિની આ યાદીમાં અનિલ અંબાણીનું નામ નથી. ચર્ચા એવી છે કે રાફેલ વિવાદને લઈને તેમનું નામ યાદીમાં રાખવામાં આવ્યું નથી. આ અંગે મુખ્યમંત્રીને પૂછવામાં આવતા તેમણે પણ મૌન સેવ્યું હતું.
ગુજરાત આંગણે યોજાતી વાઈબ્રન્ટ સમિટમાં હંમેશા અંબાણી બંધુઓ દેખાતા હોય છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સમિટમાં નિયમિત હાજરી આપતા હોય છે. પરંતુ હાલ વાઈબ્રન્ટ સમિટમાં ક્યાંય અનિલ અંબાણીના નામનો ઉલ્લેખ કરાયો નથી. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રાફેલ ડીલના વિવાદને કારણે અનિલ અંબાણીના નામની બાદબાકી કરવામાં આવી છે.
કયા કયા દિગ્ગજો રહેશે હાજર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રૂપના અદિ ગોદરેજ, સુઝલોન એનર્જિના તુલસી તંતી, કેડીલા હેલ્થકેરના પંકજ પટેલ, ટોરન્ટ ગ્રૂપના સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી, કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક, કેડિલા ફાર્માસ્યુટિકલસ્સના રાજીવ મોદી, આઈટીસી લિમિટેડના એમડી સંજીવ પુરી, સીઆઈઆઈના પ્રેસિડન્ટ રાકેશ ભારતી મિત્તલ, એફઆઈસીસીઆઈના પ્રેસિડન્ટ સંદીપ સોમાની, વેલસ્પન લિમિટેડના ચેરમેન બી.કે.ગોયેન્કા, એચડીએફસીના ચેરમેન દીપક પારેખ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર, ઓએનજીસીના શશી શંકર, આઈઓસીએલના સંજીવ સિંહ
ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટ 2019ને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી. મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો સહિતના વિસ્તારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા SPGને સોંપી દેવામાં આવી છે. ગાંધીનગર-અમદાવાદમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. આ માટે 23 - એસપી/ડીસીપી, 64 - એસીપી/ડીવાયએસપી, 179 - પીઆઇ, 419 - પીએસઆઈ, 3000 જેટલા પોલીસ જવાનો, 280 ટ્રાફિક જવાનો, 68 કમાન્ડો, 5 SRP ટુકડીઓ, BDDS ટિમ, અશ્વ દળ, ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વાઇબ્રન્ટ બંદોબસ્તમાં ગોઠવાઈ છે.
એરપોર્ટ પર પણ બંદોબસ્ત
વાઇબ્રન્ટ ગુજરાતને લઈ બંદોબસ્તમાં 150 થી વધુ અધિકારી એરપોર્ટ પર તૈનાત રહેશે. 1400 થી વધુ જવાનોને VVIP અને વાઇબ્રન્ટમાં આવનાર ગેસ્ટની વ્યવસ્થા માટે તૈનાત રખાયા છે. અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ 24 કલાક બંદોબસ્ત રહેશે. ખાનગી ડ્રેસ કોડમાં પોલીસકર્મીઓને પણ રાખવામાં આવશે. મુખ્ય રસ્તા અને ટોલ નાકા પર ટ્રાફિકને પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે . BDDS ટિમ અને કમાન્ડોની ટીમ પણ તૈનાત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે