અર્થવ્યવસ્થાના મોરચા પર ઝટકો, ફિચે વિકાસદરનું અનુમાન ઘટાડીને 5.5% કર્યું

અર્થવ્યવસ્થાના મોરચા પર સરકાર માટે ગુરૂવારે વધુ એક ઝટકો આપનાર સમાચાર આવ્યા છે. રેટિંગ એજન્સી ફિચે આ નાણાકિય વર્ષ 2019-20 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમા વધારાના અનુમાનને ઘટાડીને માત્ર 5.5 ટકા કરી દીધું છે. 
 

અર્થવ્યવસ્થાના મોરચા પર ઝટકો, ફિચે વિકાસદરનું અનુમાન ઘટાડીને 5.5% કર્યું

નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાના મોરચા પર સરકાર માટે ગુરૂવારે વધુ એક ઝટકો આપનાર સમાચાર આવ્યા છે. રેટિંગ એજન્સી ફિચે આ નાણાકિય વર્ષ 2019-20 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમા વધારાના અનુમાનને ઘટાડીને માત્ર 5.5 ટકા કરી દીધું છે. ફિચે કહ્યું કે, બેન્કોના લોન વિતરણમાં ભારે ઘટાડો આવવાને કારણે વિકાસદર છ વર્ષના નિચલા સ્તર પર પહોંચી શકે છે. 

આ ગ્રોથ અનુમાનમાં મોટો ઘટાડો છે, કારણ કે આ પહેલા જૂનમાં ફિચે નાણાકિય વર્ષ માટે જીડીપીમાં 6.6 ટકાના દરે વધારો થવાનું અનુમાન જારી કર્યું હતું. 

આગળ શું થશે
ફિચે કહ્યું કે, હાલમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા જેવા પગલા ભર્યા છે, તેની અસર અર્થવ્યવસ્થા પર ધીમે-ધીમે આગળ થશે. ઉલ્લેખનીય છે કે આ રિઝર્વ બેન્કના અનુમાન કરતા પણ ઓછો છે, જેણે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, આ નાણાકિય વર્ષમાં જીડીપીમાં 6.1 ટકાના દરે વિકાસ થઈ શકે છે. 

ફિચે કહ્યું કે, સરકારના આ પગલાનો ફાયદો આગામી નાણાકિય વર્ષ (2020-21) મા જોવા મળી શકે છે, જ્યારે જીડીપીમાં વિકાસદર 6.2 ટકા હોઈ શકે છે. આગામી વર્ષ એટલે કે 2021-22મા જીડીપી ગ્રોથ 6.7 ટકા હોઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થવ્યવસ્થા એપ્રિલ-જૂનમાં સતત પાંચમાં ક્વાર્ટરમાં મંદીમાં રહી છે, જ્યારે જીડીપી દર માત્ર 5 ટકા રહ્યો છે. આ વર્ષે 2013 બાદ સૌથી ઓછો વિકાસદર છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં જીડીપીમાં 8 ટકાનો વિકાસ થયો હતો. 

શું કહ્યું ફિચે
ફિચે પોતાના રિપોર્ટમાં કહ્યું, 'નબળાઇ વ્યાપક રીતે દેખાઈ રહી છે, ઘરેલૂ ખર્ચ અને બહારની માગ બંન્નેમાં ગતિ ધીમી પડી રહી છે. નોન બેંકિંગ નાણાકીય કંપનીઓમાં સંકટને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં લોનનું વિતરણ ખુબ સંકોચાય રહ્યું છે.'

આ પહેલા ઓક્ટોબરમાં જ મૂડીઝે ઇન્વેસ્ટર્સ સર્વિસે પણ 2019-20મા જીડીપી વિકાસનું અનુમાન ઘટાડીને 5.8 ટકા કરી દીધું હતું. આ પહેલા મૂડીઝે જીડીપીમાં 6.2 ટકાના દરે વિકાસ થવાનું અનુમાન જારી કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news