RIP Dilip Kumar: દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, રાજકીય સન્માન સાથે આપવામાં આવી અંતિમ વિદાય

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન સાથે હિન્દી સિનેમાના એક યુગનો અંત આવી ગયો છે. દિલીપ કુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. 

RIP Dilip Kumar: દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, રાજકીય સન્માન સાથે આપવામાં આવી અંતિમ વિદાય

મુંબઈઃ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આપણી વચ્ચે રહ્યા નથી. 98 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી હિન્દી સિનેમાના એક યુગનો અંત થઈ ગયો છે. બુધવારે સવારે આશરે 7.30 કલાકે દિલીપ કુમારનું હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 

દિલીપ કુમારના નિધન બાદ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. લોકો સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા માટે અનેક અભિનેતાઓ અને રાજનેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા. દિલીપ કુમારને મુંબઈના જૂહુ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. દિલીપ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપેલા નિર્દેશો પ્રમાણે દિલીપ કુમારની અંતિમ યાત્રા રાજકીય સન્માન સાથે થઈ છે. સામે આવેલી અંતિમ યાત્રાની તસવીરોમાં દિલીપ કુમારનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટવામાં આવ્યું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. 

11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા યુસૂફ ખાન ઉર્ફે દિલીપ કુમાર પોતાના માતા-પિતાના 13 સંતાનોમાંથી ત્રીજા સંતાન હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પુણે અને દેવલાલીમાંથી મેળવ્યું. તેના પછી તે પોતાના પિતા ગુલામ સરવર ખાનના ફળોના વેપારમાં મદદ કરવા લાગ્યા. થોડાક સમય પછી ફળના વેપારમાં મન ન લાગતાં દિલીપ કુમારે આ કામ છોડી દીધું અને પુણેમાં કેન્ટીન ચલાવવા લાગ્યા. વર્ષ 1943માં તેમની મુલાકાત બોમ્બે ટોકીઝના સંચાલક દેવિકા રાની સાથે થઈ. જેમણે તેમની પ્રતિભાને ઓળખીને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. પહેલા તો દિલીપ કુમારે આ વાતને હળવાશથી લીધી. પરંતુ કેન્ટીનના ધંધામાં મજા ન આવતાં તેમણે દેવિકા રાનીને મળવાનો નિર્ણય કર્યો. 

આ પ્રકારે શરૂ થઈ હતી દિલીપ કુમારની ફિલ્મી કારકિર્દીની શરૂઆત:
દેવિકા રાનીએ યુસૂફ ખાનને સૂચન કર્યું તે જો તે પોતાનું ફિલ્મી નામ બદલે તો તે પોતાની નવી ફિલ્મ જ્વાર-ભાટામાં અભિનેતા તરીકે કામ આપી શકે છે. દેવિકા રાનીએ યુસૂફ ખાનને વાસુદેવ, જહાંગીર અને દિલીપ કુમારમાંથી એક નામ પસંદ કરવા કહ્યુ. વર્ષ 1944માં જ્વાર-ભાટાથી અભિનેતા તરીકે દિલીપ કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. ફિલ્મ જ્વાર-ભાટાની નિષ્ફળતા પછી દિલીપ કુમારે પ્રતિમા જુગનુ, અનોખા પ્યાર, નૌકા ડૂબી જેવી કેટલીક બી ગ્રેડ અને સી ગ્રેડની ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. પરંતુ આ ફિલ્મોથી તેમને કંઈ ખાસ ફાયદો થયો નહીં. ચાર વર્ષ સુધી માયાનગરી મુંબઈમાં સંઘર્ષ કર્યા પછી 1948માં ફિલ્મ મેલાની સફળતા પછી દિલીપ કુમાર અભિનેતા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news