ઘૃણા, વિશ્વાસઘાત, ક્ષમાદાનનો સમન્વય અને ઇશાન ખટ્ટરની ગ્રાન્ડ ડેબ્યૂ મૂવી એટલે બિયોન્ડ ધ ક્લાઉડ્સ..

પરિસ્થિતિઓમાં જકડાયેલાં માણસે લેવા પડતાં લાચારીભર્યા નિર્ણય અને સ્વજનને બચાવવા જતાં સંજોગો એવી પરિસ્થિતિનું નિર્માણ કરે કે સ્વજનના જ ગુનેગારની કાળજી લેવી પડે અને એ ગુનેગારના જ સ્વજન સાથે સમય આત્મીયતા કેળવાવે એવી સંઘર્ષમય ગાથામાં માનવીય સંવેદનાઓનું સરળ નિરૂપણ અને આ ધરતીના છેક પેલે છેડે વસતા એક ફિલ્મમેકરની કલમ અને કલાનો છેક બોલિવૂડ સાથે થયેલો સમન્વય એટલે બિયોન્ડ ધ ક્લાઉડ્સ.

ઘૃણા, વિશ્વાસઘાત, ક્ષમાદાનનો સમન્વય અને ઇશાન ખટ્ટરની ગ્રાન્ડ ડેબ્યૂ મૂવી એટલે બિયોન્ડ ધ ક્લાઉડ્સ..

મુફદ્દલ કપાસી/ અમદાવાદ: પરિસ્થિતિઓમાં જકડાયેલાં માણસે લેવા પડતાં લાચારીભર્યા નિર્ણય અને સ્વજનને બચાવવા જતાં સંજોગો એવી પરિસ્થિતિનું નિર્માણ કરે કે સ્વજનના જ ગુનેગારની કાળજી લેવી પડે અને એ ગુનેગારના જ સ્વજન સાથે સમય આત્મીયતા કેળવાવે એવી સંઘર્ષમય ગાથામાં માનવીય સંવેદનાઓનું સરળ નિરૂપણ અને આ ધરતીના છેક પેલે છેડે વસતા એક ફિલ્મમેકરની કલમ અને કલાનો છેક બોલિવૂડ સાથે થયેલો સમન્વય એટલે બિયોન્ડ ધ ક્લાઉડ્સ.

વાર્તા કોઇ ટ્વીસ્ટ-ટર્ન વિના સીધી સરળ છે. વાર્તાના કથાનકમાં ક્યાંય કોઇ બહુ ગુઢ વાતો ગુંથેલી કે સમાવેલી નથી. નસીબના માર્યા ભાઈ-બહેનની જિંદગીમાં ઘટતી શ્રેણીબદ્ધ ટાળી ન શકાય એવી ઘટનાઓ વચ્ચેય માનવીય સંવેદનાઓ જીવતી છે અને જીવતી જ રહેશે એવી સીધી વાત કહેવાનો અહી પ્રયાસ છે. એક નામી ઈરાનિયન ફિલ્મમેકર છેક ભારતમાં આવીને પોતાની લખેલી કથાવાર્તા પરથી ફિલ્મ બનાવે અને એ માટે લીડ કેરેક્ટરમાં જો ઇશાન ખટ્ટરને પસંદ કરે તો ત્યાં જ ઇશાનની એક્ટિંગ સ્કીલ અડધી મપાય જાય છે. ઇશાન એકપણ દ્રશ્યમાં પોતાની ડેબ્યૂ ફિલ્મમાં અભિનય કરતો હોય એવું લાગતું નથી. ક્યાંય નહી. જાણે વર્ષોથી અભિનય જ તેનો અનુભવ છે એ હદે તે સ્ક્રીન પર આત્મવિશ્વાસથી ભરપૂર અને સરળ દેખાય છે.

100 મીટરની રેસમાં જ્યારે દોડવીર ઉસેન બૉલ્ટ હોય તો પછી તેની પાસે ગોલ્ડથી ઓછું કંઈ ન ખપે..સિનેમાના આંતરરાષ્ટ્રીય ફલક પર જેની જોળી તમગાઓથી ભરેલી છે તેવા ઇરાનિયન ફિલ્મ મેકર માજીદ મજીદી મુંબઇમાં યોજાયેલાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં આવ્યાં અને પછી અચાનક તેમણે નક્કી કર્યું પોતાની જ લખેલી વાર્તા પરથી મૂવી બિયોન્ડ ધ ક્લાઉડ્સ બનાવવાનું..દરેક દ્રશ્ય જેમણે ભજવવાનું છે તેમને સમજાવવા માટે જ્યાં માજીદ મજીદીને અનુવાદકની જરૂર પડતી હોય તેમ છતાં સ્ક્રીન પર તમને ક્યાંય એવો અનુભવ નથી થતો કે આ સમજની બહાર છે. સોંગ્સ ઓફ સ્પેરો અને ચિલ્ડ્રન ઓફ હેવન જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂવીઝ બનાવવાનો અનુભવ ધરાવતા માજીદની આ મૂવીમાં દયા, ક્ષમા અને વિશ્વાસઘાતની એક પછી એક ઘટનાઓ બને છે. માજીદનું સ્ટોરી ટેલિંગ જરાય અટપટું નથી. પરિસ્થિતિઓના આધારે અસ્તિત્વમાં આવેલાં સંબંધો પણ કેટલાં ગુઢ હોય શકે તે પણ અહી ભાવનાત્મક રીતે દર્શાવાયું છે.

અભિનયનો સમૃદ્ધ વારસો પોતાના જીન્સમાં જ લઇને જન્મેલો ઇશાન ખટ્ટર ભારતીય સિનેમાના આકાશમાં ચળકવા સજ્જ તારલા જેવો દેખાય છે તો બીજી તરફ આમીરની બહેન બનતી સાઉથની માલવિકા મોહનનનું પણ અહી ડેબ્યૂ છે. જો કે માલવિકા કેટલાંક દ્રશ્યોને બાદ કરતાં ઈશાન જેટલી મજબૂત નથી જણાતી. તનિષ્ઠા ચેટરજી જેવી પ્રતિભાશાળી અભિનેત્રીને માત્ર નામ પૂરતી લેવાઇ છે. તનિષ્ઠા પણ આટલાં ટૂંકા પાત્ર શા માટે સ્વીકારે છે એ નવાઇ પમાડતો સવાલ છે. જેમના ફાળે સંવાદો ખાસ નથી પણ દ્રશ્યો ઘણાં આવ્યાં છે એ ગૌતમ ઘોષનો પણ દમદાર અભિનય છે..ગૌતમ બંગાળના જાણીતા ફિલ્મમેકર છે. સંગીતકાર એ.આર.રહેમાન ખાસ કોઇ અસર છોડતા હોય એવું લાગ્યું નહી.

માજીદની મૂળ પાત્રને બદલે તેના પડછાયા દેખાડવાની અને ઓછું બોલીને વધુ સમજાવવાની રીત પસંદ પડે એવી છે. બાળપાત્ર પાસેથી ઉત્કૃષ્ટ કામ લેવાની તેમની કળા અહી પણ દ્રશ્યમાન છે. ટૂંકમાં માજીદ મજીદી જેવા આંતરરાષ્ટ્રીય લેખક-સર્જકનું સુકાન હોવા છતાંય માજીદ માટે નહી પણ ઈશાનના પ્રોમિસિંગ અભિનય માટે બિયોન્ડ.જોઈ શકાય. અને હા આ વીકેન્ડ એન્ટરટેઇનર તો બિલકૂલ નથી. પણ જો તમે સિનેમાના એક સરળ સર્જનને સિનેમેટિક લેંગ્વેજમાં જ માણવા માગતા હોવ તો જરૂર ટ્રાય મારી શકો છો.

 

Film: Beyond the clouds
Rating:7/10

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news