#Me Too : હવે હુમા કુરેશીના ભાઈ સાકિબે જણાવી આપવીતી, 'હું 21 વર્ષનો હતો ત્યારે...'

એક વ્યક્તિએ સાકિબ 21 વર્ષનો હતો ત્યારે એક વ્યક્તિએ તેની સાથે ખોટું વર્તન કર્યું હતું 

#Me Too : હવે હુમા કુરેશીના ભાઈ સાકિબે જણાવી આપવીતી, 'હું 21 વર્ષનો હતો ત્યારે...'

નવી દિલ્હીઃ #Me Too કેમ્પેઈન અંતર્ગત પોતાની સાથે થયેલા જાતીય શોષણની ઘટનાઓને સોશિયલ મીડિયા પર જાહેર કરનારી મહિલાઓ બાદ હવે પુરુષો પણ તેમની ઘટનાઓ જાહેર કરવા લાગ્યા છે. થોડા દિવસ અગાઉ સૈફ અલીએ જાહેર કર્યું હતું, હવે હુમા કુરેશીનો ભાઈ અને બોલિવૂડ અભિનેતા સાકિબ સલીમે પણ તેના જાતીય શોષણની ઘટનાની આપવીતી સંભળાવી છે. સલમાન સાથે ફિલ્મ 'રેસ-3'માં જોવા મળેલા સાકિબે જણાવ્યું કે, તેની સાથે પણ એક વ્યક્તિએ ખોટું વર્તન કર્યું હતું. 

એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રી હુમા કુરેશીના ભાઈ સાકિબે #Me Too લહેર અંગે જણાવ્યું કે, આ લડાઈ કોઈ જાતિ (પુરુષ-સ્ત્રી)ની નથી, પરંતુ તેમની છે જેમનું કામકાજના સ્થળે જાતીય શોષણ થયું છે.

શું તમે પણ જાતીય શોષણનો ભોગ બન્યા છો એવા સવાલના જવાબમાં સાકિબે જણાવ્યું કે, "હા, હું નામ જાહેર કરવા માગતો નથી, પરંતુ એક અભિનેતા તરીકે જ્યારે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે હું માત્ર 21 વર્ષનો હતો. એ દરમિયાન ઈન્ડસ્ટ્રીના એક વ્યક્તિએ મારી પેન્ટમાં પોતાનો હાથ નાખવાનો પ્રયાસ કર્યો હતો."

30 વર્ષીય અભિનેતાએ એ દુખદ ઘટના યાદ કરતા જણાવ્યું કે, "આ જાતીય હુમલા દરમિયાન એ વ્યક્તિને મેં જોરથી ધક્કો માર્યો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો." 

સાકિબે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મેં તેની કામુક્તા પ્રત્યે નહીં પરંતુ તેના કૃત્યનો જવાબ આપ્યો હતો. હું 21 વર્ષનો હતો એટલે થોડો ડરી પણ ગયો હતો, પરંતુ પછી ત્યાં ઊભા રહેવાને બદલે નિકળી જવાનું મુનાસિબ જાણ્યું હતું. 

સાકિબે વધુમાં જણાવ્યું કે, "મારો પણ એક સમલૈંગિક(ગે) મિત્ર છે. તે મારો સૌથી અંગત મિત્ર છે, પરંતુ આજ સુધી મેં તેની જાતીયતા અંગે સવાલ પુછ્યો નથી, કેમ કે એ તેની અંગત બાબત છે." હું જાણું છું કે, અનેક લોકો કામકાજના સ્થળે આવા ઉત્પીડનનો ભોગ બન્યા હશે. 

સાકિબે #Me Too અભિયાનમાં આગળ આવેલી મહિલાઓ અંગે જણાવ્યું કે, "મહિલાઓએ જાતીય શોષણના શિકારીઓ સામે દૃઢતાપૂર્વક લડવું જોઈએ. જ્યારે એક પુરુષ તરીકે મને એ બાબતથી ઘૃણા પેદા થઈ છે તો મહિલાઓએ કેવી રીતે સહન કર્યું હશે. દરેક યૌન અપરાધીને તેની સજા જરૂર મળવી જોઈએ."

સૈફ અલીએ પણ સ્વિકાર્યું હતું
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ #Me Too અભિયાન શરૂ થયા બાદ સૈફ અલીખાને પણ જણાવ્યું હતું કે, 25 વર્ષની વયનો હતો ત્યારે મારી સાથે પણ આ પ્રકારનો જ એક દુર્વ્યવહાર થયો હતો, જેને હું આજ સુધી ભુલી શક્યો નથી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news