મેમનગરમાં માતા પુત્રીના મૃત્યુ કેસમાં નવો વળાંક, પરિવારજનોએ આત્મહત્યાનો આક્ષેપ કરતા ખળભળાટ

અમદાવાદનાં મેમનગર વિસ્તારમાં નયના ફ્લેટમાં નિર્મળાબેન ઠકોર તેની 12 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. બુધવારની સાંજે માતા પુત્રી ધાબા પર પતંગ ઉડાડવા ગયા હતા અને ત્યાંથી નીચે પટકાયા હતા.

મેમનગરમાં માતા પુત્રીના મૃત્યુ કેસમાં નવો વળાંક, પરિવારજનોએ આત્મહત્યાનો આક્ષેપ કરતા ખળભળાટ

ઉદય રંજન/અમદાવાદ: મેમનગર વિસ્તારમાં એકલા રહેતા માતા પુત્રી ધાબા પર પતંગ ચગાવવા ગયા હતા. ત્યાંથી નીચે પટકાતા મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જોકે મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે માતા પુત્રી પતંગ ઉડાડતી સમયે નીચે પટકાયા નથી પણ પતિના ત્રાસને કારણે આપઘાત કર્યો છે. સમગ્ર મામલે પોલીસ મહિલાના પતિ અને ભાઈઓના નિવેદનને આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદનાં મેમનગર વિસ્તારમાં નયના ફ્લેટમાં નિર્મળાબેન ઠકોર તેની 12 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. બુધવારની સાંજે માતા પુત્રી ધાબા પર પતંગ ઉડાડવા ગયા હતા અને ત્યાંથી નીચે પટકાયા હતા. જોકે મૃતક નિર્મળાબેનના પરિવારજનો જણાવી રહ્યા છે કે નિર્મળાબેન આત્મહત્યા કરી છે. નિર્મળાબેન તેના પતિથી છેલ્લા છ મહિનાથી અલગ રહે છે અને ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પતિ સાથે ઝગડાઓ થતા હતા. જેથી સાસરિયાઓ અન્ય જગ્યાએ રહે છે. થોડા દિવસો બાદ બંને છૂટાછેડા પણ લેવાનું નક્કી કર્યું હતું. નિર્મળાબેન જે ફ્લેટમાં રહે છે તે નિર્મળાબેનના નામે જ છે. જેથી ફ્લેટ માટે તેનો પતિ તેને હેરાન કરતો હોવાનો પણ આક્ષેપ મૃતક મહિલાના ભાઈએ લગાવ્યો છે.

જોકે બુધવારે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનું કારણ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે નિર્મળાબેન માનસિક સ્થિતિ સારી ન હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. જોકે પોલીસ પણ હાલ તો નિર્મળાબેન અને તેની પુત્રીના મોતને લઇને પતિ અને ભાઈઓના નિવેદનને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઇને મૃતક મહિલાના ભાઈઓ દ્વારા પોલીસને યોગ્ય તપાસની માંગ કરી છે. આ ઉપરાંત મહિલા જે ફ્લેટમાં રહેતી હતી તેના દસ્તાવેજ પણ મહિલાના પતિ પાસે હોવાથી તેનો પતિ બારોબાર ફ્લેટ વેંચી નાખશે તેવી પણ શંકા વ્યક્ત કરી છે. હાલ તો પોલીસ નિવેદનોના આધારે તપાસ કરી રહી છે પણ પોલીસ તપાસમાં હકીકત શું સામે આવે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news