પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયલા પ્રેમીએ યુવતીને ફૂટ ઓવર બ્રીજ પરથી માર્યો ધક્કો, સારવાર દરમિયાન મોત

નવસારીમાં પ્રેમ સંબંધમાં એક યુવતીની હત્યા થઈ છે. યુવતીએ પ્રેમ સંબંધ અને લગ્ન કરવાની ના પાડતા યુવક ઉશ્કેરાયો હતો. ત્યારબાદ તેને રેલવે ફૂટ ઓવરબ્રિજ પર લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતીને ધક્કો માર્યો હતો. 

પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયલા પ્રેમીએ યુવતીને ફૂટ ઓવર બ્રીજ પરથી માર્યો ધક્કો, સારવાર દરમિયાન મોત

નવસારીઃ નવસારીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરતા યુવકે પોતાની પ્રેમીકાનો ફૂટ ઓવર બ્રીજ પરથી ધક્કો મારી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર જલાલપોર તાલુકાના ડાલકી ગામે રહેતી 20 વર્ષીય રોઝીના ઇમરાન પઠાણ અને તેના જ ગામમાં રહેતા બાસીત અબ્દુલ મલેક સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા થોડા સમયથી રોઝીનાએ બાસીત સાથે બોલવાનું બંધ કર્યું હતું અને તેની સાથેના તમામ સંબંધોને તોડીને આગળ વધવા માંગતી હતી. દરમિયાન ગત 3 ઓકટોબર, 2023 ના રોજ બપોરના સમયે બાસીત મરોલી સ્થિત કસ્તુરબા આશ્રમમાં સીવણ ક્લાસમાં તાલીમ અર્થે ગયેલી રોઝીના પાસે પહોંચ્યો હતો. જ્યાંથી રોઝીનાને જબરદસ્તી તેની સાથે આવવા મજબૂર કરી હતી અને પોતાની બાઈક પર બેસાડી મરોલી રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. 

જ્યાંથી બંને પ્રેમી પંખીડા વાત કરતા કરતા રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રીજ ઉપર પહોંચી ગયા હતા. જ્યાં બાસીતે રોઝીનાને સંબંધ કેમ નથી રાખવો અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યુ હતું. બાસીતના દબાણ અને ઝઘડાને વચ્ચે તેણે રોઝીનાનો હાથ પકડીને તેને પોતાની પાસે ખેંચી રહ્યો હતો. પણ રોઝીનાએ તેનાથી દૂર જવાનો પ્રયાસ કરતા બાસીત મલેકે તેને ધક્કો માર્યો હતો. જેમાં રોઝીના ઓવર બ્રીજના દાદર પર થઈને નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેની જાણ થતા જ રોઝીનાના પિતા ઇમરાન પઠાણે ઘટના સ્થળે પહોંચી, દીકરીને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી. જ્યાં સારવાર દરમિયાન રોઝીનાનું મોત નિપજ્યું હતું. 

સમગ્ર મુદ્દે મરોલી પોલીસે અગાઉ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જેમાં હત્યાની ધારા ઉમેરી આરોપી પ્રેમી બાસીત મલેકની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news