રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના, પિતાના મિત્રો જ નિકળ્યાં આરોપી

રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર આચરી હત્યા કરી દીધી છે. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ ભોગ બનેલી બાળકીના પિતાના મિત્રો જ હતા. 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના, પિતાના મિત્રો જ નિકળ્યાં આરોપી

ગૌરવ દવે, રાજકોટઃ  રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. શહેરનાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકીની શનિવારે ભક્તિનગર રેલવે સ્ટેશનનાં યાર્ડમાંથી લાશ મળી હતી. બાળકીનાં પિતાના ત્રણ મિત્રોએ જ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્રણેય નરાધમોએ બાળકીને અવાવરું સ્થળે લઇ જઇ વારાફરતી દુષ્કર્મ આચર્યા બાદ પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગેંગરેપ અને હત્યાની કલમો હેઠળ ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે

પોલીસ ઝડપેલા આરોપીઓનાં નામ છે મિતલેશકુમાર ઉર્ફે કાણીયો રામાનારાયણ દાસ, ભરત કેશુ મીણા અને અમરેશ ઉર્ફે બ્રિજેશ શંભુ કુલદીપ. આ ત્રણેય શખ્સો પર આરોપ છે 8 વર્ષની બાળકીનું અપહરણ કરી રેપ વિથ મર્ડર કરવાનો. 6 ઓક્ટોબરનાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઇ સોનીએ બાળકીનાં અપહરણની ગુમસુદા નોંધ કરાવી હતી. જોકે 7 ઓક્ટોબરનાં ભક્તિનગર રેલવે સ્ટેશનનાં કોટયાર્ડની અવાવરૂ જગ્યામાંથી નિવસ્ત્ર લાશ મળી આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ કમિશ્નર સહિતનો કાફલો દોડી ગયો હતો અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. રાજકોટ પોલીસે 48 કલાક બાદ હત્યાના કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને ત્રણેય નરાધમો ભક્તિનગર રેલવે સ્ટેશનનાં કોટયાર્ડમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને કોઇને કહી દેશે તેવા ડરમાં બાળકીને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે પોલીસે વિરમગામ, રાજસ્થાન અને રાજકોટમાંથી ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા. હાલ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ અપહરણ, હત્યા અને ગેંગરેપની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દેશી દારૂના નશામાં ઘટનાને આપ્યો અંજામ..
પોલીસનાં કહેવા મુજબ, મૃતક બાળકીનાં પિતા જગદીશ સોનીને દારૂનો નશો કરવાની કુટેવ હતી અને તેની પાડોશમાં રહેતા મિતલેશ, ભરત અને અમરેશ સાથે અવારનવાર દારૂની મહેફિલ માણતો હતો. બિહારનાં મુજ્જફરાબાદનો વતની મિતલેશ ઉર્ફે કાણીયો દાસ, રાજસ્થાનનાં ઉદયપુરનો ભરત મીણા અને ગોંડા ઉત્તરપ્રદેશનો અમરેશ કુલદીપ રાજકોટમાં રહી મજૂરી કામ કરતા હતા અને ત્રણેય પરિણીત છે. ત્રણેયની પત્ની વતનમાં છે. ત્રણેય શખ્સ જ્યારે જગદીશ સોની સાથે દારૂ પીવા બેસતા ત્યારે જગદીશની સાથે રહેતી તેની 8 વર્ષની માસૂમ પુત્રી પુર નજર બગાડી હતી. શુક્રવારે રાત્રે મિતલેશ માસૂમ આકાંક્ષાને નાસ્તાની લાલચ આપી ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેના અવાવરું સ્થળે લઇ ગયો હતો અને ત્યાં અન્ય બે આરોપી અગાઉથી હાજર હતા. ત્રણેય શખ્સે બાળકી ઉઠાવીને અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા અને વારા ફરતે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર જાતીય હુમલો કર્યા બાદ બાળકી જીવિત રહેશે અને ઘરે જઇ તેના પિતાને વાત કરી દેશે તેવો ભય લાગતા પથ્થરના ઘા ઝીંકી બાળકીને પતાવી દીધી હતી

બાળકીને શોધવામાં પણ 3 શખ્સ સાથે રહ્યા’તા, લાશ મળતા નાસી ગયા હતા
અપહરણ થયા બાદ વિસ્તારના તમામ લોકો બાળકીની શોધવામાં લાગ્યા હતા. બીજા દિવસે પોલીસ સ્ટેશને પણ અનેક લોકો પહોંચ્યા હતા. પરંતુ બપોરે બાળકીની લાશ મળી ત્યારે મૃતકના પિતા જગદીશ સોનીની સાથે રહેતા તેના ત્રણ મિત્ર મિતલેશ, ભરત અને અમરેશ ભેદી રીતે ગુમ થઇ ગયા હતા. આ ત્રણેય શખ્સે બાળકીની શોધખોળ વખતે અને પોલીસ સ્ટેશને પણ સાથે જ ગયા હતા. પરંતુ ત્યારબાદ તે લાપતા થઇ જતાં તેના પર શંકા ઉપજી હતી. અને અંતે ભાંડો ફૂટી ગયો હતો. હાલ પોલીસે ત્રણેય શખ્સોને દબોચી લીધા છે અને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. પરંતુ દારૂનાં નશામાં રહેવાની લતને કારણે એક પિતાએ પોતાની 8 વર્ષની માસુમ ફુલ જેવી બાળકી ગુમાવી છે. ત્યારે સમાજ માટે પણ આ કિસ્સો લાલ બતી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news