સ્પાની આડમાં નકલી નોટ છાપવાનું ષડયંત્ર, આણંદ એસઓજીએ બે ભાઈઓની કરી ધરપકડ

શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે 100 ફુટના રોડ ઉપર આવેલા ઈન્દિરા ગાંધીના સ્ટેચ્યુ પાસે આવેલા શિવ શરણમ કોમ્પલેક્ષની દુકાન નંબર 103માં ચાલી રહેલા ક્રિસ્ટલ સ્પામાં ભારતીય ચલણની બનાવટી નોટો છાપવામાં આવે છે. 

સ્પાની આડમાં નકલી નોટ છાપવાનું ષડયંત્ર, આણંદ એસઓજીએ બે ભાઈઓની કરી ધરપકડ

બુરહાન પઠાણ, આણંદઃ આણંદ એસઓજી પોલીસે આજે 100 ફુટના રોડ ઉપર આવેલા શિવ શરણમ કોમ્પલેક્ષમાં કાર્યરત ક્રિસ્ટલ સ્પામાં છાપો મારીને ભારતીય ચલણના 100ના દરની બનાવટી નોટો છાપીને બજારમાં ફરતી કરી દઈ ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના એક ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બે સગા ભાઈઓને 1226 બનાવટી નોટો સાથે ઝડપી પાડીને આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે 100 ફુટના રોડ ઉપર આવેલા ઈન્દિરા ગાંધીના સ્ટેચ્યુ પાસે આવેલા શિવ શરણમ કોમ્પલેક્ષની દુકાન નંબર 103માં ચાલી રહેલા ક્રિસ્ટલ સ્પામાં ભારતીય ચલણની બનાવટી નોટો છાપવામાં આવે છે. જેને લઈને એસઓજી પોલીસે છાપો મારીને સ્પામાં તપાસ કરતા ટેબલના ડ્રોવરમાંથી 100ના દરની 1226 નોટો મળી આવી હતી. જેને બેંકના અધિકારીઓ દ્વારા ખાતરી તપાસ કરાવતા તે તમામ નોટો બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતુ.

એસઓજી પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા બન્ને ભાઈઓ મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગોકળપરા ગામના છે, ત્યાંથી તેઓ સુરત અને ત્યાંથી આણંદ નજીક આવેલા બાકરોલ ગેટ પાસેની સોસાયટીમાં રહેતા અને સ્પા સેન્ટર ચલાવતા હતા. સ્પાની આડમાં બન્ને ભાઈઓ છેલ્લા બે, ત્રણ મહિનાથી 100ના દરની બનાવટી નોટો છાપવાનું કામકાજ કરતા હતા. અત્યાર સુધી 6 થી 10 જેટલી નોટો જ બજારમાં ફરતી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

એસઓજી પોલીસે તપાસ હાથ ધરતાં બન્ને ભાઈઓ સ્પાની આડમાં કોમ્પ્યુટરમાં ફોટોશોપમાં ભારતીય ચલણની જુની 100ની નોટો બનાવીને બાદમાં કલર પ્રીન્ટર ઉપર કાગળ મુકીને કાઢતા હતા. દરરોજ 8 થી 10 જેટલી જ નોટો બનાવતા હતા અને ત્યારબાદ તેનો ઉપયોગ બજારમાં વસ્તુઓ ખરીદી કરવા માટે કરવામાં આવતો હતો. આવી જ એક નોટ તેમને ત્યાં કામ કરતા વ્યક્તિ મારફતે બજારમાં ફરતી થતાં જ પોલીસના ધ્યાને આ વાત આવી હતી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધર્યા બાદ સ્પામાં છાપો મારીને સમગ્ર રેકેટ ઉજાગર ક્યું હતુ.

આણંદ પોલીસે ક્રિસ્ટલ સ્પા ચલાવતા પિયુષ પરસોત્તમભાઈ વઘાસીયા અને આશીષ પરસોત્તમભાઈ વઘાસીયાને ઝડપી પાડીને વધુ તપાસ કરતા સ્પામાંથી એક કોમ્પ્યુટર તેમજ પ્રીન્ટર, બનાવટી નોટો છાપવાનો કલર, કાગળ વગેરે વસ્તુઓ મળી આવી હતી. પોલીસે બે મોબાઈલ સહિત કુલ 33610નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news