CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભામાં ઈ-વિધાન એપની મેળવી તાલીમ, હવે ગૃહમાં થશે પેપરલેસ કાર્યવાહી

ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી.NEVA મારફતે વિધાનસભા ગૃહની કાર્યવાહી સંલગ્ન વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તેની મુખ્યમંત્રીએ બારીકાઇથી જાણકારી મેળવી 

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભામાં ઈ-વિધાન એપની મેળવી તાલીમ, હવે ગૃહમાં થશે પેપરલેસ કાર્યવાહી

ઝી બ્યુરો/ગાંધીનગર: 'વન નેશન વન એપ્લિકેશન'ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરવા તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા.13મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ યોજવા ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યના તમામ ધારાસભ્યોશ્રીઓ માટે તાલીમ વર્કશોપ ચાલી રહ્યો છે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી હતી. 

મુખ્યમંત્રીએ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન થકી થનાર અલગ અલગ કામગીરીની બારીકાઇથી માહિતી મેળવી હતી. ઉપરાંત આ એપ્લિકેશન મારફતે વિધાનસભા કાર્યવાહી સંલગ્ન એલ.એ.ક્યુ સહિતની વિવિધ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની જાણકારી મેળવી હતી. રાજ્યની વિધાનસભાને પેપરલેસ બનાવવાની સમગ્ર પ્રક્રિયા ઝડપથી થઇ શકે તે માટે રાજ્ય સરકારનો ખુબ સારો સહયોગ મળ્યો છે. 

અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યુ કે, નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે તમામ ધારાસભ્યશ્રીઓને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. 

એટલુ જ નહિ, વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યશ્રીઓ પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી પૂરી શકશે. આ પ્રસંગે વિધાનસભાના સભ્યઓ તથા સચિવ તેમજ વિધાનસભાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news