જૂના ટીવી એકઠા કરીને લોકડાઉન બાદ શિક્ષણથી વંચિત રહેલ ગીર નેસડાના બાળકોને ભણાવાયા

જૂના ટીવી એકઠા કરીને લોકડાઉન બાદ શિક્ષણથી વંચિત રહેલ ગીર નેસડાના બાળકોને ભણાવાયા
  • ટીમ સોરઠ દ્વારા જુના ટીવી એકત્ર કરી DTH માં આવતી વંદે ગુજરાત અને DD ગિરનારના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું
  • નેસડામાં વસતા માલધારી સમાજના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તેના માટે DTH ના માધ્યમથી TV દ્વારા શિક્ષણ કાર્યની અનોખી પહેલ શરૂ કરી

ભાવિન ત્રિવેદી/ભાવનગર :ગીર જંગલના નેસડા એટલે પ્રાથમિક સુવિધાઓ પણ ન મેળવતો વિસ્તાર, આવામાં શિક્ષણ ક્યાંથી મળે. ત્યારે નેસમાં વસતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી વંચિત ના રહે તે માટે જંગલમાં શિક્ષણને પહોંચાડવાનું ભગીરથ કાર્ય જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ઉપાડાયું છે. આ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

કોવિડ 19 ના સમયમાં સૌથી વધુ શિક્ષણ કાર્ય પ્રભાવીત થયું છે. આવામાં શહેરોમાં ભૌતિક સુવિધાને કારણે ઓનલાઇન શિક્ષણ મળી રહે છે. ત્યારે ગીરના જંગલ વિસ્તારમાં અનેક નેસ આવેલા છે, જ્યાં હાલ કોરોનાકાળમાં શિક્ષણ બંધ છે. એક તરફ સ્કૂલ અને શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે જૂનાગઢ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ભણશે ગુજરાતના સૂત્રને સાર્થક કરવા નેસડામાં વસતા માલધારી સમાજના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તેના માટે DTH ના માધ્યમથી TV દ્વારા શિક્ષણ કાર્યની અનોખી પહેલ શરૂ કરી છે. નેસમાં વસતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી આરએસ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના ત્રણ તાલુકા જંગલ પ્રભાવિત છે. જેમાં ભેંસાણ, વિસાવદર અને મેંદરડાનો સમાવેશ થાય છે. આ ત્રણ તાલુકામાં 40 નેસ આવેલા છે, જેમાં 22 નેસ એવા છે કે અહીં માનવ વસ્તી છે. 15 નેસ એવા છે જેના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. પંરતુ 7 નેસ એવા છે કે તેના બાળકો લોકડાઉનથી શાળાએ ગયા નથી. તેવા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવું ખુબ કઠીન છે અને નેટ કનેક્ટિવિટી નથી તેવા નેસડામાં વસતા બાળકો માટે માટે STP વર્ગો શરૂ કરી બાળ મિત્ર શિક્ષક નિમણૂંક કરીને અભ્યાસ શરૂ કર્યો છે. તેમાં ટીમ સોરઠ દ્વારા જુના ટીવી એકત્ર કરી DTH માં આવતી વંદે ગુજરાત અને DD ગિરનારના માધ્યમ થી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. પાટવડ કોઠા નેસમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા હોવાથી TV ના માધ્યમ સાથે પાઠ્ય પુસ્તકો અને બાલમિત્ર શિક્ષક દ્વારા અભ્યાસ આપવનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કોરોનાની ગાઈડલાઈનનું સત્યાનાશ વાળતા અલ્પેશ કથીરિયા, ડાયરો કરીને ઉજવ્યો જન્મદિન

વિદ્યાર્થીઓ નવઘણ અને માલી નાકરાણી કહે છે કે, જુનાગઢ ગિરનાર જંગલ પાસે પાટવડ કોઠા નેસ આવેલો છે. આ નેસમાં 7 જેટલા બાળકો શિક્ષણથી વંચિત હોઈ તેમનું શિક્ષણકાર્ય શરૂ કરાયું છે, જેથી તેઓ ખુશખુશ થઈ ગયા છે. નેસમાં દુધાળા પશુના વ્યવસાય સાથે સંકળાયેલ હોઈ ત્યારે વિદ્યાર્થીઓનું કેહવું છે કે, અમારો નેસ જંગલ વિસ્તાર હોઈ જેના લીધે વન્ય પ્રાણીના ડરથી અન્ય જગ્યાએ શિક્ષણ લેવા જવું ખુબ મુશ્કેલ બની રહે છે. ત્યારે હવે નેસના TV ના માધ્યમથી શિક્ષણ લેવું ખૂબ ગમે છે અને અમારા નેસમાં 40 જેટલી ભેંસો આવેલી છે. ત્યારે ભેંસના દૂધ અને પશુ માટેનો જરૂરી હિસાબ રાખવામાં અગવડતા ના પડે તેના માટે જે રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે ખૂબ સારું છે. 

જુનાગઢ જિલ્લામાં કુલ કુલ 40 નેસ આવેલા છે. જેમાં કુલ વસ્તી 3503 લોકો વસવાટ કરે છે અને 349 બાળકો છે અને 9 શાળા આવેલ છે. STP ના 8 વર્ગો આવેલા છે. જેમાં 133 બાળકો અભ્યાસ કરી શિક્ષણ મેળવી રહ્યા છે. નેસના વધુ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા નેસમાં જઈને સર્વે હાથ ધરવામાં આવ્યો. શિક્ષણના આવા ઉત્તમ અભિગમ થકી ‘ભણશે ગુજરાત’ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા જોવા મળી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news