આજે નાયબ મુખ્યમંત્રી રજૂ કરશે ગુજરાત રાજ્યનું 4 મહિનાનું વચગાળાનું બજેટ

લોકસભાની ચૂંટણી નજીકમાં હોવાથી સરકાર 'વોટ ઓન એકાઉન્ટ' રજૂ કરશે, ચૂંટણી વર્ષ હોવાને કારણે કોઈ પણ પ્રકારના કરવેરામાં વધારો થવાની સંભાવના નહિંવત છે, સાથે જ યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે આકર્ષક જાહેરાતો થાય તેવી સંભાવના છે 

આજે નાયબ મુખ્યમંત્રી રજૂ કરશે ગુજરાત રાજ્યનું 4 મહિનાનું વચગાળાનું બજેટ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી એવા નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજુ કરશે. આ વર્ષે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેલ (લેખાનુદાન) રજૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી વર્ષ હોવાને કારણે કોઈ પણ પ્રકારના કરવેરામાં વધારો થવાની સંભાવના નહિંવત છે, સાથે જ યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે આકર્ષક જાહેરાતો થાય તેવી સંભાવના છે. 

રાજ્ય વિધાનસભા સવારે 11 કલાકે શરૂ થવાની છે. પ્રથમ કલાક પ્રશ્નોત્તરી માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ બપોરે 12.00 કલાકે નાણામંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજુ કરશે.  આ બજેટમાં કેન્દ્રીય બજેટની જેમ મોટાપાયે રાહતનો ધોધ વહે તેવી સંભાવના છે. આ વચગાળાના બજેટ અંતર્ગત સરકાર ચાર મહિનાનો ખર્ચ મંજૂર કરાવી લેશે, ત્યારબાદ ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતનું બજેટ જૂન અથવા જુલાઇ મહિનામાં રજૂ કરાશે.

ગયા વર્ષે 1.83 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગયા વર્ષે મંગળવારે 20 ફેબ્રુઆરીના રોજ ર૦૧૮-૧૯નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં કોઇ નવા કરવેરા નથી કે કોઈ કર રાહતો આપવામાં આવી ન હતી. ગુજરાતના નવા બજેટનું કુલ કદ રૂ.૧,૮૩,૬૬૬ કરોડ રખાયું હતું. અંદાજ અનુસારની પુરાંત રૂ. ૭,૮૩,૦ર રહી હતી. એકંદરે અંદાજીત પુરાંત રૂ. ૮૮૯.૩૪ કરોડ હતી.

પ્રજાને ફાયદાકારક હશે બજેટ
લોકસભાની ચૂંટણી આવતી હોવાથી ગુજરાતના વચગાળાના બજેટમાં પ્રજા પર કોઇ નવો બોજ નહીં હોય, પરંતુ ચૂંટણી પતી ગયા પછી જુલાઇમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં આવક વધારવા સરકાર પ્રજા પર બોજ નાંખી શકે છે. ગુજરાતની જીએસટીની આવકમાં દર વર્ષે વધારો થતો હોઇ સરકાર પાસે ટેક્સ નાંખવા માટે સ્ટેમ્પ ડ્યુટી અને વીજશુલ્ક સિવાય બીજી કોઇ મહત્વની જોગવાઇ નથી. સરકાર રાજ્યમાં જંત્રી દરોમાં વધારો કરવા માગે છે, પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ વધારો જૂન સુધીમાં અમલમાં આવી શકે છે. જંત્રીના દરમાં વધારો થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં મિલકત ખરીદનાર વર્ગને જંગી ભાવવધારો સહન કરવો પડશે. 

CM રૂપાણીના નિવાસસ્થાને કેબિનેટ બેઠક, સરકારના આગામી આયોજનોની ચર્ચા

રાજ્યના બજેટનો ઈતિહાસ
ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાખાતાનો હવાલો પણ સંભાળતા હતા. આમ તો નાણાંકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં શરૂ થતું હોય છે, પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયું હતું. કારણ કે, અલગ ગુજરાત રાજ્ય 1મે, 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂ.115 કરોડનું હતું. જેમાં મહેસુલી આવક રૂ.54 કરોડ 25 લાખ અને ખર્ચ રૂ.58 કરોડ 12 લાખ હતો. આ બજેટમાં રૂ.3 કરોડ 87 લાખની ખાધ બતાવાઈ હતી. 
અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો. 

સમય અને આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે રાજ્યના બજેટનું કદ પણ મોટું થતું ગયું છે. સૌથી વધુ સમય મુખ્યમંત્રી રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ 19 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. જે તેમનો એક વિક્રમ છે. ગુજરાતના છેલ્લા બજેટનું કદ 1.86 લાખ કરોડ હતું જે આગામી જુલાઇમાં વધીને બે લાખ કરોડ પહોંચી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news