ટોલગેટ પર કર્મચારીને લાફા મારનાર સોમનાથથી AAPના ઉમેદવાર જગમાલ વાળા વિરુદ્ધ FIR દાખલ

Jagmal Vala News: આમ આદમી પાર્ટીના ગીર સોમનાથના ઉમેદવાર જગમાલ વાળા ચૂંટણી પહેલા મોટા વિવાદમાં ફસાયા છે. ટોલબુથ પર દાદાગીરી આપના ઉમેદવાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. 

ટોલગેટ પર કર્મચારીને લાફા મારનાર સોમનાથથી AAPના ઉમેદવાર જગમાલ વાળા વિરુદ્ધ FIR દાખલ

ગીર સોમનાથઃ ગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જામી ગયો છે. આ વચ્ચે સોમનાથથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળા (Jagmal Vala) વિવાદોમાં આવી ગયા છે. ટોલ બુથ પર દાદાગીરી કરનાર આપના ઉમેદવાર જગમાલ વાળા પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આપના ઉમેદવાર જગમલ વાળાએ 15 નવેમ્બરે રાત્રે વેરાવળ નજીક આવેલા ટોલબુથ પર દાદાગીરી કરી હતી. તેમણે કહ્યું કે, મારી ગાડી આવતી હોય ત્યારે બેરિકેડ કેમ રખાય છે. 

શું છે સમગ્ર ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર 15 નવેમ્બરે મોડી રાત્રે વેરાવળ નજીક ડારી ટોલબુથ પરથી જગમાલ વાળા પસાર થઈ રહ્યાં હતા. ત્યારબાદ તેમણે અહીં બેરેક કેમ રાખ્યા છે તેમ કહી ટોલબુથના કર્મચારીને લાફા માર્યા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હવે પ્રભાસ પાટણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. એટલે કે મતદાન પહેલા જ આમ આદમીના ઉમેદવાર વિવાદમાં આવી ગયા છે. 

ટોલબુથના કર્મચારીને આપી ધમકી
ગીર સોમનાથના વેરાવળ નજીક હાઈવે પર ડારી ટોલબુથ ઉપર કામ કરતા ટોલકર્મી ધરમ વાજાએ ફરિયાદમાં જણાવ્યું કે 15 નવેમ્બરે મોડી રાત્રે સફેદ કારમાં આમ આદમી પાર્ટીના સોમનાથના ઉમેદવાર ટોલબુથ પર પહોંચ્યા હતા અને તે સમયે તેમની આગળની કાર પસાર થવામાં થોડો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેમણે નીચે ઉતરીને કહ્યું કે હું જગમલ વાળા છું અને મારી ગાડી આવે ત્યારે બેરેક કેમ રાખવામાં આવે છે. ત્યારબાદ મને લાફા માર્યા, અપશબ્દો કહ્યાં હતા અને નિકળી ગયા હતા. 

પોલીસે ગુનો દાખલ કર્યો
ટોલબુથ પર દાદાગીરી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ પ્રભાસ પાટણ પોલીસે ટોલકર્મીની ફરિયાદના આધારે જગમલ વાળા વિરુદ્ધ આઈપીસીની કલમ 323, 504 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news